ઉંદર પર કેન્સરના ઉપચારમાં સફળતા, અમેરિકાની ફ્લોરિડા યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ કરી કમાલ
- ફ્લોરિડા યુનિ.ના સંશોધકોએ એમઆરએનએ આધારિત વેક્સિન વિકસાવી
- વેક્સિન શરીરની રોગ પ્રતિકારક શક્તિને કેન્સરની ગાંઠ પર હુમલો કરવા પ્રેરિત કરશે : બધા પ્રકારના કેન્સરમાં કારગત બનશે
વૉશિંગ્ટન : દુનિયામાં લાખો લોકો કેન્સરથી પીડાય છે. કેન્સર આજના જમાનાની સૌથી વિકરાળ બીમારી બની ગઈ છે. કેન્સરના કારણે વર્ષે એક કરોડથી વધુ લોકોનાં મોત થઈ જાય છે. કેન્સરની જુદી જુદી સારવાર પદ્ધતિ છે અને ઘણાં લોકો સાજા થાય છે છતાં અક્સિર ઈલાજ હજુ સુધી મળ્યો નથી. આવી સ્થિતિમાં અમેરિકામાંથી આશા જન્માવતો અહેવાલ આવ્યો છે. અમેરિકાની ફ્લોરિડા યુનિવર્સિટીના સંશોધકોએ કેન્સરની વેક્સિન પર સફળ પ્રયોગ કર્યો છે.
સાયન્સ જર્નલ નેચર બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં પબ્લિશ થયેલા અહેવાલ પ્રમાણે ફ્લોરિડા યુનિવર્સિટીના સંશોધકોએ કેન્સરની યુનિવર્સલ વેક્સિન વિકસાવી છે. એમઆરએનએ એટલે કે મેસેન્જર આરએનએ ટેકનિકનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકોએ બનાવેલી કેન્સરની વેક્સિન બધા પ્રકારના કેન્સરમાં કારગત નીવડે તેમ છે. ઉંદરો પર પ્રયોગ થયો એનું પરિણામ ખૂબ ઉત્સાહવર્ધક છે. વેક્સિન આપ્યા બાદ ઉંદરોના શરીરમાં કેન્સરની ગાંઠ ગાયબ થઈ ગયાનું જણાયું હતું.
આ વેક્સિન મૂળભૂત રીતે શરીરની રોગ પ્રતિકારક શક્તિને કેન્સરની ગાંઠ પર હુમલો કરવા પ્રેરિત કરે છે. શરીરમાં જે સ્થળે ટયૂમર હોય એ સ્થળે તે સીધો એટેક કરે છે. ઘણાં ઉંદરોમાં કેન્સર ટયૂમર સદંતર નાબુદ થયાનું જણાયું હતું તો ઘણાં ઉંદરોમાં ગાંઠ નબળી પડી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ વેક્સિન કોઈ એક પ્રકારના કેન્સરમાં જ ઉપયોગી નથી, બધા જ પ્રકારના કેન્સરમાં તે અસર કરે છે, તેથી યુનિવર્સલ કેન્સર ટ્રિટમેન્ટ માટે આ વેક્સિન ભવિષ્યમાં બહુ મોટી ભૂમિકા ભજવશે.
સંશોધકોએ સ્કીન, હાડકા અને બ્રેન કેન્સર ધરાવતા ઉંદરોને આ વેક્સિન આપીને જોયું તો વેક્સિનથી તેમના શરીરમાં પાવરફૂલ રોગ પ્રતિકારક શક્તિ જનરેટ થઈ હતી. એ રોગ પ્રતિકારક શક્તિએ જ કેન્સર સામે મજબૂત લડાઈ આપી હતી. ડૉ. એલિયાસ સયૂરના માર્ગદર્શનમાં તૈયાર થયેલી આ વેક્સિનથી કેન્સર ઈમ્યુનોથેરપીની પદ્ધતિને સાયન્ટિફિકલી વધારે સમર્થન મળશે. ડૉ. એલિયાસ સયૂરના કહેવા પ્રમાણે આ વેક્સિન નિષ્ક્રિય થયેલા સેલને ફરીથી એક્ટિવ કરે છે. તેનાથી શરીરની કેન્સર સામેની લડાઈ વધારે સ્ટ્રોંગ બની જાય છે.
અત્યારે કેન્સરની ટ્રિટમેન્ટ થાય છે તેમાં મ્યુટેશન્સ પર ફોકસ કરવામાં આવે છે. એટલે કે શરીરના ડીએનએમાં સ્થાઈ પરિવર્તન કરવામાં આવે છે. ટૂંકમાં અત્યારની પ્રચલિત સારવારથી સ્થાઈ પરિવર્તન થાય છે, પરંતુ ફ્લોરિડા યુનિવર્સિટીના સંશોધકોએ બનાવેલી વેક્સિન શરીરમાં વાયરસ સામે લડવાની પદ્ધતિની કોપી કરે છે. વેક્સિન સ્વયં શરીરમાં ટયૂમરને ઓળખી કાઢે છે અને માત્ર એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે.