પેરુની આશ્ચર્યજનક ઘટનાઃ અંતિમવિધિ વખતે કોફિન હલ્યું અને લાશ જાણે ‘જીવિત’ થઈ ગઈ
Image Twitter |
Dead Man Twitches and Moves in coffin: ભારતીય સંસ્કૃતિમાં મૃત્યુ અને પુનર્જીવન વિશેની માન્યતાઓ છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં પણ પુનર્જન્મનું સમર્થન કરવામાં આવ્યું છે. એવી જ રીતે, દુનિયાના પણ અનેક ધર્મોમાં પુર્નજન્મની વાત છે. જો કે, આ વાતના ક્યારેય કોઈ પુરાવા મળતા નથી, પરંતુ હાલમાં જ પેરુમાં એક એવી ઘટના બની જેને લોકો સાક્ષાત પુનર્જન્મ સાથે સરખાવી રહ્યા છે.
અચાનક કોફિન હાલવા લાગ્યું, અને ચીસોનો અવાજ સંભળાયો
વાત એમ છે કે, પેરુના લામ્બાયેક વિસ્તારમાં એક શહેરમાં ઈવાન નામની વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તેની અંતિમ વિધિ વખતે પ્રાર્થના માટે અનેક લોકો ભેગા થયા હતા. ઈવાનનો મૃતદેહ કોફિનમાં હતો ત્યારે પરિવારજનો અને મિત્રો દ્વારા પ્રાર્થના કરાઈ રહી હતી. આ દરમિયાન અચાનક કોફિન હાલવા લાગ્યું. એટલું જ નહીં, તેમાંથી ચીસોનો અવાજ આવવા લાગ્યો. પહેલાં તો લોકો ડરી ગયા અને નાસભાગ કરવા લાગ્યા. કેટલાક લોકોએ હિંમત કરીને કોફિન ખોલ્યું, તો તેમાં રહેલો મૃતદેહ હલી રહ્યો હતો. પહેલા લોકોને આશ્ચર્ય થયું પણ ત્યારબાદ લોકો આ ઘટનાને ચમત્કાર અને પુનર્જન્મ માનવા લાગ્યા.
આ ઘટનાને બાઇબલના લાઝારસના પુનર્જન્મ જેવો ચમત્કાર માને છે
નવાઈની વાત એ છે કે, લોકો શોક વ્યક્ત કરવા માટે ભેગા થયા હતા, પરંતુ અંતિમ સંસ્કાર પહેલા જ કોફિન હલવા લાગ્યું તો પરિવારજનો ખુશ થઈ ગયા. બીજી તરફ, એક ક્ષણ માટે અફરાતફરી પણ મચી ગઈ. આ દ્રશ્ય જોનારા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. આ ચોંકાવનારી ઘટના વીડિયોમાં પણ કેદ થઈ ગઈ, જે હવે સોશિયલ મીડિયામાં પણ વાઇરલ છે. કેટલાક લોકો આ ઘટનાને બાઇબલના લાઝારસના પુનર્જન્મ જેવો ચમત્કાર માને છે. ઈસુ ખ્રિસ્તે તેને જીવંત કર્યો હતો. જો કે, એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે ઇવાન જીવંત થયો કે પછી થોડા ક્ષણ માટે જ આવી ઘટના બની હતી. આ દરમિયાન પરિવારજનોએ તુરંત જ કોફિન ખોલી દીધો હતો કારણ કે, ઈવાન જીવિત હોય તો ગૂંગળાઈ ના જાય.
આ પણ વાંચો: ચીન ધીમે ધીમે ભારતનું પાણી અટકાવી રહ્યું હોવાનો સેટેલાઇટ ડેટામાં ઘટસ્ફોટ
મેડિકલ એક્સપર્ટના મતે આ એક મેડિકલ કન્ડિશન પણ હોઈ શકે છે
નોંધનીય છે કે, કેટલાક લોકો આ ઘટનાને ચમત્કાર કહે છે, પરંતુ મેડિકલ એક્સપર્ટના મતે આ એક મેડિકલ કન્ડિશન પણ હોઈ શકે છે. જેમ કે, કોઈ વ્યક્તિ મૃત્યુ પછી ટૂંકાગાળા માટે ખૂબ ઓછા સમય માટે ચેતનવંત થઈ જાય અથવા અગાઉ નિદાન ન થયેલી કોઈ સ્થિતિના કારણે પણ મૃતદેહ આ રીતે હલી શકે છે.