કરાચીમાં નવા ડૉનનો સૂર્યોદય, દાઉદ ઇબ્રાહિમ હવે બૅકસીટ પર
- ઉજૈર બલૂચ નામનો ડૉન હવે સૌને ધ્રૂજાવે છે
કરાચી તા.21 જુલાઇ 2020 મંગળવાર
અમેરિકા સહિત દુનિયાભરના પોલીસ તંત્રે જેને આંતરરાષ્ટ્રીય ગુનેગાર તરીકે ઓળખાવ્યો છે એ દાઉદ ઇબ્રાહિમ હવે પાકિસ્તાનના કરાચી શહેરમાં બૅકસીટ પર આવી ગયો હોવાની વાતો પાકિસ્તાનમાં વહેતી થઇ હતી. પાકિસ્તાનમાં એેક નવા ડૉનનો સૂર્યોદય થયો હોવાનું જાણવા મળ્યું હતું.
પાકિસ્તાનના રાજકીય પક્ષો અને નેતાઓ દ્વારા એકબીજા પર થતા આક્ષેપો દરમિયાન આ હકીકત સામે આવી હતી.
હાલના વડા પ્રધાન ઇમરાન ખાનના નિકટવર્તી પ્રધાન અલી હૈદર જૈદીએ શનિવારે જાહેરમાં એેવો આક્ષેપ કર્યો હતો કે બિલાવલ ભુટ્ટોનો પક્ષ પીપીપી હવે ગુનેગારોનો તારણહાર બની રહ્યો છે. અલી હૈદરનો આ આક્ષેપ સાવ નાપાયાદાર નહોતો.
પાકિસ્તાનના મોટા ભાગના રાજકીય પક્ષો દ્રઢપણે માને છે કે બિલાવલ ભુટ્ટોનો પક્ષ ઉજૈર બલૂચને છાવરી રહ્યો છે. ઉજૈર બલૂચ હાલ કરાચી સેન્ટ્રલ જેલમાં રહ્યે રહ્યે પોતાનો અંધારી આલમનો તગડો બિઝનેસ ચલાવી રહ્યો છે. એના પર એક બે નહીં, દોઢસો હત્યાનો આરોપ છે અને એ ખૂન, ઘાડ, ખંડણી, અપહરણ તથા ડ્રગના બિઝનેસ પર લોખંડી પકડ ધરાવે છે. કમ સે કમ પાકિસ્તાનમાં હવે દાઉદ ઇબ્રાહિમ કરતાં ઉજૈર બલૂચના નામથી લોકો થથરે છે.
ભારતનો ભાગેડુ દાઉદ ઇબ્રાહિમ કરાચીના ક્લીફ્ટન વિસ્તારમાં એક વૈભવી બંગલામાં રહે છે અને પાકિસ્તાની લશ્કરના હથિયારબંધ જવાનો એ મકાનનું રક્ષણ કરે છે. જાણકાર વર્તુળો કહે છે કે દાઉદ ઉજૈરથી બને એટલેા દૂર રહે છે. બંને એકબીજાના ધંધામાં ચંચુપાત કરતા નથી. જો કે દાઉદે પાકિસ્તાનમાં માત્ર સિન્ડીકેટ ક્રાઇમ અને હવાલા ઓપરેશન્સ પર વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. એ બને ત્યાં સુધી ઉજૈરના કામમાં દખલ કરતો નથી. દાઉદની ગેંગ ડી ગેંગ તરીકે ઓળખાય છે જ્યારે ઉજૈરની ગેંગ લ્યારી ગેંગ તરીકે ઓળખાય છે અને માત્ર હથિયારો તથાઅને ડ્રગના ધંધામાં વધુ ધ્યાન આપે છે. જો કે ઉજૈર જેલમાં બેઠાં બેઠાં પણ ખંડણી અને અપહરણ જેવાં કામો પોતાની ગેંગ દ્વારા કરાવતો રહે છે.
41 વર્ષનો ઉજૈર હાલ કરાચી સેન્ટ્રલ જેલમાં બેઠો બેઠો બેતાજ બાદશાહ જેવો બની રહ્યો છે અને એને ભુટ્ટો પરિવાર તથા પીપીપી સાથે અત્યંત નિકટનો સંબંધ હોવાની વાતો ઊડે છે.