- ડેનીશ વડાપ્રધાનનું મૂળ 'વાઈકીંગ રક્ત' ઉકળી ઊઠયું
- જરૂર પડે ગ્રીનલેન્ડ બળપૂર્વક પણ લેવાની ટ્રમ્પે આપેલી ધમકી સામે યુરોપીય દેશોએ પણ બાંયો ચઢાવી : 'નાટો' તૂટી પડવાની આશંકા
કોપન હેગન (ડેન્માર્ક) : જરૂર પડે ગ્રીન લેન્ડ બળપૂર્વક પણ લેવાની ટ્રમ્પે આપેલી ધમકી પછી ડેન્માર્કનાં વડાપ્રધાન મેટ્રે ફ્રેડ્રીકસને ટ્રમ્પને સામી ધમકી આપતાં કહ્યું હતું કે, ગ્રીનલેન્ડને બળપૂર્વક લેવાના પ્રયત્નોનો કટ્ટર સામનો કરવામાં આવશે. અમે પહેલાં ગોળી છોડીશું અને પછી જ પ્રશ્નો પૂછીશું. આમ ડેનીશ વડાપ્રધાન રણચંડીના પાઠમાં આવી ગયા હતાં. તે અંગે નિરીક્ષકોનું કહેવું છે કે, 'ટ્રમ્પની ધમકીથી મેટ્રો ફ્રેડ્રીકસનનું મૂળ વાઈકીંગ રક્ત' ઉકળી ઊઠયું છે.
તે સર્વવિદિત છે કે, શીત યુદ્ધના સમયમાં યુરોપીય દેશોએ (સ્ટાલિનિસ્ટ રશિયાનો સામનો કરવા) નિર્ણય કર્યો હતો કે, 'પહેલા ગોળી ચલાવી પછી જ પ્રશ્નો પૂછીશ.'
ડેન્માર્કનાં વર્તમાનપત્ર બર્લીન્ગસ્કે આ માહિતી આપતાં જણાવે છે કે નાઝી જર્મનીએ ૧૯૪૦ના એપ્રિલમાં ડેન્માર્ક ઉપર કબ્જો જમાવ્યા પછી વળતા યુદ્ધના અંતે જર્મની ખતમ થઈ ગયા પછી રચાયેલા નાટો સંગઠનમાં ૧૯૫૨માં રશિયન સંભવિત આક્રમણ સામે આ ડાયરેક્ટિલ ''શૂટ-ફર્સ્ટ-એન્ડ-માસ્ક - કવેશન્સ લેટર''નો સિદ્ધાંત અપનાવ્યો હતો.
બીજી તરફ ટ્રમ્પે વારંવાર આપેલી ધમકીના સંદર્ભે ડેન્માર્ક તથા સંપૂર્ણ આંતરિક સ્વાયત્તતા ભોગવતાં ડેન્માર્ક અને ગ્રીનલેન્ડનાં પ્રતિનિધિઓએ અમેરિકી કોંગ્રેસના અગ્રણીઓ સાથે મંત્રણા શરૂ કરી દીધી છે. તો ઉપપ્રમુખ જે.ડી. વાન્સે કહ્યું હતું કે રશિયા અને ચાયના હુમલો કરી શકે તેવી ટ્રમ્પની ગણતરીને યુરોપીય રાષ્ટ્રોએ ગંભીરતાથી લેવી જોઈએ. અમારા યુરોપીય મિત્રોએ તે સમજવું જોઈએ કે ગ્રીન લેન્ડ અમેરિકાની લાઇન ઓફ ડીફેન્સમાં છે. ત્યાં અમેરિકાનાં થાણા છે, પરંતુ તે પૂરતાં ન પડે માટે ગ્રીનલેન્ડ અમેરિકાના કબ્જામાં હોવું અનિવાર્ય છે.


