For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મલાવીમાં ફ્રેડી વાવાઝોડાનો કેર : 400થી વધુના મોત, બે લાખ લોકો વિસ્થાપિત

Updated: Mar 17th, 2023

Article Content Image

- 20 દિવસમાં બીજી વખત વાવાઝોડુ ત્રાટકતા આફ્રિકન દેશ જળબંબાકાર

- સૈન્યની મદદ લેવાઇ, અનેક પુલ-રોડ ધોવાતા રેસ્ક્યૂ ઓપરેશન ઠપ, 50 હજાર પરિવાર ઘરવિહોણા થઇ ગયા

- બે સપ્તાહ માટે રાષ્ટ્રીય શોક અને કટોકટી જાહેર, રાષ્ટ્રપતિએ વિશ્વના દેશો પાસે મદદ માગી, મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

લિગોંગ્વે : આફ્રિકાના મલાવીમાં ફ્રેડી નામના વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. આ વાવાઝોડાએ અત્યાર સુધીમાં ૪૦૦થી વધુ લોકોનો ભોગ લીધો છે. લાખો લોકો ઘરવિહોણા થઇ ગયા છે, જ્યારે અનેક લોકો ગુમ થતા તેમની શોધખોળ માટે તપાસ અભિયાન ચાલી રહ્યું છે. પરિસ્થિતિ એટલી કફોડી છે કે પોતાના પરિવારજનોને શોધવા માટે લોકો પાણીમાં કુદીને ફાંફા મારી રહ્યા છે. રોડ, પુલ, ખેતરો ધોવાઇ ગયા હોવાથી રેસ્ક્યૂ ઓપરેશનમાં ભારે અડચણ આવી રહી છે.

સરકારી આંકડા મુજબ આ વાવાઝોડાને કારણે બે લાખથી વધુ લોકો વિસ્થાપિત થઇ ગયા છે. મલાવીના ચિરાડજુલુ સહિતના જિલ્લાઓમાં આ વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. છેલ્લા ઘણા દિવસ બાદ ફરી ફેડી વાવાઝોડુ ત્રાટક્યું હતું, તેથી આ વાવાઝોડાને સૌથી લાંબા સમય સુધી હાહાકાર મચાવનારુ વાવાઝોડુ પણ માનવામાં આવે છે. લોકો સ્કૂલો અને જાહેર સ્થળોમાં શરણ લેવા માટે મજબુર બન્યા છે. 

મલાવીના રાષ્ટ્રપતિ લાજર ચકવેરાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એક જ દિવસમાં મૃત્યુઆંક વધીને ૪૦૦ને પાર પહોંચી ગયો છે. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે સૈન્યની મદદ લેવામાં આવી છે. મોટી સંખ્યામાં જવાનો અંતરીયાળ વિસ્તારોમાં રાહત અને બચાવકાર્ય કરી રહ્યા છે. બે લાખથી વધુ લોકો અને ૫૦ હજાર જેટલા પરિવાર વિસ્થાપિત થઇ ગયા છે. લોકોને બચાવવા માટે ૩૦૦થી વધુ ઇમર્જન્સી શેલ્ટર સ્થળો ઉભા કરવામાં આવ્યા છે. 

મલાવીના રાષ્ટ્રપતિએ સાત દિવસ માટે દેશમાં બે સપ્તાહ માટે રાષ્ટ્રીય શોક અને ઇમર્જન્સી જાહેર કરી છે. સાથે જ વિશ્વભરના દેશોને અપીલ કરી છે કે તે રાહત સામગ્રી સહિતની જે પણ શક્ય હોય તે મદદ મોકલે. વાવાઝોડાએ ખેતી, ખેતરો, મકાનો, રોડ, પુલ, ડેમ બધુ જ નાશ વાળી દીધુ છે. 

પીડિતોને રેસ્ક્યૂ કરવા માટે જે પુલોની મદદ લેવામાં આવી રહી હતી તે પણ તુટી ગયા હોવાથી રાહત અને બચાવ કાર્ય પર માઠી અસર જોવા મળી રહી છે. આ પહેલા ફેબુ્રઆરીના અંતમાં પણ ફ્રેડી વાવાઝોડુ ત્રાટક્યું હતું, જેણે આફ્રિકાના મેડાગાસ્કર અને મોજામ્બિકમાં ભારે તારાજી સર્જી હતી. જે બાદ મલાવીમાં બે દિવસ પહેલા જ ત્રાટક્યું હતું. એટલે કે આ વાવાઝોડાએ ૨૦ દિવસ સુધી આફ્રિકાના અનેક દેશોને ઘમરોળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના વિશ્વભરના નેતાઓએ આ મામલે દુ:ખ વ્યક્ત કરીને આફ્રિકાના નાના એવા આ દેશને મદદ માટે લોકોને અપીલ કરી છે. 

Gujarat