લંડન, બ્રુસેલ્સ અને મહત્ત્વના યુરોપીય વિમાનગૃહો પર 'સાયબર એટેક' : અનેક ફ્લાઇટ કેન્સલ કરાઇ
- કૅન્સલેશન ઉપરાંત 'ડીપાર્ચર ડીલે'ને લીધે અસંખ્ય મુસાફરોને હાલાકી : ફ્રેન્કફર્ટ ઝ્યુરિચના વિમાન ગૃહો મુક્ત રહ્યા
નવી દિલ્હી : લંડન, બ્રુસેલ્સ સહિતના યુરોપના અનેક વિમાનગૃહોએ 'ચેક ઇન' અને બોર્ડિંગ સીસ્ટીમ પર સાયબર એટેક થતાં અનેક ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી હતી. એક ફ્લાઇટમાં ડીપાર્ચર ડીલેને લીધે યાત્રિકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી હતી. લંડનમાં હીથ્રો વિમાનગૃહ ઉપરાંત બુ્રસેલ્સ અને બર્લિનમાં પણ આજે શનિવારે અંધાધૂંધ જેવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હતી.
ફ્લાઇટ કેન્સલેશન્સ ઉપરાંત કેટલીયે ફ્લાઇટસ અંગે 'ડીપાર્ચર ડીલે'ની પટ્ટીઓ 'બોર્ડ' પર આવતા મુસાફરોની મુંઝવણ વધી ગઈ હતી. આ પરિસ્થિતિ માત્ર લંડનમાં જ ન હતી કોન્ટીનન્ટ સમગ્ર યુરોપમાં આવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હતી તેવામાં આશ્ચર્યજનક રીતે જર્મનીનું ફ્રેન્કફર્ટ અને સ્વિત્ઝર્લેન્ડ (હેલ્વેશિયા)નું ઝુરિચ એરપોર્ટ બચી ગયા હતા. અહીં વિમાનોની આવન-જાવન યથાવત્ અને સમયસર થતા હતા કારણ કે તે બંને એરપોર્ટસ આશ્ચર્યજનક રીતે સાયબર એટેકમાંથી બચી ગયા હતા.
આ અંગે વિશ્વભરના એરપોર્ટસ અને એરલાઇન્સના કર્મચારીઓ ઉપર દેખરેખ રાખતી 'કોલીન્સ એરોસ્પેસે' જણાવ્યું હતું કે, આ સાઇબર એટેકને લીધે દુનિયાના ઘણાં એરપોર્ટસને અસર થઈ છે તેની સેવાઓ કેટલાયે સમય સુધી ખોરવાઈ ગઈ હતી. આ સાઇબર એટેક કોણે કર્યો હશે તે વિષે તપાસ ચાલે છે તેમ છતાં આ વૈશ્વિક સંસ્થાએ મુસાફરોને 'ફ્લાઇટ ડીલે' તેમજ કેન્સલેશન માટે પણ માનસિક રીતે તૈયાર રહેવા અનુરોધ કર્યો છે.