Get The App

પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાનો બની રહ્યો છે યોગ, ઓઈલ માર્કેટમાં ઈરાનની એન્ટ્રી, ક્રૂડ તળીયે

Updated: Jun 25th, 2026

GS TEAM

Google News
Google News
પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાનો બની રહ્યો છે યોગ, ઓઈલ માર્કેટમાં ઈરાનની એન્ટ્રી, ક્રૂડ તળીયે 1 - image

International Crude Oil Price Drop 2026: ભારતીય ગ્રાહકો અને વાહનચાલકો માટે ખૂબ જ રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ હવે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું તે પહેલાના સ્તર પર પાછા આવી ગયા છે. કાચા તેલની કિંમતોમાં આ આકસ્મિક અને ભારે ઘટાડા બાદ હવે ભારતીય સ્થાનિક બજારમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સસ્તા થવાની તગડી શક્યતાઓ દેખાઈ રહી છે.

બ્રેન્ટ ક્રૂડ 70 ડોલરની નીચે સરક્યું

આજના ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન વૈશ્વિક સ્તરે બ્રેન્ટ ક્રૂડનો ભાવ તૂટીને 70 ડોલર પ્રતિ બેરલની નીચે પણ સરકી ગયો હતો. હાલમાં તે 0.46 ટકાના ઘટાડા સાથે 73.28 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યો છે. આ જ રીતે અમેરિકન કાચા તેલના ભાવમાં પણ મોટો કડાકો જોવા મળ્યો છે અને તે હાલ 69.95 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો છે. આ મોટો ઘટાડો ઉપરાંત ઇરાન સંકટ શરૂ થયા બાદ ક્રૂડ ઓઇલમાં આવેલી તમામ તેજી હવે સંપૂર્ણપણે હવા થઈ ચૂકી છે.

આ પણ વાંચો : VIDEO: વેનેઝુએલામાં ભયાનક ભૂકંપથી હજારોના મોતની આશંકા, 1700 કિમી દૂર બ્રાઝિલ સુધી ધરા ધ્રુજી

ભાવ ગગડવાના મુખ્ય કારણો

ક્રૂડ ભાવ તૂટવા પાછળનું સૌથી મોટું કારણ આંતરરાષ્ટ્રીય ઓઈલ માર્કેટમાં ઈરાનની ફરીથી થયેલી એન્ટ્રી છે. આ ઉપરાંત, હવે અમેરિકા અને ઈરાન વચ્ચે સત્તાવાર સમજૂતી થઈ ગઈ હોવાથી વૈશ્વિક સ્તરે વ્યૂહાત્મક ગણાતી હોર્મુઝની ખાડીમાંથી મોટી સંખ્યામાં ઓઈલ ટેન્કરો પોતાની ટ્રેકિંગ સિસ્ટમ ચાલુ રાખીને સંપૂર્ણ સુરક્ષિત રીતે પસાર થઈ રહ્યા છે. આ વૈશ્વિક બદલાવને કારણે દુનિયાભરમાં ક્રૂડ સપ્લાય હવે ફરી એકવાર સામાન્ય થવાના માર્ગ પર છે.

ગ્લોબલ માર્કેટમાં ક્રૂડની ચોતરફ સપ્લાય

ગ્લોબલ માર્કેટમાં આ સમયે ખરીદદારોની ચાંદી છે, કારણ કે ક્રૂડની ઉપલબ્ધતા ધારણા કરતાં ઘણી વધારે વધી ગઈ છે. રિફાઇનિંગ કંપનીઓ અને ખરીદદારોને મધ્ય-પૂર્વથી લઈને પશ્ચિમ આફ્રિકા સહિતના દુનિયાના તમામ મોટા નિકાસકાર દેશો તરફથી ક્રૂડ ઓઇલની નવી-નવી ઓફર્સ મળી રહી છે. બજારના નિષ્ણાતોના મતે, ઈરાનના વિશાળ ઓઈલ ભંડારની બજારમાં એન્ટ્રી થવાથી આગામી દિવસોમાં સપ્લાય હજુ વધશે અને કિંમતો વધુ નીચે જઈ શકે છે.