COVID-19: કોરોના વાયરસ સ્વાઈન ફ્લૂ કરતા 10 ગણો વધારે જીવલેણ છે: WHO
નવી દિલ્હી,13 એપ્રિલ 2020 સોમવાર
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશે (WHO) કોરોના વાયરસને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં ડબલ્યુએચઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ સ્વાઈન ફ્લૂ કરતા 10 ગણો વધારે જીવલેણ છે. સ્વાઈન ફ્લૂને એચ1એન1 નામથી પણ ઓળખવામાં આવે છે.
નોંધનીય છે કે 2009મા સ્વાઈન ફ્લૂ વૈશ્વિક મહામારીનું કારણ બન્યો હતો. આ સાથે WHOના એક અહેવાલ મુજબ વિશ્વના 52 દેશોમાં વૈશ્વિક રોગચાળાના કોરોના વાયરસ (કોવિડ -19) સામે લડતા 22 હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓને ચેપ લાગ્યો છે.
કોવિડ -19 સામેના યુદ્ધમાં મુખ્ય ભૂમિકા ભજવનારા આરોગ્ય કર્મચારીઓને ચેપથી બચાવવા માટે, માસ્ક, ગોગલ્સ, ગ્લોવ્સ અને ગાઉન જેવા વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો (પી.પી.ઇ.) નો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઇએ.
ડબ્લ્યુએચઓએ કહ્યું છે કે આરોગ્ય કર્મચારીઓના હક્કોનું રક્ષણ થવું જોઈએ અને તેઓને ઉત્તમ વાતાવરણ પુરૂ પાડવું જોઈએ.
જીનિવામાં ડબલ્યુએચઓના પ્રમુખ ટ્રેડોસ એડનોમે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમે જાણીએ છીએ કે કોવિડ-19 ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વાયરસ 2009મા મહામારી બનેલા સ્વાઈન ફ્લૂની તુલનામાં 10 ગણો વધારે ઘાતક છે.
નોંધનીય છે કે સમગ્ર વિશ્વ હાલમાં કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યું છે. ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 9,000ને પાર થઈ ગઈ છે. જ્યારે 300થી વધુ લોકોના મોત નીપજ્યા છે.
અમેરિકા અને બ્રિટન જેવા વિશ્વના સમૃદ્ધ રાષ્ટ્રો પણ કોરોના સામે લાચાર જોવા મળી રહ્યા છે. કોરોનાના કારણે અમેરિકામાં એકલા ન્યૂયોર્કમાં જ 10,000થી વધુ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ઈટાલીમાં મૃત્યુ આંક 20,000ને પાર થઈ ગયો છે.