World

કોર્ટે ટ્રમ્પ સામે 83.3 મિલિયન ડોલરનો બદનક્ષીનો દાવો માન્ય રાખ્યો

By GS TEAM
10 Sep 20253 mins read
કોર્ટે ટ્રમ્પ સામે 83.3 મિલિયન ડોલરનો બદનક્ષીનો દાવો માન્ય રાખ્યો

- બળાત્કાર કેસમાં અમેરિકી પ્રમુખને જોરદાર ફટકો

- લેખિકાના દાવા મુજબ સતામણીના આરોપ પછી ટ્રમ્પે વારંવાર તેની બદનક્ષી કરતા નિવેદનો કર્યા હતા

ન્યુ યોર્ક : અમેરિકાની ફેડરલ અપીલ કોર્ટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામેના ૮૩.૩ મિલિયન ડોલરના માનહાનિના દંડને માન્ય રાખ્યો છે, જે અમેરિકન કાનૂની ઈતિહાસમાં સૌથી મોટા માનહાનિના દંડમાંનો એક છે. પત્રકાર અને લેખિકા ઈ. જીન કેરોલે દાવો કર્યો હતો તેણે જાતીય હુમલાનો આરોપ લગાવ્યા પછી ટ્રમ્પે વારંવાર તેની બદનક્ષી કરી હતી. ન્યુ યોર્ક સ્થિત અપીલ્સ કોર્ટે સોમવારે ટ્રમ્પની અપીલને ફગાવી દીધી જેમાં તેમણે જીન કેરોલને માન્ય કરાયેલા દંડને રદ કરવાની માગણી કરી હતી. કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે આ કેસમાં ટ્રમ્પ પ્રમુખ તરીકેની ઈમ્યુનિટીનો દાવો નહિ કરી  શકે.

૮૧ વર્ષીય કેરોલે ૨૦૧૯માં પહેલી વાર જાહેરમાં પોતાના આરોપો રજૂ કર્યા હતા કે ટ્રમ્પે ૧૯૯૦ના દાયકામાં ન્યૂયોર્કના એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં તેમનું જાતીય શોષણ કર્યું હતું. તેના જવાબમાં, ટ્રમ્પે આ દાવાને એવું  કહીને નકાર્યો હતો કે તે મારા ટાઈપની નહોતી તેમજ તેણે પોતાની પુસ્તક વેંચવા આવી વાત ઘડી કાઢી છે. ટ્રમ્પના ઓનલાઈન અને ઓફલાઈન બંનેમાં આવા સતત અપમાનજક નિવેદનોને કારણે તેની સામે અનેક દાવા દાખલ કરાયા હતા.

ટ્રમ્પે એવી દલીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટના ૨૦૨૪ના ચુકાદા અનુસાર તેમને વ્યાપક ક્રિમિનલ ઈમ્યુનિટી મળી છે, જે સિવિલ કેસોમાં પણ લાગુ થવી જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું કે ૨૦૧૯માં  તેમનું નિવેદન પ્રમુખના આધિકારીક ફરજોનો હિસ્સો હતું અને જો તેમને ઈમ્યુનિટી નહિ મળે તો એક્ઝેક્યુટિવ વિભાગ નબળો પડશે. પણ કોર્ટે ટ્રમ્પની તમામ દલીલો ફગાવી દીધી.

જાન્યુઆરી ૨૦૨૪માં એક જ્યુરીએ ટ્રમ્પને કેરોલને ૮૩.૩ મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો હતો જેમાં ૬૫ મિલિયન ડોલર દંડાત્મક નુકસાની, ૭.૩ મિલિયન ડોલર વળતર નુકસાની અને ૧૧ મિલિયન ડોલર તેની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા માટે સામેલ હતા. આ એવોર્ડ કેરોલની ૧૦ મિલિયન ડોલરની પ્રારંભિક વિનંતી કરતાં ઘણો વધારે હતો,કારણ કે જ્યુરીના તારણ મુજબ ટ્રમ્પનું વર્તન દ્વેષયુક્ત હતું અને તેના પર ગંભીર આર્થિક દંડ લાદવામાં નહિ આવે તો તેઓ આવા અપમાનજનક હુમલા ચાલુ જ રાખશે.

અપીલ્સ કોર્ટે માન્ય કર્યું કે ટ્રાયલ નિષ્પક્ષ હતી અને અસાધારણ તેમજ ગંભીર તથ્યોને ધ્યાનમાં રાખતા દંડ પણ ઉચિત હતો. રજૂ કરવામાં આવેલા પુરાવામાં ટ્રમ્પનું ૨૦૨૨નું નિવેદન પણ સામેલ હતું જેમાં તેણે કેરોલની એક તસવીરને પોતાની ભૂતપૂર્વ પત્ની માર્લા મેપલ્સ તરીકે ગણાવી હતી, જેનાથી કેરોલ તેના ટાઈપની નથી તેવો દાવો ખોટો ઠર્યો  હતો.

આ ચુકાદા અગાઉ ૨૦૨૩ના એક અલગ ફેડરલ કેસનો ચુકાદો આવ્યો હતો જેમાં અન્ય એક જ્યુરીએ ટ્રમ્પને ૧૯૯૬માં કેરોલ પર જાતીય હુમલો કરવા અને ૨૦૨૨માં તેના આરોપોને *કપટ* ગણાવીને તેને બદનામ કરવા બદલ જવાબદાર ઠેરવ્યા હતા.

આ પરિણામ કેરોલ માટે નિર્ણાયક વિજય સમાન છે અને વારંવાર થતી બદનક્ષીને રોકવા માટે ન્યાયતંત્રના મક્કમ વલણનો સંકેત આપે છે, ખાસ કરીને જ્યારે આવી બદનક્ષી જાતીય હુમલાના આરોપો અને જાહેર પ્રભાવ સાથે જોડાયેલ હોય.