કેમ્પસ દેખાવકારો પર ટ્રમ્પે વિંઝેલ કોરડા અંગે કોર્ટ નિર્ણય કરશે કે પ્રમુખ કેટલી હદે સત્તા વાપરી શકે

- હાવર્ડ સહિત યુ.એસ.ની તમામ યુનિ.ઓમાં અસામાન્ય પરિસ્થિતિ
- પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ટેકટિકસ સાથે પ્રમુખ ટ્રમ્પ તંત્રનું બાહુબળ પણ સક્રિય કરવામાં આવ્યું હતું
વોશિંગ્ટન : અમેરિકામાં કાયદેસર વસતા વિદેશી નાગરિકો અને વિદ્યાર્થીઓના અધિકારો અંગે યુએસની અદાલતમાં કેસ ચાલી રહ્યા છે. તેમાં ટ્રમ્પે હાવર્ડ સહિત તમામ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપર ટ્રમ્પની ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ટેકટિકસ અને તેનો અમલ કરવા ટ્રમ્પ તંત્રે કરેલા બાહુબળની સમીક્ષા કરવા સાથે કોર્ટ તે પણ નિર્ણય લેશે કે, પ્રમુખ કેટલી હદે તેની સત્તા વાપરી શકે.
તે સર્વ વિદિત છે કે પ્રમુખ ટ્રમ્પના વહીવટી તંત્રે લીધેલા અત્યંત કઠોર પગલાં સામે હાવર્ડ સહિત અમેરિકાની પ્રિન્સ્ટન, સ્ટેન ફોર્ડ, કોલોરાડા સહિત તમામ યુનિવર્સિટીઓમાં દેખાવો યોજયા હતા. આ દેખાવકારોને દૂર કરવા સમવાયતંત્રની સલામતી રક્ષકોએ બળ પ્રયોગો પણ કર્યા હતા. જે સામે અમેરિકામાં ભારે દેખાવો યોજાયા હતા. જેમાં અમેરિકી નાગરિકો પણ જોડાયા હતા.
ટ્રમ્પ વહીવટી તંત્રના આ તઘલખી હુકમ સામે વિદ્યાર્થી સંગઠનો અને અમેરિકન એસોસિયેશન ઓફ યુનિવર્સિટી પ્રોફેસર્સ પણ કોર્ટમાં ગયું છે.
સૌથી પહેલો કેસ બોસ્ટનની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ જજ વિલિયમ યંગ સમક્ષ દાખલ કરાયો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ વહીવટી તંત્રના આ પ્રયાસો શૈક્ષણિક સ્વતંત્રતા વિરૂધ્ધના છે.
હજી આ કેસની સુનાવણી ચાલી રહી છે અને કોર્ટ જ તે નિર્ણય કરશે કે પ્રમુખ કેટલી હદ સુધી તેની સત્તા વાપરી શકે.
વિશ્લેષકો માને છે કે મોટે ભાગે તો કોર્ટ વિદ્યાર્થીઓ અને કાયદેસર અમેરિકામાં વસતા વિદેશી નાગરિકો તરફે જ રહેશે.









