- ટ્રમ્પ સરકારને અમેરિકાની ફેડરલ કોર્ટનો વધુ એક ઝટકો
- અમેરિકામાં ડેમોક્રેટ શાસિત શહેરોમાં ભારે અરાજક્તાનો દાવો કરતા ટ્રમ્પનો શિકાગોમાં ૩૦૦ નેશનલ ગાર્ડની તૈનાતીનો આદેશ
- પોર્ટલેન્ડમાં ટ્રમ્પ વિરોધી દેખાવોને 'બળવો' કહી શકાય નહીં, ૨૦૦ નેશનલ ગાર્ડની તૈનાતી રાજ્યના અધિકારોનો ભંગ : કોર્ટ
- ટ્રમ્પે ફોક્સ ન્યૂઝ પર ૨૦૨૦ના હિંસક દેખાવોનો વીડિયો જોઈ પોર્ટલેન્ડમાં નેશનલ ગાર્ડની તૈનાતીનો આદેશ આપ્યો : ઓરેગન સરકાર
પોર્ટલેન્ડ: અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષની શરૂઆતમાં બીજા કાર્યકાળ માટે સત્તા સંભાળી ત્યારથી આડેધડ આદેશો આપી રહ્યા છે, જેને કોર્ટમાં પડકારવામાં આવે છે અને કોર્ટ ટ્રમ્પના આદેશો પર સ્ટે મૂકી દે છે. આ જાણે એક પરંપરા બની ગઈ હોય તેમ પ્રમુખ ટ્રમ્પના વધુ એક આદેશ પર ફેડરલ કોર્ટે કામચલાઉ સ્ટે મૂકી દીધો છે. અમેરિકાની ફડેરલ કોર્ટે ટ્રમ્પને ઝટકો આપતા પોર્ટલેન્ડમાં ૨૦૦ નેશનલ ગાર્ડ સૈનિકોની તૈનાતીનો અમલ અટકાવી દીધો છે. બીજીબાજુ ટ્રમ્પે અમેરિકાના ડેમોક્રેટ શાસિત શહેરોમાં અરાજક સ્થિતિ હોવાનો દાવો કરતા શિકાગોમાં ૩૦૦ નેશનલ ગાર્ડ તૈનાત કરવા આદેશ આપ્યો છે તેમ વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું
પોર્ટલેન્ડમાં અમેરિકન ફેડરલ કોર્ટે પોર્ટલેન્ડ શહેરમાં ૨૦૦ નેશનલ ગાર્ડના સૈનિકોની તૈનાતીના પ્રમુખ ટ્રમ્પના આદેશના અમલને ૧૮ ઑક્ટોબર સુધી અટકાવી દીધો છે. તેમણે કહ્યું કે, તાજેતરના દિવસોમાં પોર્ટલેન્ડમાં થયેલા ટ્રમ્પ વિરોધી દેખાવોને 'બળવો' કહી શકાય નહીં અને આ વિરોધ કાયદો-વ્યવસ્થામાં ગંભીર અવરોધ નથી બનતો. ટ્રમ્પ સરકાર એવા કોઈ પુરાવા રજૂ કરી શકી નથી. સાથે જ જિલ્લા જજ કરિન ઈમરગટે એ પણ સ્પષ્ટ કર્યું કે, પ્રમુખ ટ્રમ્પે શહેરમાં નેશનલ ગાર્ડના સૈનિકોની કરેલી તૈનાતી રાજ્યના અધિકારોનો ભંગ કરે છે. ડિસ્ટ્રિક્ટ જજ કરિન ઈમરગટની નિમણૂક ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં થઈ હતી.
ઓરેગનના એટર્ની જનરલ ડૈન રેફીલ્ડે કોર્ટમાં દલીલ કરી હતી કે, પ્રમુખ ટ્રમ્પ પોતાની ઈમિગ્રેશન પોલિસી વિરુદ્ધ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનોને વધારીને દર્શાવી રહ્યા છે, જેથી તેઓ નેશનલ ગાર્ડ પર તેમનું ગેરકાયદે નિયંત્રણ સ્થાપિત કરી શકે. ઓરેગન સરકારે ટ્રમ્પ સરકાર પર રાજ્યની સ્વાયત્તતા પર હુમલાનો આરોપ મૂક્યો હતો. ઓરેગન સરકારે કહ્યું કે, ટ્રમ્પનો આદેશ ફેડરલ કાયદાનો ભંગ છે. ટ્રમ્પે ફોક્સ ન્યૂઝ પર દર્શાવાયેલા ૨૦૨૦ના મોટા અને હિંસક દેખાવોનો વીડિયો જોઈને પોર્ટલેન્ડમાં નેશનલ ગાર્ડની તૈનાતીનો આદેશ આપ્યો હતો, જ્યારે હકીકતમાં આ દેખાવો 'નાના સ્તર પર અને શાંતિપૂર્ણ' હતા.
રાજ્ય સરકારના વકીલોએ કહ્યું કે, જૂનના મધ્યમાં માત્ર ૨૫ લોકોની ધરપકડ થઈ હતી, ત્યાર પછી ત્રણ મહિનામાં કોઈ ધરપકડ થઈ નથી. વ્હાઈટ હાઉસના પ્રવક્તા એબિગેલ જેક્સને કહ્યું કે, પ્રમુખ ટ્રમ્પે હિંસક રમખાણો અને કાયદાકીય એજન્સીઓ પર હુમલા પછી પોર્ટલેન્ડમાં ફેડરલ સંપત્તિઓ અને કર્મચારીઓની સુરક્ષા માટે તેમના કાયદેસરના અધિકારોનો ઉપયોગ કર્યો છે. તેઓ ફેડરલ કોર્ટના આદેશ વિરુદ્ધ ઉપલી કોર્ટમાં અપીલ કરશે.
રિપબ્લિકન પ્રમુખ ટ્રમ્પ ડેમોક્રેટ નેતાઓના વાંધા છતાં તેમના દ્વારા શાસિત શહેરોમાં અરાજક્તા ફેલાઈ હોવાનો દાવો કરતાં નેશનલ ગાર્ડના સૈનિકોની તૈનાતી કરવા માગતા હોવાથી ટ્રમ્પ માટે ઈમરગટનો આદેશ મોટા ફટકા સમાન મનાય છે. આવા સમયે પ્રમુખ ટ્રમ્પે ઈલિનોયના શિકાગોમાં ૩૦૦ નેશનલ ગાર્ડ સૈનિકો તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. વ્હાઈટ હાઉસે કહ્યું કે, શિકાગોમાં કેન્દ્રીય અધિકારીઓની સુરક્ષા માટે નેશનલ ગાર્ડ્સની તૈનાતીનો આદેશ અપાયો છે.
વ્હાઈટ હાઉસના પ્રવક્તા અબીગૈલ જૈક્સને કહ્યું કે, અમેરિકાના અનેક શહેરોમાં ભારે અરાજક્તા ફેલાઈ છે અને પ્રમુખ ટ્રમ્પ આ મુદ્દે આંખો મીંચીને બેસી રહી શકે નહીં. પ્રમુખ ટ્રમ્પ અગાઉથી જ લોસ એન્જેલસ અને વોશિંગ્ટન ડીસીમાં પોલીસની કામગીરી માટે નેશનલ ગાર્ડના સૈનિકો તૈનાત કરી ચૂક્યા છે. તેમણે અન્ય અનેક શહેરોમાં પણ સેનાને મોકલવાની જાહેરાત કરી છે. ઈલિનોયના ડેમોક્રેટ ગવર્નર જેબી પ્રિટ્ઝકરે કહ્યું હતું કે, ટ્રમ્પે તેમના વિરોધ છતાં શિકાગોમાં ૩૦૦ નેશનલ ગાર્ડ સૈનિક મોકલવાનો આદેશ આપ્યો છે.


