સ્પેનની મીડિયા કંપનીઓને 50 અબજ રૂપિયા ચૂકવવાનો મેટાને કોર્ટનો આદેશ

- મેટાએ યુઝર્સના પર્સનલ ડેટાનો પોતાના લાભ માટે ફાયદો ઉઠાવ્યો : કોર્ટ
- મેટાએ અયોગ્ય રીતે મોનોપોલી સર્જીને જાહેરાતો મેળવીને ફાયદો લીધો હોવાનો આરોપ સ્પેનના 81 અખબારોએ મૂક્યો હતો
બાર્સેલોના : સ્પેનની ૮૧ મીડિયા કંપનીઓએ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, થ્રેડ્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ધરાવતી કંપની મેટા સામે મોરચો માંડયો હતો. મેટાએ અયોગ્ય રીતે યુઝર્સના ડેટાનો ઉપયોગ કરીને મોનોપોલી સર્જી હતી અને જાહેરાતો બતાવીને ફાયદો મેળવ્યો હતો એવો આરોપ મૂકીને સ્પેનના અખબારોએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
એ કેસના સંદર્ભમાં સ્પેનની કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્વીકાર્યું કે ૨૦૧૮થી ૨૦૨૩ સુધીમાં કંપનીએ સ્પેનમાં મોનોપોલી સર્જીને ગેરલાભ લીધો અને તેનાથી મીડિયા કંપનીઓને નુકસાન થયું. ૨૦૨૩માં મેટાએ તેની પૉલિસી બદલી હતી અને યુરોપિયન સંઘના સૂચન પ્રમાણે ફેરફારો કર્યા હતા. તે પહેલાં સુધી કંપનીએ અયોગ્ય રીતે મોનોપોલી સર્જી હતી. કોર્ટે અખબાર જૂથોની એ દલીલ માન્ય રાખી કે મેટાએ લાખો યુઝર્સના પર્સનલ ડેટાનો દુરુપયોગ કર્યો. આ અંગે કોર્ટે કહ્યું, આટલા મોટા પ્રમાણમાં વ્યક્તિગત ડેટાનો ગેરલાભ ઉઠાવવાનો અર્થ એ થયો કે મેટાએ એવો ફાયદો મેળવ્યો કે જેની સાથે મીડિયા કંપનીઓ મુકાબલો કરી શકે તેમ ન હતી. મેટાના કારણે સ્પેનિશ મીડિયા કંપનીઓને ઓનલાઈન જાહેરાતોમાં નુકસાન થયું છે.
આ કેસમાં સ્પેનની ૮૧ મીડિયા કંપનીઓએ વળતરનો દાવો કર્યો હતો. કેસની સુનાવણી કરતાં કોર્ટે મેટાને ૫૫૪ લાખ ડોલર યાને અંદાજે ૫૦ અબજ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. સ્પેનિશ કોર્ટના ચુકાદા બાદ મેટાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ ચુકાદો એક તરફી છે. એનો કોઈ કાયદાકીય આધાર નથી. કારણ કે મેટાએ ઓનલાઈન જાહેરાતના તમામ નિયમોનું પાલન કર્યું છે. કોર્ટે ઓનલાઈન એડવર્ટાઈઝ ઈન્ડસ્ટ્રી કેવી રીતે કામ કરે છે એ તથ્યની અવગણના કરી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ યુરોપિયન સંઘની કોર્ટ અને યુરોપના ઘણાં દેશોની કોર્ટે મેટાને મોનોપોલી સર્જવાના મુદ્દે દંડ ફટકાર્યા છે.
યુઝર્સના ડેટાના દુરુપયોગ મુદ્દે યુરોપિયન સંઘે પણ મેટાની ઝાટકણી કાઢી હતી.

