વધુ એક આફ્રિકન દેશમાં તખ્તાપલટ! સેનાએ સત્તા પર કર્યો કબજો, બોર્ડર સીલ, રાષ્ટ્રપ્રમુખ ગુમ

West African Country Of Guinea-Bissau : વધુ એક આફ્રિકન દેશમાં તખ્તાપલટ થયું છે. જેમાં પશ્ચિમ આફ્રિકાના નાનો પણ રાજકીય રીતે અસ્થિર દેશ ગિની-બિસાઉમાં બુધવારે (26 નવેમ્બર) અચાનક મોટું સંકટ ઉભુ થયું છે. લશ્કરી અધિકારીઓએ જાહેરાત કરી કે, તેમણે સરકારનો 'સંપૂર્ણ નિયંત્રણ' સ્થાપિત કરી લીધો છે. સેનાએ તાત્કાલિક અસરથી ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરી દીધી અને દેશની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ કરવાનો આદેશ આપ્યો છે.
પશ્ચિમ આફ્રિકાના ગિની-બિસાઉ દેશમાં તખ્તાપલટ
રાષ્ટ્ર પ્રમુખ અને સંસદની ચૂંટણી પછી સમગ્ર મામલો ઉભો થયો છે રાજધાની બિસાઉમાં રાષ્ટ્રપતિ ભવનની પાસે બપોરના સમયે ભારે ગોળીબાર થયો હતો. આ પછી સેનાના જવાનો દ્વારા આ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. ઘણા નાગરિકો ગભરાટમાં શહેર છોડીને પગપાળા અને વાહનોમાં જતા જોવા મળ્યા હતા.
સ્થાનિક મીડિયા અહેવાલ મુજબ, સેનાના જવાનોએ મુખ્ય રસ્તાઓ પર બેરિકેડ ઉભા કર્યા હતા, જેનાથી ટ્રાફિક અવરોધાયો હતો. રાષ્ટ્રપતિ મહેલ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, વર્તમાન રાષ્ટ્રપ્રમુખ ઓમર સિસ્સોકો એમ્બાલો ક્યાં છે તેની હજુ જાણકારી મળી નથી. જેના કારણે રાજકીય અનિશ્ચિતતામાં વધારો થયો છે.
ચૂંટણીમાં પક્ષ-વિપક્ષનો જીવનો દાવો
ગત રવિવારની ચૂંટણી પછી, બંને અગ્રણી ઉમેદવારો એમ્બાલો અને વિપક્ષી નેતા ફર્નાન્ડો ડાયસે પોતપોતાના વિજયનો દાવો કર્યો હતો. જોકે, તેના સત્તાવાર પરિણામો ગુરુવારે આવવાના છે. આ 2019ની ચૂંટણી જેવી જ સ્થિતિ બની છે, જ્યાં વિજેતા માટે મહિનાઓ સુધી વિવાદ ચાલ્યો હતો.
વિશ્લેષકોનું કહેવું છે કે, દેશ પહેલાથી જ સંસ્થાકીય અવિશ્વાસ, સત્તા સંઘર્ષ અને ચૂંટણી પ્રક્રિયા પર વિવાદનો સામનો કરી રહ્યો હતો. મુખ્ય વિપક્ષી પક્ષ PAIGCને સુપ્રીમ કોર્ટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જેને વિપક્ષે 'રાજકીય હેરાફેરી' તરીકે વર્ણવી હતી. ટીકાકારોનો આરોપ છે કે, રાષ્ટ્રપતિનો કાર્યકાળ ફેબ્રુઆરીમાં જ સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ તેમણે શાસન ચાલુ રાખ્યું.
ગિની-બિસાઉમાં અત્યાર સુધીમાં ચાર વખત તખ્તાપલટ
1974માં પોર્ટુગલથી સ્વતંત્રતા મળ્યા પછી, ગિની-બિસાઉમાં ચાર વખત તખ્તાપલટ થયો છે. આશરે બે મિલિયનની વસ્તી ધરાવતો આ દેશ ગરીબી, નબળા શાસન અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરી માટે પણ જાણીતો છે, જેના કારણે અસ્થિરતામાં વધુ જોવા મળે છે. પ્રાદેશિક સંગઠન ECOWAS, આફ્રિકન યુનિયન અથવા સંયુક્ત રાષ્ટ્ર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી. નાગરિકો ભયભીત છે, અને દેશના લોકશાહી ભવિષ્યને લઈને ફરી એકવાર સવાલો ઉભા થયા છે.

