- જાપાનની સંસદમાં ચાલતી ચર્ચા દરમિયાન વડાપ્રધાન ટકૈસીએ કહ્યું સલામતી કાનૂન પ્રમાણે જાપાનનાં સૈન્યે તે સંઘર્ષમાં ભાગ લેવો પડે તેમ છે
ટોક્યો : જાપાનની સંસદમાં તેના વડાપ્રધાને કરેલા એક નિવેદને જાપાન-ચીન વચ્ચે ભારે રાજદ્વારી સંઘર્ષ ઊભો કરી દીધો છે. આટલું જ નહીં પરંતુ બેમાંથી એક પણ દેશ પોતાના વલણમાંથી પાછા ફરવા તૈયાર નથી.
ધડાકો તો ત્યારે થયો કે જ્યારે જાપાનનાં વડાપ્રધાન સુ.શ્રી સાને ટકૈસીને એક પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે, ચીન જો તાઈવાન સામે પગલા લેશે અને તેનાં યુદ્ધ-જહાજો જાપાનને ઘેરી તેની ઉપર સૈનિકો ઉતારવા પ્રયત્ન કરશે કે તેવો કોઈ પ્રયત્ન કરશે, તો જાપાનને તેનું અસ્તિત્વ ટકાવવા માટે પણ ૨૦૧૫ના સલામતી કાનુન પ્રમાણે તેના દળોને તે સંઘર્ષમાં મોકલવા પડશે.
આ સાથે ચીન ધૂંધવાઈ ઊઠયું હતું તેના વિદેશ મંત્રાલયે સુ. શ્રી ટકૈસીની ટીકાને અત્યંત ધૃણાસ્પદ અને ચીનની આંતરિક બાબતમાં હસ્તક્ષેપ કરવા સમાન જણાવ્યું હતું. તેમાંએ ઓસાકા સ્થિત ચીનના ઉપરાજદૂત શ્યુએ જિયાને તે કહ્યું કે, જો ધૃણાસ્પદ મસ્ત માથુ ઉંચકી બહાર આવે તો તે કાપી નાખવું જ પડે.' પહેલા તેઓ તેમના ઠ પોસ્ટ ઉપર આ પ્રમાણે લખ્યું પણ હતું. પરંતુ પછીથી તે પોસ્ટ-ઉપરથી દૂર કરવામાં આવ્યું, તે અલગ વાત છે. પરંતુ તેથી જે નુકસાન થવાનું હતું તે થઈ જ ગયું છે.
જાપાને તે પોસ્ટ સામે સખતનો વિરોધ દર્શાવ્યો હતો. તે સામે ચીને કહ્યું હતું કે, ટકૈસીએ તેના શબ્દો પાછા ખેંચવા જ જોઈએ. પરંતુ ટકૈસીએ તે શબ્દો પાછા ખેંચવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે, તે શબ્દો જાપાનના પરંપરાગત વલણને સ્પષ્ટ કરે છે. આ સામે ચીનના મીડીયાએ ભડકો કર્યો છે. અને કહ્યું છે કે, જો તે તાઈવાનમાં લશ્કરી રીતે હસ્તક્ષેપ કરવા જશે તો સખતનો પરાજય મળશે.
ટૂંકમાં અત્યારે તાઈવાનના મુદ્દે દૂર-પૂર્વની બે સત્તાઓ સામસામે આવી ગઈ છે, તે નિશ્ચિત છે.


