કોરોનાથી દુનિયા પર ભૂખમરાનુ સંકટ વધ્યુ, દર મહિને 10000 બાળકો જીવ ગુમાવી રહ્યા છે
વોશિંગ્ટન, તા.28 જુલાઈ 2020, મંગળવાર
દુનિયાભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના કારણે ઠપ થઈ રહેલી આર્થિક પ્રવૃત્તિઓના કારણે દુનિયા પર ભૂખમરાનુ ગંભીર સંકટ પણ ઉભુ થઈ રહ્યુ છે.
યુએને ચેતવણી આપી છે કે, કોરોના વાયરસના પ્રસારને અટકાવવા માટે મુકાયેલા પ્રતિબંધો વચ્ચે ઘણા સ્થળોએ ભૂખમરાનો લોકો સામનો કરી રહ્યા છે.દર મહિને 10000થી વધારે બાળકો તેના કારણે જીવ ગુમાવી રહ્યા છે.
પ્રતિબંધોના કારણે નાના ખેડૂતો બજાર સુધી પહોંચી રહ્યા નથી.યુએનના મતે વધતા જતા કુપષોણના દુરોગામી પરિણામો ખતરનાક હશે.આ વર્ષના અંત સુધી અન્નની અછતના વધારે ગંભીર પરિણામ જોવા મળશે.લેટિન અમેરિકાથી લઈને દક્ષિણ એશિયા તથા આફ્રિકામાં જ્યાં ગરીબ પરિવારોને પહેલેથી જ પૂરતુ ભોજન નથી મળી રહ્યુ તેમના માટે સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે.
જેમ કે આફ્રિકાના દેશ સુડાનમાં હજી પણ 96 લાખ લોકો એવા છે જેમને દિવસમાં એક જ સમય ભોજન મળે છે.સુડાનમાં લોકડાઉનના કારણે લોકોની આવક બંધ થઈ ગઈ છે અને જરુરિયાતની વસ્તુઓની કિંમત ત્રણ ગણી વધી ગઈ છે.