અમેરિકામાં 30,000 લોકો પર કોરોનાની રસીનું પરીક્ષણ શરૂ
- રસીનો આટલા મોટા સમુહ પર પ્રથમ વાર પ્રયોગ
- નેશનલ હેલ્થ ઈન્સ્ટિટયૂટ અને મોડર્નો કંપનીએ વિકસાવેલી દવાથી રોગપ્રતિકારક શક્તિ વધતી હોવાનો દાવો
વૉશિંગ્ટન, તા. 27 જુલાઇ, 2020, સોમવાર
અમેરિકામાં 30,000 લોકો પર કોરોનાની રસીનું પરીક્ષણ શરૂ થયું છે. આટલા મોટા સમુહ પર પરીક્ષણ થતું હોય એવું પ્રથમ વખત બનશે.અમેરિકન નેશનલ હેલૃથ ઈન્સ્ટિટયૂટ અને મોર્ડનો કંપનીએ બનાવેલી રસી રોગપ્રતિકારક શક્તિ વધારશે એવો દાવો થયો છે. આ સૌથી મોટા હ્મુમન ટ્રાયલ પછી તેને માન્યતા આપવા અંગે વિચારણા થશે.
નેશનલ હેલૃથ ઈન્સ્ટિટયૂટ અને મોર્ડનો કંપનીએ વિકસાવેલી દવા 30,000 લોકોને આપવાની તૈયારી ચાલી રહી છે. આટલા મોટા સમુહને એક સાથે કોરોનાની રસી અપાતી હોય એવો આ પ્રથમ પ્રયોગ છે. વિજ્ઞાાનિકોના કહેવા પ્રમાણે પસંદ થયેલા વોલેન્ટીઅર્સને બે ડોઝ અપાશે, તે પછી તેમના શરીરમાં થઈ રહેલાં ફેરફારનું નિરીક્ષણ કરાશે.
અગાઉ બીજા તબક્કાના ટ્રાયલમાં 45 દર્દીઓ પર આ વેક્સિનનું પરીક્ષણ થયું હતું, જેમાં અસરકારક પરિણામ મળ્યું હોવાનું કહેવાયું હતું. એમાંથી ઘણાં ખરા દર્દીના શરીરમાં વાયરસનો ફેલાવો થઈ ચૂક્યો હતો. રસી આપ્યા પછી તેમના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધી હતી. જોકે, આડઅસરમાં તાવ આવ્યાનું પણ નોંધાયું હતું. વિજ્ઞાાનિકોના મતે સાઈડ ઈફેક્ટના કિસ્સા મામૂલી નોંધાયા હતા.
અત્યારે કોરોનાની રસી શોધવા માટેના જે સૌથી નજીકના પ્રયોગો થઈ રહ્યાં છે તેમાં ચીન અને બ્રિટન મહત્વના દાવેદારો છે. અમેરિકન કંપનીઓ પણ એ રેસમાં ઘણી આગળ હોવાનો દાવો થઈ રહ્યો હતો. જો આ પ્રયોગ સફળ થશે તો અમેરિકા પણ રસીની શોધમાં મજબૂત દાવેદાર બનીને ઉભરશે.
અત્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સિન સૌથી અસરકારક છે એવો દાવો થતો હતો. એ વેક્સિનથી કોરોના સામેની લડાઈમાં ઉજળી આશા જાગી હતી. અમેરિકન વિજ્ઞાાનિકોએ કહ્યું હતું કે અત્યારે સરકારે નક્કી કર્યું છે કે શક્ય હોય ત્યાં સુધી અમેરિકન દર્દીઓનો ઈલાજ અમેરિકામાં શોધાયેલી દવાથી જ થાય તેવું વાતાવરણ સર્જવું છે. તેના ભાગરૂપે આ પ્રયોગ પર અમેરિકાને મોટી આશા છે.
અગાઉ ટ્રમ્પે પણ ચીન તરફ ઈશારો કરીને કહ્યું હતું કે અમેરિકન દર્દીઓને સ્વદેશની સારવાર મળે તે દિશામાં કાર્ય થઈ રહ્યું છે. બીજા દેશની રસી અંગે અમેરિકા વિચારીને જ પગલાં ભરશે. અમેરિકન વિજ્ઞાાનિકોએ આશા વ્યક્ત કરી છે કે વર્ષના અંત સુધીમાં કોરોનાનો ઈલાજ અમેરિકન વિજ્ઞાાનીઓ મેળવી લેશે.