કોરોના રિટર્ન, હોંગકોંગ, સિંગાપુરથી હવે થાઇલેન્ડ સુધી ધમાકેદાર એન્ટ્રી
સિંગાપુરમાં એક સપ્તાહમાં કોરોના સંક્રમણ વધીને ૧૪૨૦૦ થયું
થાઇલેન્ડમાં ૧ વર્ષમાં ૭૧૦૬૭ કેસ અને ૧૯ લોકોના મુત્યુ
સિંગાપુર,૧૯ મે,૨૦૨૫,સોમવાર
કોરોના મહામારી પછી ગાયબ થઇ ગયેલી કોવિડ-૧૯ બીમારીએ વિશ્વમાં ફરી દેખા દીધી છે. હોંગકોંગમાં છેલ્લા ૧૦ સપ્તાહમાં ૩૦ ગણો વધારો થઇ રહયો છે. હોંગકોંગ ઉપરાંત સિંગાપુરમાં પણ ૩૦ ટકા જેટલા કેસ વધ્યા છે. ચીન અને થાઇલેન્ડમાં પણ કોવિડનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હોંગકોંગમાં ૧૦ મે ૨૦૨૫ સુધીમાં કોરોનાના ૧૦૪૨ કેસ નોંધાયા હતા. માર્ચની શરુઆતમાં માત્ર ૩૩ કેસ હતા જેમાં સતત વધારો થઇ રહયો છે. સૌથી મોટી ચિંતા એ છે કે પોઝિટિવિટી રેટમાં ઉછાળો આવ્યો છે. માર્ચ મહિનામાં પોઝિટિવિટી રેટ માત્ર ૦.૩૧ ટકા હતો જે ૫ એપ્રિલ સુધીમાં વધીને ૫.૦૯ થઇ ગયો હતો. ૧૦ મે સુધીમાં આ દર ૧૩.૬૬ ટકા સુધી પહોંચી ગયો છે.
હોંગકોંગ સરકારે લોકોને સાફ સુથરા રહેવાની તથા આસપાસ સ્વચ્છતાં રાખવા પર ભાર મુકયો છે. કોવિડથી બચવા સોશિયલ ડિસ્ટન્સનું જાતે જ પાલન કરવા જણાવ્યું છે. કોરોના સંક્રમણથી ચિંતિત બનેલી હોંગકોંગ સરકારે ખાસ કરીને પહેલા કોઇ બીમારી હોય કે ઇમ્યુનિટી કમજોર હોયતો આવા હાઇ રિસ્ક લોકોને છેલ્લા ડોઝ કે સંક્રમણથી કમસેકમ ૬ મહિના પછી એક અને કોવિડ વેકિસન ડોઝ જરુર લેવો જોઇએ.આ પહેલા ગમે તેટલા ડોઝ લીધા હોયતો પણ નવેસરથી ડોઝ લેવો જોઇએ.
સિંગાપુરની વાત કરીએ તો કોરોના સંક્રમણના કેસ ૨૭ એપ્રિલ સુધીમાં ૧૧૧૦૦ હતા જે ૩ મે સુધીમાં વધીને ૧૪૨૦૦ થયા છે એટલે કે એક જ સપ્તાહમાં ૩૦ ટકા જેટલો ઉછાળ આવ્યો છે. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની સંખ્યા ૧૦૨થી વધીને ૧૩૩ થઇ છે. સિંગાપુર સરકારનું માનવું છે કે લોકોમાં ઓછી ઇમ્યુનિટી અને સિંગાપુરમાં કોવિડ વેરિએન્ટ સૌથી વધુ ફેલાવવાથી આ પરિસ્થિતિ ઉભી થઇ છે.
આ વેરિએન્ટ એલ એફ.૭ અને એનબી૧.૮ છે આ બંને જેએન .૧ વેરિએન્ટની આગળની પેઢી છે. ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે જેએન.૧ વેરિએન્ટનો જ વર્તમાનમાં કોવિડ વેકિસન તૈયાર કરવામાં ઉપયોગ શરુ થયો હતો. થાઇલેન્ડમાં વેકેશન પછી કોરોના સંક્રમણ કેસોમાં ઝડપથી વધારો થઇ રહયો છે. આ વર્ષે કુલ ૭૧૦૬૭ કેસ નોંધાયા છે જેમાંથી ૧૯ લોકોના મોત થયા છે.