અમેરિકામાં કોરોનાના કેસોમાં દર કલાકે 2600નો વધારો : કુલ 40 લાખ કેસ
- બહેરિન-કતારમાં સૌથી વધારે ભારતીય કામદારોને કોરોના
- આરબ દેશોમાં ઇકોનોમી સંકોચાવાને કારણે 1.43 કરોડ લોકો ગરીબીમાં ધકેલાઈ જશે
વોશિંગ્ટન, તા. 23 જુલાઇ, 2020, ગુરૂવાર
અમેરિકામાં દર કલાકે કોરોનાના 2600 નવા કેસો નોંધાવાને પગલે કુલ કેસોની સંખ્યા ચાર મિલિયનના આંકડે પહોંચી રહી છે. અમેરિકામાં કોરોનાનો પહેલો કેસ 21 જાન્યુઆરીએ નોંધાયો તે પછી કોરોનાના કેસની સંખ્યાને એક મિલિયને પહોંચતા 98 દિવસ લાગ્યા હતા. બે મિલિયન કેસોની સંખ્યા થતાં 43 દિવસ લાગ્યા હતા.
જ્યારે ત્રણ મિલિયનનો આંકડો માત્ર 27 દિવસમાં આંબી લેવામાં આવ્યો હતો. પરંતુ દર મિનિટે 43 નવા કેસો નોંધાવાની સરેરાશ સાથે કોરોનાના કેસોની સંખ્યાને ત્રણથી ચાર મિલિયને પહોંચવામાં માત્ર 16 દિવસ જ લાગ્યા છે.
જે 20 દેશોમાં આ મહામારી મોટાપાયે ફેલાઇ છે તેમાં અમેરિકા માથાદીઠ કેસોની સંખ્યામાં ચીલીને બાદ કરતાં દસ હજારે 120 ચેપના કેસ સાથે બીજા ક્રમે છે. 1,43,000 જણાના મોત સાથે અમેરિકા દુનિયામાં દર 10000 લોકોએ 4.4ના મૃત્યુ દર સાથે છઠ્ઠા ક્રમે છે.
દુનિયામાં નવા ચેપ પ્રસરવાનો દર ધીમો પડવાના કોઇ સંકેતો નથી. અમેરિકા અને સાઉથ આફ્રિકામાં કોરોનાનો ચેપ સૌથી વધારે ઝડપે પ્રસરી રહ્યો છે. બ્રાઝિલમાં 2.2 મિલિયન લોકોને કોરોનાનો ચેપ લાગેલો છે અને તેને કારણે 83,000 મોત થયા છે. ભારતમાં દસ લાખ કરતાં વધારે લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે અને દરરોજ સરેરાશ 40,000 નવા કેસો નોંધાય છે.
દરમ્યાન મધ્યપૂર્વના બે દેશો બહેરિન અને કતારમાં વિશ્વમાં માથાદીઠ સૌથી વધારે કોરોનાનો ચેપ ફેલાયેલો છે. કતારની 2.8 મિલિયનની વસ્તીમાં કોરોનાના 1,07,000 કેસો અને 163 જણાના મોત નોંધાયા છે.
જ્યારે બહેરિનમાં 1.6 મિલિયનની વસ્તીમાં કોરોનાના 37,000 કેસો અને 130 મોત નોંધાયા છે. બીજી તરફ આરબ દેશોમાં કોરોના મહામારીને કારણે આ વર્ષે ઇકોનોમી 5.7 ટકા સંકોચાવાને કારણે લાખો લોકો ગરીબીની ગર્તામાં ધકેલાઇ જશે તેમ યુએન રિપોર્ટમાં જણાવાયું હતું.
યુએનના ઇકોનોમિક અને સોશ્યલ કમિશન ફોર વેસ્ટર્ન એશિયાએ જણાવ્યું હતું કે આરબ ઇકોનોમીઓ 13 ટકા જેટલી સંકોચાવાને કારણે આ વિસ્તારમાં કુલ 152 બિલિયન ડોલરનું નુકશાન થશે. 14.3 મિલિયન લોકો ગરીબીની ગર્તામાં ધકેલાઇ જશે. જેને કારણે ગરીબોની કુલ સંખ્યા 115 મિલિયન થશે. જે આરબોની ચોથાભાગની વસ્તી છે.