World

પુતિનને સમજાવો નહીં તો તમારી ઉપર પ્રતિબંધો લદાશે : નાટો ચીફની ભારત, ચીન, બ્રાઝિલને ખુલ્લી ધમકી

By GS TEAM
16 Jul 20252 mins read
પુતિનને સમજાવો નહીં તો તમારી ઉપર પ્રતિબંધો લદાશે : નાટો ચીફની ભારત, ચીન, બ્રાઝિલને ખુલ્લી ધમકી

- તમે પુતિનને ફોન કરી કહો કે યુદ્ધ 50 દિવસમાં બંધ કરે નહીં તો તમારી ઉપર 100 ટકા ટેરિફ લદાશે : માર્ક રૂટ્ટે

વોશિંગ્ટન : નાટોના મહામંત્રી માર્ક રૂટ્ટેએ બુધવારે સીધી જ ધમકી ઉચ્ચારી હતી કે બ્રાઝિલ, ચીન, અને ભારત જો રશિયા સાથે વ્યાપાર ચાલુ રાખશે તો તેમની ઉપર ભારે ટેરિફ લાદવામાં આવશે.

ટ્રમ્પે યુક્રેનને વધુ શસ્ત્રો આપવાની જાહેરાત કર્યા પછીના દિવસે માર્ક રૂટ્ટેએ બ્રાઝિલ, ચાયના અને ભારતને આ ધમકી આપી હતી. તેમણે કહ્યું કે મહેરબાની કરીને પુતિનને કહો કે ૫૦ દિવસમાં યુદ્ધ બંધ કરે નહીં તો તમારી ઉપર ૧૦૦ ટકા જેટલો 'આયાત-કર' લાદવામાં આવશે.

બીજી તરફ રીપબ્લિકન સેનેટર ટોમ-ટિમિએ ટ્રમ્પના આ પગલાની પ્રસંશા કરવા સાથે કહ્યું હતું કે ૫૦ દિવસનો સમય તેમને ચિંતા ઉપજાવે છે. તે ૫૦ દિવસમાં તો પુતિન યુદ્ધમાં વિજય મેળવવા માટે પૂરેપૂરો ઉપયોગ કરશે અને યુક્રેનમાં વધુને વધુ ભૂમિ પ્રાપ્ત કરી મંત્રણા સમયે તેનો હાથ ઉપર રહે તે જોશે. સાથે સ્પષ્ટતા કરી હતી કે ૫૦ દિવસના સમયની બહુ ચિંતા કરવાની પણ જરૂર નથી. યુરોપ યુક્રેનને વધુને વધુ નાણાં આપી તેને વધુને વધુ શસ્ત્રસજ્જ કરશે. જેથી શાંતિ મંત્રણામાં પણ યુક્રેનનો હાથ ઉપર રહે.

આ તબક્કે રૂટ્ટેને પૂછવામાં આવ્યું કે, 'તેનો અર્થ તે પણ થઈ શકે કે લોંગરેજ મિસાઈલ દ્વારા યુક્રેનને વધુ બળવાન બનાવવાની તે યોજના છે ?' ત્યારે રૂટ્ટેએ કહ્યું હતું કે તે એવા મિસાઇલ હશે કે જે લાંબા અંતર સુધી પહોંચી શકે અને રક્ષણ તથા આક્રમણ તેમ બંનેમાં ઉપયોગી થઈ શકે તેવા હશે. આમ આ તબક્કે તો યુક્રેન અંગે પરિસ્થિતિ ઘણી જ ગરમાઈ છે તેમ વિશ્લેષકો માને છે.