Image: X (@WhiteHouse) |
Donald Trump: વૈશ્વિક રાજકારણમાં ડિસેમ્બરની શરુઆત ખૂબ જ રસપ્રદ છે. રશિયાના પ્રમુખ પુતિન ચાર વર્ષ બાદ ભારત યાત્રાએ છે. વળી, ફ્રાન્સના પ્રમુખ મેક્રો હાલ ચીનની યાત્રાએ છે. આ દરમિયાન ખુદને સમજૂતી અને શાંતિના દૂત કહેનારા ડોનાલ્ડ ટ્રમ્પે બે અન્ય દેશ (કાંગો અને રવાન્ડા) વચ્ચે શાંતિ કરાર કરાવી દીધો છે. અમેરિકન પ્રમુખે બંને દેશો વચ્ચે શાંતિ કરાર અને રેર અર્થ મિનરલ ડીલ પર હસ્તાક્ષર કર્યા. તેમણે આ કરારને વોશિંગ્ટન અકૉર્ડ નામ આપ્યું. જોકે, આ કરાર બાદ 30 વર્ષથી ચાલી રહેલો સંઘર્ષ ખતમ થઈ જશે તે વિશે શંકા છે.
ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન
બંને દેશોના પ્રમુખો સાથે હાજર અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કરાર પર હસ્તાક્ષર બાદ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, 'બંને દેશોએ ઘણો લાંબો સમય એકબીજાને મારવામાં વીતાવ્યો છે. હવે આવું નહીં થાય... હવે લાંબો સમય ગળે મળવા, હાથ મેળવવા અને અમેરિકાની આર્થિક મદદ કરીને તમામનો ફાયદો કરાવવામાં વિતાવશે, જેમ દરેક દેશ કરે છે.'
નોંધનીય છે કે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને તેમની ટીમે આ કરારને વોશિંગ્ટન અકૉર્ડ્સ નામ આપ્યું છે. આ કરાર પર હસ્તાક્ષર અગાઉ યુએસ ઇન્સ્ટિટ્યુટ ઑફ પીસ તરીકે ઓળખાતા સ્થળે થયા હતા. જોકે, એક દિવસ પહેલા જ ટ્રમ્પ વહીવટીતંત્રે તેનું નામ બદલીને ટ્રમ્પના નામ પર રાખ્યું હતું.
કાંગો સાથે અમેરિકાનો કરાર
જણાવી દઈએ કે, શાંતિ કરારની સાથે જ અમેરિકા અને કાંગોએ રેર અર્થ મિનરલ્સને લઈને પણ કરાર કર્યો. જે હેઠળ મહત્ત્વપૂર્ણ ખનીજ, સોનું અને રેર અર્થ મેટલ્સનું વ્યૂહાત્મક સંગ્રહ કરવામાં આવશે. કાંગોના પ્રમુખ તરફથી વચન આપવામાં આવ્યું કે, આ સંસાધનોના વિકાસ માટે અમેરિકન કંપનીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. એટલું જ નહીં કોબાલ્ટ જેવા મહત્ત્વપૂર્ણ ખનીજને લઈને પણ બંને દેશો વચ્ચે ભાગીદારી થઈ.
શું હતી સમગ્ર ઘટના?
દક્ષિણ આફ્રિકન દેશ કાંગોમાં સતત ગૃહયુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. તેમાંથી એક વિદ્રોહી જૂથ M23ને રવાન્ડાનું સમર્થન મળેલું છે. એવામાં અમેરિકાએ હસ્તક્ષેપ કરીને સંગઠનને રોક્યું અને પ્રમુખ ફેલિક્સ ત્શિસેકેદીની સરકારને પડતા બચાવી લીધી. જોકે, આ ઘટનાથી જમીની સ્થિતિમાં કોઈ બદલાવ નથી આવ્યો. વિદ્રોહી જૂથ સતત શહેરો પર કબ્જો કરી રહ્યું છે. ટ્રમ્પ સતત એવો દાવો કરે છે કે, તેમણે કાંગો અને રવાન્ડા વચ્ચે પણ શાંતિ કરાર કરાવ્યો છે. જોકે, તેમની આ વાત પર વિશ્લેષકોનું વલણ અલગ છે. વિશ્લેષકો અનુસાર, ટ્રમ્પ દ્વારા જે શાંતિ કરાર કરાવવામાં આવ્યો છે, તે હકીકતમાં જમીની સ્તર પર નહીં ઉતરી શકે.


