- કેનેડા ભારત પ્રત્યે ઇર્ષ્યાથી બળી રહ્યું છે ?
- ભારત વિરોધમાં કેનેડા વારંવાર, પશ્ચિમી દેશોનું સમર્થન માગે છે : હવે તેને ડર છે કે તેમની લાલચમાં યુએસ અલગતાવાદને ટેકો આપી આલ્બર્ટા હાથમાં ન લે.
નવી દિલ્હી : કેનેડા-અમેરિકા તંગદિલી વચ્ચે તેમ કહી જ શકાય કે, નિયતિનું ચક્ર ફરી ત્યાંનું ત્યાં જ આવી ઊભું છે. તે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને લોકતાંત્રિક અધિકારોની આડમાં ભારતના અલગતાવાદી તત્વો (ખાલિસ્તાનીઓ)ને આશ્રય આપતું રહ્યું હતું. તે તર્ક જ આજે તેની સામે પડયો છે અને તેનું સૌથી મહત્વનું રાજ્ય આલ્બર્ટા હવે તેનાથી છુટુ પડવા માગે છે, તેટલું જ નહીં પરંતુ તે તેલ અને દુર્લભ ખનિજ સમૃધ્ધ રાજ્ય ઉપર યુએસ ટાંપીને બેઠુ છે.
ભારત વારંવાર કહેતું આવ્યું છે કે, અલગતાવાદને પુષ્ટિ આપવી તે બેધારી તલવાર છે. વાસ્તવમાં આલ્બર્ટામાં આલ્બર્ટાને કેનેડાથી છુટું પાડી સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાનું એક આંદોલન શરૂ થયું છે. તેનું નેતૃત્વ આલ્બર્ટા પ્રોસ્પેરિટી પ્રોજેક્ટ (એપીપી) નામક એક જૂથે લીધું છે.
હવે તે બળતામાં ટ્રમ્પ સરકાર ઘી હોમી રહી છે.
સૌથી વધુ આંચકાજનક બાબત તો તે છે કે, આ ઓપીપીના નેતાઓએ અમેરિકી અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરી છે. એપીપી નેતાઓએ અમેરિકાના વિદેશ વિભાગના અધિકારીઓ સાથે ઓછામાં ઓછી ત્રણ બેઠકો કરી છે. ફેબુ્ર. ૨૦૨૬માં એક મહત્વપૂર્ણ બેઠક થવાની છે. તેમાં અમેરિકાનો વિત્ત વિભાગ પણ સામેલ થવાનો છે તેમ પણ જાણવા મળ્યું છે.
આ આલ્બર્ટા પ્રોસ્પેરિટી પ્રોજેક્ટે અમેરિકા પાસેથી ૫૦૦ બિલિયન ડોલરનું ઋણ માગ્યું છે. જેથી તે આઝાદીના પહેલા જ વર્ષથી તેનું અર્થતંત્ર બરોબર પાટે ચઢાવી શકે.
આલ્બર્ટાનું મહત્વ તે છે કે કેનેડાના કુલ પ્રમાણિત તેલ ભંડારના ૯૦ ટકા આલ્બર્ટામાં છે અને વર્તમાન ઉત્પાદનનો ૮૦ ટકા હિસ્સો ત્યાંથી આવે છે.
અલગ આલ્બર્ટાવાદીઓ કહે છે કે, અમે સમવાઇ તંત્રી સરકારની ઊર્જા નીતિઓ અને ભારે ટેક્ષથી પરેશાન છીએ. તેઓ બ્રિટિશ કોલંબિયા અને ઑટાવાની મંજૂરી વિના જ અમેરિકાની મદદથી, નવી તેલ અને ગેસ પાઇપલાઇન પાથરવા માગે છે.
આ માહિતી મળતાં જ કેનેડામાં ગુસ્સો વ્યાપી રહ્યો છે. વડાપ્રધાન માર્ક કાર્નીએ ટ્રમ્પ તંત્રને જણાવી દીધું છે કે, તે કેનેડાના સાર્વભૌમત્વનું સન્માન કરે. કાર્નીએ વધુમાં કહ્યું કે, પ્રમુખ ટ્રમ્પ સાથે જ્યારે જ્યારે વાતચીત થાય છે, ત્યારે ત્યારે હું કેનેડાના સાર્વભૌમત્વની વાત કહેતો આવ્યો છું.
બ્રિટિશ કોલંબિયાના મુખ્ય મંત્રી ડેવિડ ઇબીએ એપીપીના નેતાઓ ઉપર રાજ્યદ્રોહનો કેસ કરવાની ધમકી પણ આપી છે. ઓન્તોરીયોના મુખ્ય મંત્રી ડગ-ફોર્ડે તેને અનૈતિક કહ્યું છે. અને આલ્બર્ટાના વર્તમાન પ્રીમીયર ડેનિયલ સ્મિથને તે આંદોલનની ઉગ્ર ટીકા કરવાનું કહ્યું છે.
પ્રશ્ન તે છે કે ખાલિસ્તાની આંદોલનને કેનેડા શા માટે ટેકો આપતું હતું અને અત્યારે પણ તે પ્રત્યે આંખ આડા કાન કરે છે ? તો જવાબ છે કે, કેનેડા ભારતની પ્રગતિથી બળી રહ્યું છે. 'ચોગમ' પરિષદના અંતે ફોટો સમયે, યુકેના રાજા કે રાણીની જમણી બાજુ સૌથી પહેલા કેનેડાના વડાપ્રધાન હોય છે. તે પછી ભારતના વડાપ્રધાનનું સ્થાન હોય છે. હવે તે ભારત કેનેડા કરતાં લશ્કરી અને આર્થિક દ્રષ્ટિએ તો ઘણું આગળ છે, પરંતુ રાજકીય દ્રષ્ટિએ પણ ભારત વિશ્વ ફલક ઉપર કેનેડાથી ઘણું ઘણું આગળ છે. તેથી તે ભારતથી બળી મરે છે. માટે ભારતના અલગતાવાદી આંદોલનને પુષ્ટિ આપતું હશે અથવા તે પ્રત્યે આંખ આડા કાન કરતું હશે, તેમ કેટલાએ નિરીક્ષકોનું મંતવ્ય છે.


