World

હમાસ-ઇઝરાયેલ યુદ્ધ પર પૂર્ણવિરામ : મધ્ય પૂર્વમાં શાંતિ

By GS TEAM
14 Oct 20255 mins read
હમાસ-ઇઝરાયેલ યુદ્ધ પર પૂર્ણવિરામ : મધ્ય પૂર્વમાં શાંતિ

- પેલેસ્ટાઇનને માન્ય આપો : જેરુસલેમનો ઇઝરાયેલના પાટનગર તરીકે સ્વીકૃતિ

- ટ્રમ્પે ઇઝરાયેલની સંસદને સંબોધન કર્યું, માત્ર બે સાંસદોનો વિરોધ : ઇઝરાયેલે ટ્રમ્પનો આભાર માન્યો, ઇઝરાયેલ-પેલેસ્ટાઇનના બંધકોને છોડી મૂક્યા

તેલ અવિવ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝામાં શાંતિ યોજનાનો આખરે સોમવારથી અમલ શરૂ થઈ ગયો છે. ગાઝાએ આ પીસ પ્લાન મુજબ બે વર્ષ પછી ઈઝરાયેલના બાકીના બધા જ જીવીત ૨૦ બંધકોને છોડી મૂક્યા હતા. તેની સામે ઈઝરાયેલે પણ પેલેસ્ટાઈનનના અંદાજે ૧૯૦૦ જેટલા કેદીઓને છોડવાનું શરૂ કર્યું છે. ઈઝરાયેલમાં બંધકોને છોડવાની પ્રક્રિયાનું જીવંત પ્રસારણ કરાયું હતું. આ ઘટનાથી સમગ્ર દેશમાં ભાવનાત્મક વાતાવરણ સર્જાયું હતું. એ જ રીતે પેલેસ્ટાઈનમાં પણ ઈઝરાયેલની કેદમાંથી છૂટેલા નાગરિકો તેમના ઘરે પહોંચતા પેલેસ્ટાઈનમાં પણ પરિવારજનો ભાવુક બની ગયા હતા. આ શાંતિ યોજનાના અમલ માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશેષરૂપે મધ્ય-પૂર્વમાં હાજર રહ્યા હતા. ટ્રમ્પ સોમવારે ઈઝરાયેલની સંસદ પહોંચ્યા હતા, જ્યાં તેમણે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને ઈઝરાયેલના નાગરિકોને પેલેસ્ટાઈનને અગલ દેશ તરીકે માન્યતા આપવા હાકલ કરી હતી.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઇઝરાયેલની સંસદમાં જણાવ્યું છે કે ઇઝરાયેલ પેલેસ્ટાઇનને માન્યતા આપે અને શાંતિના માર્ગ પર આગળ ધપે. હાલમાં આ સંધિ દ્વારા શાંતિ સ્થાપવાની જે તક મળી છે તે જાળવી રાખે તથા ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બંને શાંતિ તથા સમૃદ્ધિના માર્ગ પર આગળ વધે. ટ્રમ્પે તેની સાથે જણાવ્યું હતું કે ગાઝામાં યુદ્ધનો અંત આવતા મધ્યપૂર્વમાં શાંતિનો નવો યુગ શરૂ થયો છે. 

ટ્રમ્પે જણાવ્યું હતું કે આખા વિસ્તારે ગાઝાની શાંતિ યોજનાને વધાવી છે. ઇઝરાયેલ વિજેતા થયું છે. તેણે આતંકવાદને ખતમ કર્યો છે. હવે તેની પાસે શાંતિના સ્વરૂપમાં અદભુત તક છે. ગાઝાને ડીમિલિટરાઇઝ્ડ કરવામાં આવશે, હમાસને શસ્ત્રવિહીન કરવામાં આવશે. આમ ઇઝરાયેલની સુરક્ષાને કોઈ ભય નહીં હોય.

ટ્રમ્પે જણાવ્યું હતું કે ગાઝામાં શાંતિ સ્થાપવી અત્યંત કઠિન કાર્ય હતુ, એક સમયે તદ્દન અશક્ય લાગતું કામ હતુ. હવે આ કામ ખતમ થયું છે. ઇઝરાયેલ અને હમાસ બંને શાંતિ માટે તૈયાર થયા છે. આ શાંતિ કાયમ રહે તે માટે બધા જ પક્ષકારોની સાથે હું સતત પ્રયત્નશીલ રહીશ. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇઝરાયેલની સાથે પેલેસ્ટાઇનના દુસ્વપ્નનો પણ અંત આવ્યો છે.

ટ્રમ્પે ઇઝરાયેલના પ્રમુખ બેન્જામીન નેતન્યાહુના પણ વખાણ કર્યા હતા. તેમને જબરદસ્ત હિંમતવાળા, દ્રઢનિશ્ચયી અને દેશભક્ત ગણાવ્યા હતા. તેમની હિંમત અને દ્રઢનિશ્ચયના પગલે ઇઝરાયેલ આજે ગૌરવપૂર્વક ઊભું છે. આ ઉપરાંત આ યુદ્ધમાં માર્યા ગયેલા ઇઝરાયેલના બે હજારથી વધારે સૈનિકોને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના બલિદાનના કારણે આજે ઇઝરાયેલનું સાર્વભૌમત્વ જળવાયેલું છે તેમ જણાવ્યું હતું. ટ્રમ્પના ભાષણ વખતે ઇઝરાયેલની સંસદમાં બે સભ્યોએ તેમનો વિરોધ કર્યો હતો.  ટ્રમ્પે જણાવ્યું હતું કે આ સાથે છેલ્લા આઠ મહિનામાં અમે આઠ યુદ્ધો અટકાવ્યા છે. ઇઝરાયેલના પ્રમુખ નેતન્યાહુએ પણ ટ્રમ્પના મોંફાટ વખાણ કર્યા હતા. તેમને ઇઝરાયેલના સૌથી મિત્ર અને દરેક પ્રકારની મદદ કરનારા ગણાવ્યા હતા. તેની સાથે જેરુસલમને ઇઝરાયેલનું પાટનગર માનવા બદલ અને ગોલન હાઇટ્સને ઇઝરાયેલનો હિસ્સો માનવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. 

હમાસે શાંતિ કરારના પ્રથમ તબક્કાનો અમલ કરતાં ઇઝરાયેલના ૨૦ જીવિત બંધકોને છોડયા છે. જ્યારે ઇઝરાયેલ હવે તેની સામે બે હજાર પેલેસ્ટાઇનીઓને છોડવાનું છે. હમાસના ઇઝરાયેલ પર ૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ પછીના હુમલા બાદ ઇઝરાયેલની વળતી કાર્યવાહીમાં ૬૮ હજારથી વધારે પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા છે. સોમવારે પણ ગાઝામાં કાટમાળમાંથી ૬૦ જેટલા પેલેસ્ટાઇનીઓના મૃતદેહો મળી આવ્યા હતા. હજી પણ આગામી કટેલાય દિવસો સુધી કાટમાંળમાંથી પેલેસ્ટાઇનીઓના મૃતદેહો મળતા રહે તો આશ્ચર્ય નહીં થાય. ઘણા નિષ્ણાતો પેલેસ્ટાઇનીઓના મૃત્યુનો બિનસત્તાવાર આંકડો એક લાખને વટાવી ગયો હોવાનું પણ માને છે. આ મૃત્યુઆંક તો મળેલા મૃતદેહોનો છે. કેટલાય મૃતદેહો હજી કાટમાળમાં દફન હશે તેમ મનાય છે. ગાઝામાં યુદ્ધનો અંત આવતા પેલેસ્ટાઇનીઓએ ગાઝાની દક્ષિણેથી તેમના રહેઠાણના મૂળ સ્થાનોએ પરત ફરવાનું શરૂ કરી દીધું છે.

ટ્રમ્પની જોડે બેસીને ઇઝરાયેલી પીએમની લલકાર

ઇઝરાયેલ શું છે તેની દુશ્મનોને ખબર પડી ગઈ હશે : નેતન્યાહુ

નેતન્યાહુએ ટ્રમ્પને ઇઝરાયેલનો સર્વોચ્ચ શાંતિ પુરસ્કાર અને સંસદે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું 

તેલઅવીવ : હમાસના કબ્જામાંથી ૨૦ યહૂદી બંધકોને છોડવામાં આવ્યા પછી ઇઝરાયેલના સંસદમાં નેતન્યાહુએ આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે ઇઝરાયેલ શું છે તેની તેના દુશ્મનોને ખબર પડી ગઈ હશે. ઇઝરાયેલ તેના પર હુમલો કરનારાના શું હાલ કરે છે તે તેના દુશ્મનોએ જોઈ પઈ લીધું છે. 

તેમણે જણાવ્યું હતું કે ઇઝરાયેલે આ યુદ્ધની ભારે કિંમત ચૂકવી છે, પરંતુ અમારા દુશ્મનોને પણ ખબર પડી ગઈ છે કે ઇઝરાયેલ શું છે. અમે ઇરાદાના કેટલા પાકા છીએ. અમારી સાથે દુશ્મની વહોરી લેનારની અમે શું સ્થિતિ કરીએ છીએ તેની ખબર પડી ગઈ છે. ઇઝરાયેલ પર સાતમી ઓક્ટોબરે હુમલો કરનારને ખબર પડી ગઈ છે કે તેમણે કેટલી મોટી ભૂલ કરી હતી. 

તેમને સમજમાં આવી ગયું છે કે ઇઝરાયેલ અહીં જ ઊભું છે અને અહીં ઊભું રહેશે. અમે તેની ભારે કિંમત ચૂકવી છે. અમારા હીરોએ અમારા માટે બલિદાન આપ્યું છે. તેમની પત્ની અને તેમના માબાપની પીડા હું સમજી શકું છું, આ પીડા કાયમ તેમની સાથે રહેશે. આજે ઇઝરાયેલની શાંતિ તેમને આભારી છે. 

ટ્રમ્પ ઇઝરાયેલની સંસદ નેસેટમાં પહોંચ્યા ત્યારે તેમનું તાળી વગાડી સ્વાગત કરવામાં આવ્યું. ઇઝરાયેલની સંસદે ટ્રમ્પને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. નેતન્યાહુએ ટ્રમ્પને ઇઝરાયેલનો સર્વોચ્ચ પુરસ્કાર આપ્યો હતો. નેતન્યાહુએ જણાવ્યું હતું કે અમે સાત ઓક્ટોબરને કયારેય નહીં ભૂલીએ.

પીએમ મોદીએ ઇઝરાયેલી બંધકોને છોડવાનું કર્યુ સ્વાગત

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલના ૨૦ બંધકોને છોડવાના નિર્ણયનું સ્વાગત કર્યુ છે.તેમણે અમેરિકન પ્રમુખ ટ્રમ્પના શાંતિ માટેના પ્રયત્નોને પ્રામાણિક ગણાવતા તેમને સંપૂર્ણ સમર્થન આપવાની વાત કહી છે. તેમણે જણાવ્યું હતું કે બંધકોને મુક્ત કરવામાં આવ્યા તે ટ્રમ્પના અથાક શાંતિ પ્રયત્નો અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુના સંકલ્પન પ્રતીક છે. ગાઝામાં શાંતિ પ્રસ્તાવ પર સંમતિ બની અને બંધકોને છોડવામાં આવ્યા તેના પછી પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે અમે બે વર્ષ કરતાં પણ વધુ સમયથી બંધક બનાવાયેલા બંધકોની મુક્તિનું સ્વાગત કરીએ છીએ. તેમની આઝાદી તેમના કુટુંબોના સાહસ, પ્રમુખ ટ્રમ્પના અતૂટ શાંતિ પ્રયત્નો અને નેતન્યાહુના દ્રઢ સંકલ્પનું પ્રતીક છે. ઉલ્લેખનીય છે કર્બે વર્ષ કરતાં વધુ સમયથી ચાલતા ગાઝાયુદ્ધને રોકવા માટે હમાસ અને ઇઝરાયેલ વચ્ચે સંમતિ સધાઈ છે.