Get The App

અમેરિકામાં પાલક પનીરને લઈને વિવાદ: યુનિવર્સિટીએ 2 વિદ્યાર્થીઓને આપવા પડ્યા પોણા 2 કરોડ રૂપિયા!

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
Colorado University Racial Discrimination


(AI IMAGE)

Colorado University Racial Discrimination: અમેરિકાની એક યુનિવર્સિટીમાં 'પાલક પનીર' ગરમ કરવા જેવી સામાન્ય બાબતે બે ભારતીય વિદ્યાર્થીઓને આશરે 1.8 કરોડ રૂપિયા(2 લાખ ડોલર)નું વળતર મળ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના સપ્ટેમ્બર 2023ની છે, જ્યારે યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડરમાં પીએચડી કરી રહેલા આદિત્ય પ્રકાશ નામનો વિદ્યાર્થી પોતાનું લંચ(પાલક પનીર) માઇક્રોવેવમાં ગરમ કરી રહ્યો હતો. તે સમયે એક સ્ટાફ મેમ્બરે ખાવાની 'તીવ્ર ગંધ' અંગે ફરિયાદ કરી તેમને અટકાવ્યા હતા. આ મામલો સામાન્ય બોલાચાલીથી શરૂ થઈને કોર્ટ સુધી પહોંચ્યો હતો, કારણ કે આદિત્ય અને તેમની પાર્ટનર ઉર્મિ ભટ્ટાચાર્યએ તેને ભેદભાવ (Systemic Racism) ગણાવ્યો હતો.

ભેદભાવનો વિરોધ કરતાં પાર્ટનરની નોકરી પણ છીનવાઈ

આદિત્યનો આરોપ છે કે જ્યારે તેમણે આ ભેદભાવ સામે અવાજ ઉઠાવ્યો, ત્યારે યુનિવર્સિટીએ તેમની સામે બદલાલક્ષી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. તેમને સિનિયર ફેકલ્ટી દ્વારા વારંવાર બોલાવીને માનસિક ત્રાસ આપવામાં આવ્યો અને સ્ટાફને 'અસુરક્ષિત' અનુભવવાના ખોટા આરોપો લગાવવામાં આવ્યા. એટલું જ નહીં, તેમની પાર્ટનર ઉર્મિ પાસેથી પણ તેમની ટીચિંગ આસિસ્ટન્ટની નોકરી છીનવી લેવામાં આવી હતી. કેસમાં જણાવાયું હતું કે યુનિવર્સિટીના રસોડાના નિયમો ખાસ કરીને દક્ષિણ એશિયાઈ સમુદાયને નિશાન બનાવે છે, જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓ સાર્વજનિક જગ્યાએ પોતાનું દેશી ખાણું ખાતા પણ ડરવા લાગ્યા હતા.

આ પણ વાંચો: 4 દેશો જેમણે ટ્રમ્પને ઈરાન પર હુમલો કરતાં અટકાવ્યાં અને અમેરિકાને પણ ધમકાવ્યું

ભારતીય વિદ્યાર્થીઓની જીત: 1.8 કરોડનું વળતર

લાંબી કાનૂની લડાઈ બાદ અંતે યુનિવર્સિટીએ સમાધાન કરવું પડ્યું હતું. કોર્ટના આદેશ મુજબ યુનિવર્સિટીએ બંને ભારતીય વિદ્યાર્થીઓને 1.8 કરોડ રૂપિયાનું વળતર આપ્યું અને સાથે જ તેમને માસ્ટર્સની ડિગ્રી પણ એનાયત કરી. જોકે, શરત મુજબ આ બંને વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આ યુનિવર્સિટીમાં ભણી કે નોકરી કરી શકશે નહીં. આ આખા વિવાદ અને માનસિક તણાવ બાદ હવે આદિત્ય અને ઉર્મિ કાયમ માટે ભારત પરત ફરી આવ્યા છે. યુનિવર્સિટીના પ્રવક્તાએ આ મામલે સ્પષ્ટતા કરી છે કે તેઓ ભેદભાવ સામે કડક વલણ ધરાવે છે અને સમાવેશી વાતાવરણ જાળવવા કટિબદ્ધ છે.

અમેરિકામાં પાલક પનીરને લઈને વિવાદ: યુનિવર્સિટીએ 2 વિદ્યાર્થીઓને આપવા પડ્યા પોણા 2 કરોડ રૂપિયા! 2 - image