Colombian President on venezula Attack : કોલંબિયાના પ્રમુખ ગુસ્તાવો પેટ્રોએ વેનેઝુએલાની રાજધાની કારાકાસ પર થયેલા મિસાઈલ હુમલા અંગે દુનિયાને ચેતવણી આપી છે. તેમણે આ હુમલાને વેનેઝુએલાની સંપ્રભુતા અને નાગરિકોની સુરક્ષા માટે ગંભીર ખતરો ગણાવ્યો છે અને સંયુક્ત રાષ્ટ્ર (UN) તથા ઓર્ગેનાઈઝેશન ઓફ અમેરિકન સ્ટેટ્સ (OAS)ની તાત્કાલિક બેઠક બોલાવવાની માંગ કરી છે. અમેરિકા દ્વારા વેનેઝુએલા પર કરાયેલા આ હુમલાનો ડર હવે કોલંબિયાને પણ લાગી રહ્યો છે કેમ કે અમુક દિવસો અગાઉ ખુદ ટ્રમ્પ વેનેઝુએલાની સાથે કોલંબિયાને પણ ધમકાવી ચૂક્યા હતા.
કોલંબિયાના પ્રમુખની આકરી ચેતવણી
પ્રમુખ પેટ્રોએ સોશિયલ મીડિયા પર એક સંદેશમાં લખ્યું, "હાલમાં કારાકાસ પર બોમ્બમારો થઈ રહ્યો છે. સમગ્ર વિશ્વને જણાવવાનું છે કે વેનેઝુએલા પર હુમલો કરવામાં આવ્યો છે. તેઓ મિસાઈલોથી હુમલો કરી રહ્યા છે. OAS અને UNએ તાત્કાલિક બેઠક કરવી જોઈએ." તેમની આ ચેતવણી બાદ આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
કારાકાસમાં ભય અને અફરાતફરીનો માહોલ
કારાકાસમાં શનિવારે, 3 જાન્યુઆરીએ, વહેલી સવારે અનેક જોરદાર વિસ્ફોટો થયા બાદ પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. અહેવાલો અનુસાર, વિસ્ફોટોના અવાજથી ગભરાઈને લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા અને સૈન્ય વિમાનોની ગતિવિધિઓ પણ જોવા મળી હતી. શહેરના દક્ષિણ ભાગમાં એક મોટા સૈન્ય મથક પાસે વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે વિસ્તારમાં અંધારપટ અને અફરાતફરી ફેલાઈ ગઈ હતી.
આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ચિંતા
પ્રમુખ પેટ્રોનો સંદેશ સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ આ મામલો વૈશ્વિક સ્તરે ચર્ચામાં આવી ગયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે આવા હુમલાઓથી પ્રાદેશિક તણાવ વધી શકે છે અને તે આંતરરાષ્ટ્રીય કૂટનીતિ માટે એક મોટો પડકાર બની શકે છે. હુમલાની વિસ્તૃત વિગતો હજુ સુધી સામે આવી નથી, પરંતુ પ્રમુખ પેટ્રોની ચેતવણીએ દુનિયાનું ધ્યાન કારાકાસ તરફ ખેંચ્યું છે.
ટ્રમ્પ કોલંબિયાના પ્રમુખને પણ ધમકાવી ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા સમયથી વેનેઝુએલાને ધમકાવવામાં આવી રહ્યું હતું ત્યારે ટ્રમ્પે કોલંબિયાના પ્રમુખ ગુસ્તાવો પેટ્રો સામે કાર્યવાહીની ચેતવણી ઉચ્ચારી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે ડ્રગ્સ વિરોધી અભિયાનમાં અમારા નેક્સ્ટ ટારગેટ પર કોલંબિયા હોઈ શકે છે. એટલા માટે તાજેતરના વેનેઝુએલા પર હુમલા બાદ હવે કોલંબિયાના પ્રમુખને અમેરિકાના હુમલાનો ભય લાગી રહ્યો છે.


