ક્લાઇમેટ ચેન્જ: દુનિયાના 4 અબજ લોકોએ એક મહિનો વધુ આગ ઝરતી ગરમી સહન કરવી પડી
Weather news : વૈજ્ઞાનકોનું કહેવું છે કે વિશ્વની ચાર અબજની વસ્તી એટલે કે અડધી વસ્તીએ મે 2024થી મે 2025 દરમિયાન માનવસર્જિત કારણોના લીધે થયેલા ક્લાઇમેટ ચેન્જના લીધે આત્યંતિક ગરમીના એક વધારાના મહિનાનો સામનો કરવો પડયો હતો. આ વધારે પડતી ગરમીના કારણે માંદગી, મૃત્યુ, પાકને નુકસાન, શરીરમાંથી ઊર્જા શોષાઈ જવી, આરોગ્યને લગતી મુશ્કેલીઓ સર્જાઈ હતી.
વર્લ્ડ વેધર એટ્રિબ્યુશન, ક્લાઇમેટ સેન્ટ્રલ અને ધ રેડ ક્રાસના વિશ્લેષણ મુજબ મુખ્યત્વે લોકોની નજર પૂરની ઘટનાઓ અને વાવાઝોડાંની ઘટનાઓ પર વધારે રહેતી હોય છે, પરંતુ આત્યંતિક ગરમી પણ એક જોખમી બાબત છે તે લોકોએ સ્વીકારવું રહ્યું. ગરમીના લગતા કેટલાય મૃત્યુનું ખોટુ રિપોર્ટિંગ થાય છે, તેને કિડનીની નિષ્ફળતા ગણાવાય છે અથવા તો હાર્ટ એટેકનો હુમલો ગણાવાયા છે. જ્યારે આ મોત ગરમીથી થયા હોય છે.
વિશ્વના લગભગ બધા જ દેશોમાં આત્યંતિક ગરમીના દિવસો બમણા થઈ ગયા છે. અમેરિકાના જ વિસ્તાર પ્યુએર્ટોરિકોમાં આત્યતિક ગરમીના 161 દિવસ નોંધાયા હતા. હવે જો ક્લાઇમેટ ચેન્જ થયું ન હોત તો ત્યાં આત્યંતિક ગરમીના ફક્ત 48 દિવસ જ હોત. હીટવેવ સાયલન્ટ કિલર છે, એમ લંડનની ઇમ્પીરિયલ કોલેજના ક્લાઇમેટ સાયન્સના ેએસોસિયેટ પ્રોફેસર ફ્રેડરિક ઓટ્ટોએ જણાવ્યું હતું. ગરમીના લીધે લોકો ફક્ત ગલીઓમાં જ મૃત્યુ પામે છે તેવું નથી, લોકો હોસ્પિટલમાં, યોગ્ય રીતે સંરક્ષિત ન હોય તેવા મકાનોમાં પણ મૃત્યુ પામે છે. આ બધી વસ્તુ દેખાતી હોતી નથી.
વસ્તીમાં આવકની રીતે નબળા જૂથો કે વસાહતો પર આ ગરમી વિપરીત અસર કરે છે. આત્યંતિક ગરમીના લીધે વૃદ્ધોની સ્થિતિ અત્યંત વરવી થઈ જાય છે. તેમને આત્યંતિક ગરમીથી સૌથી વધુ નુકસાન થાય છે. ઊંચા તાપમાનના લીધે મધ્ય એશિયામાં પણ માર્ચમાં આત્યંતિક ગરમીની સ્થિતિ જોવા મળી હતી. મોરોક્કોમાં જ ગરમીથી 21ના મોત થયા હતા.ત્યાં તાપમાન 48 ડિગ્રીએ પહોંચી ગયું હતું.