- સાંસ અલબેલી, કૌન સી ડોર ગીતો પ્રખ્યાત થયા હતા
- કિરાના ઘરાનાની ખયાલ ગાયિકીના પંડિત છન્નુલાલને 2020માં પદ્મ વિભૂષણ અપાયો હતો
મિર્ઝાપુર : હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું ૮૯ વર્ષની વયે મિર્ઝાપુરમાં અવસાન થયું છે. તેમનો પાર્થિવ દેહ તેમના વતન કાશીમાં લાવવામાં આવશે અને ત્યાં અંતિમ વિધિ થશે. આઝમગઢમાં ૩ ઓગસ્ટ, ૧૯૩૬માં જન્મેલા પંડિત છન્નુલાલ મિશ્રા બનારસ-કિરાના ઘરાનાના ગાયક હતા. તેઓ ખયાલ અને ઠુમરી માટે જાણીતા હતા.
હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક છન્નુલાલ મિશ્રા ઉંમરને લગતી બીમારીથી પીડાતા હતા. તેમને પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ ૨૦૨૦માં મળ્યો હતો. તેઓ રામ ચરિત માનસના ગાયન માટે એક જમાનામાં ઘરઘરમાં પોપ્યુલર થયા હતા. એ પછી નવી પેઢીમાં આરક્ષણ ફિલ્મમાં તેમણે ગાયેલા બે ગીતો કૌન સી ડૌર અને સાંસ અલબેલી ગીતો માટે જાણીતા થયા હતા. તેમના પત્નીના નિધન બાદ તેઓ તેમની દીકરી સાથે મિર્ઝાપુરમાં રહેતા હતા.
તેમના પિતા પંડિત બદ્રી પ્રસાદ મિશ્રા બનારસ ઘરાનાના ગાયક હતા. તેમણે બાળપણથી જ પિતા પાસેથી બનારસ ઘરાનાની તાલીમ લીધી હતી. એ પછી તેમણે ઉસ્તાદ અબ્દુલ ગની ખાન પાસેથી કિરાના ઘરાનાની બારિકી શીખી હતી. તેઓ ખયાલ અને ઠુમરીના ગાયન માટે બેહદ જાણીતા હતા. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ વારાણસીમાંથી ઉમેદવારી નોંધાવી ત્યારે પંડિત છન્નુલાલ મિશ્રા તેમના પ્રસ્તાવક હતા. એ વખતે તેઓ ચર્ચામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના અવસાન બાદ શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું હતું કે હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયિકીમાં તેમનું પ્રદાન ક્યારેય ભૂલાશે નહીં. તેમનો અવાજ હંમેશા ગૂંજતો રહેશે. તેઓ ભારતની કલા અને સંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત હતા. તેમણે શાસ્ત્રીય સંગીતને ન માત્ર લોકભોગ્ય બનાવ્યું, પરંતુ વૈશ્વિક મંચ પર પણ ગૌરવ અપાવ્યું.


