World

બાંગ્લાદેશમાં 'ગૃહ યુધ્ધ' જેવી સ્થિતિ : મુહમ્મદ યુનુસનું ઘર સળગાવી દીધું

By GS Team
19 Nov 20262 mins read
TukuTouch Logo
બાંગ્લાદેશમાં શેખ હસીનાના સમર્થનમાં ગાર્મેન્ટ વર્કર્સ રસ્તા પર ઉતરતા ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઢાકામાં બોમ્બ ધડાકા અને યુનુસના ચટગાંવ સ્થિત નિવાસસ્થાને આગચંપીના બનાવો બન્યા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા હજારો BGB જવાનો તૈનાત કરાયા છે. પોલીસે ઢાકા અને ગોપાલગંજમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી 565 લોકોની ધરપકડ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાંગ્લાદેશમાં 'ગૃહ યુધ્ધ' જેવી સ્થિતિ : મુહમ્મદ યુનુસનું ઘર સળગાવી દીધું
  • ઢાકાથી હસીનાનાં ગોપાલગંજ સુધી બોમ્બ ધડાકા
  • બાંગ્લાદેશમાં કાનૂન વ્યવસ્થા જાળવવા 'બોર્ડર-ગાર્ડ-બાંગ્લાદેશ (બીજીબી)ના હજ્જારો જવાનો તૈનાત : હસીનાનાં શહેર ગોપાલગંજમાં સખ્ત બંદોબસ્ત

ઢાકા : બાંગ્લાદેશમાં ફરી અશાંતિ વ્યાપી છે, ગૃહ યુધ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. શેખ હસીનાની વાપસીનાં સમર્થનમાં ગાર્મેન્ટ વર્કર્સ વિશાળ સંખ્યામાં સડકો ઉપર આવી ગયા છે. હિંસા અને રાજકીય ટકરાવ ફરી શરૂ થઈ ગયો છે. અર્ધી રાતે ઢાકામાં અનેક બોમ્બ ધડાકા થયા છે. તે પહેલાં પૂર્વેની અંતરિમ સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસનાં ચટગાંવ સ્થિત નિવાસ સ્થાનને રમખાણકારોએ આગ ચાંપી દીધી હતી.
વાસ્તવમાં શેખ હસીનાની આવામી લીગે ગત ગુરુવારે હડતાળના આપેલા એલાન સાથે બાંગ્લાદેશમાં પરિસ્થિતિ હાથ બહાર ગઈ છે.
રમખાણકારોએ દેશના જુદા જુદા ભાગોમાં આવેલ યુનુસની ગ્રામીણ બેન્કની શાખાઓમાં પણ આગ લગાડી દીધી હતી. સાથે યુનુસનું ઘર પણ સળગાવી દીધું હતું.
બાંગ્લાદેશનાં વર્તમાનપત્રોનાં જણાવ્યા પ્રમાણે રમખાણકારોએ વડાપ્રધાન તારિક રહેમાનની પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) ના વિરોધી જૂથ આવામી લીગના બે કાર્યકરોનાં ઘર ઉપર બીએનપીના કાર્યકર્તાઓએ હુમલા કર્યા હતા. એક બીજી પાર્ટીના કાર્યકર્તાઓ એક બીજા સામે રીતસર યુધ્ધે જ ચઢ્યા છે. દેશમાં ગૃહ યુધ્ધ ચાલી રહ્યું છે.
પોલીસનું કહેવું છે કે રાત્રે સલામતી વધારી દેવાઈ હતી. ઢાકાના મુખ્ય ફ્લાઈ ઓવર પર વધુ સિપાહીઓ ગોઠવી દેવાયા છે. પોલીસે ઢાકામાં આવતાં-જતાં વાહનોની તપાસ શરૂ કરી દીધી છે. મોટરો, મોટર સાઇકલો સહિત દરેક વાહનોની તપાસ ચાલી રહી છે. ડ્રાઇવરોની તથા પ્રવાસીઓની મોટર રોકી પુછપરછ કરાઇ રહી છે.
વાસ્તવમાં ગયા ગુરુવારે આવામી લીગે લોકડાઉન કરવા આપેલા એલાન પછી દેશમાં તોફાનો શરૂ થઇ ગયા છે.
આ લોકડાઉન એવા સમયે થયો કે જયારે બાંગ્લાદેશની વિશેષ ટ્રિબ્યુનલે શેખ હસીનાને માનવતા વિરોધી અપરાધી ગણી તેમને દેહાંત-દંડની સજા સંભળાવી હતી. બીડી ન્યૂઝ-૨૪ ના જણાવ્યા પ્રમાણે લોકડાઉન પૂર્વે ૨૪ કલાકે શરૂ કરેલી કાર્યવાહીમાં ૫૬૫ લોકોની ધરપકડ કરી હતી, તેમાં હસીનાનાં પ્રધાન મંડળમાં તે સમયે શિક્ષણ મંત્રી પદે રહેલા નૂરૂલ ઇસ્લામ નાહિદ પણ સામેલ છે. તેમને બુધવારે અરધી રાત્રે પોલીસે તેમની ધરપકડ કરી હતી.
આમ બાંગ્લાદેશમાં અત્યારે રમખાણો, આગજની, પક્ષીય કાર્યકરોના સામસામા યુધ્ધો, પોલીસ દ્વારા ટીયર ગેસ-લાઠી ચાર્જ અને ધરપકડોનો દોર તેને ગૃહ યુધ્ધમાં ધકેલી રહ્યાં છે.