World

પાકિસ્તાનમાં ખ્રિસ્તી છોકરીનું અપહરણ પછી જોર જુલ્મથી મુસ્લીમ બનાવી તે પછી નિકાહ કરાવ્યા

By GS TEAM
12 Feb 20262 mins read
પાકિસ્તાનમાં ખ્રિસ્તી છોકરીનું અપહરણ પછી જોર જુલ્મથી મુસ્લીમ બનાવી તે પછી નિકાહ કરાવ્યા

- પાકિસ્તાનમાં પણ બાંગ્લાદેશની જેમ લઘુમતિ સલામત નથી

- પાકિસ્તાનમાં લઘુમતિઓ ઉપરના અત્યાચારો અટકવાનું નામ નથી લેતા, વારંવાર લઘુમતિ બાલિકાઓનાં અપહરણ, ધર્મપરિવર્તન અને શાદીની વાતો ચાલે છે

નવી દિલ્હી : પાકિસ્તાનમાં લઘુમતિઓ ઉપર થતા અત્યાચારો અટકવાનું નામ નથી લેતા. વારંવાર તેવા મામલા સામે આવે છે કે જેમાં લઘુમતીઓની માસૂમ બાલિકાઓનું અપહરણ કરી, તેનું બળજબરીથી ધર્મપરિવર્તન કરાવી, નાનીવયમાં જ લગ્ન કરવાની ફરજ પાડવામાં આવે છે.

હ્યુમન રાઇટ્સ ફોક્સ પાકિસ્તાને (એચ.આર.એફ.પી.એ.) પાકિસ્તાનના સાહિવાલ જિલ્લાનાં તહેસીલ ચિચાવતની ગામમાં ૧૩ વર્ષની ખ્રિસ્તી બાલિકા, સતીશ મરિયમનો હૃદય દ્વાવક કિસ્સો બહાર આવ્યો છે. જેમાં તેનું અપહરણ કરી બળજબરીથી ઇસ્લામમાં ધર્મ પરિવર્તન કરાવી, તેની ઇચ્છાની પરવાહ કર્યા સિવાય તેની સાથે કોઈ યુવાનનું લગ્ન કરાવવામાં આવ્યું હતું. માનવ અધિકાર પંચે તે અંગે ઘેરી ચિંતા દર્શાવી છે.

વાસ્તવમાં આ મામલો તો ઘણો જૂનો છે. જે રહી રહીને હવે બહાર આવ્યો છે. તેના પિતાએ રજૂ કરેલી એફ.આઈ.આરમાં મરિયમનું તા. ૧૦-૧૧ જાન્યુઆરીની રાત્રે બળજબરીથી અપહરણ કરવામાં આવ્યું હતું. તેનો પિતા તો એક રોજી કામદાર છે. જેનું નામ બશારન મસીર છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અલિ હૈદર ગુલઝાર નામના એક યુવાને અજ્ઞાાત સાથીઓને લઇ તે છોકરીને પરાણે એક મોટરમાં નાખી દેતાં જોયો હતો. તે છોકરી ચીસાચીસ કરી હતી પરંતુ કોઈ તેની મદદે જઇ શકે તેમ ન હતું કારણ કે ગુલઝારના સાથીઓ સશસ્ત્ર હતા અને બહુ મોટી સંખ્યામાં હતા.

આ પછી તે બાલિકાના પિતાએ પોલીસ ફરિયાદ કરી પરંતુ હજી સુધી પોલીસે કોઈ કાર્યવાહી જ કરી નથી.

હદ તો ત્યારે થઇ કે ૨૮મી જાન્યુઆરીએ ચિચાવતનીના એડીશનલ ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ મોહમ્મદદોથારે તે કેસની સુનાવણીપછી અપહરણકર્તાના પક્ષમાં ફેસલો આપ્યો તેટલું જ નહીં પરંતુ તે બાલિકાનાં માતા-પિતાને પણ તને મળવા દેવાની પણ રજા આપી નથી.