Get The App

ચીનનાં જહાજે ફરી ફિલિપિનો જહાજને ટક્કર મારી સામો આક્ષેપ કર્યો : 'તમે અમારા જહાજને ટક્કર મારી છે'

Updated: Sep 1st, 2024

GS TEAM

Google News
Google News
ચીનનાં જહાજે ફરી ફિલિપિનો જહાજને ટક્કર મારી સામો આક્ષેપ કર્યો : 'તમે અમારા જહાજને ટક્કર મારી છે' 1 - image


ચીનને જંપ નથી : બીજાને જંપવા દે તેમ પણ નથી : ફિલિપાઇન્સની ઓસ્ટ્રેલિયા, જાપાન, તૈવાન સાથેની મૈત્રી : યુએસનું રક્ષાકવચ ચીનને ખૂંચે છે

તાઈપી: દક્ષિણ ચીન સમુદ્રના પૂર્વ છેડે આવેલા ફિલિપાઇન્સના જહાજને ચીનનાં જહાજે ટક્કર મારતાં ફિલિપાઇન્સે વાંધો ઉઠાવ્યા પછી ચીને સામો આક્ષેપ કર્યો છે કે તમારા જહાજે અમારા જહાજને ટક્કર મારી છે. આમ એકબીજા ઉપર સામસામી આક્ષેપબાજી થઈ રહી છે. આ પૂર્વે જાપાને પણ ચીનનાં દૂતાવાસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી કે ચીનનાં સર્વેશિપે જાપાનનાં કાગોશિયા પ્રીફેકચર પાસેના જળ વિસ્તારમાં શનિવારે સવારે ૬ વાગે પ્રવેશ કર્યો હતો, અને તે ત્યાં સવારના ૮ વાગ્યા સુધી રહ્યું હતું.

આજે પ્રાપ્ય માહિતી પ્રમાણે ચીનના કોસ્ટગાર્ડના પ્રવકતા લીઊ દે જૂને કહ્યું હતું કે, શનિવારે બપોરે ૧૨.૦૬ મિનિટે ફિલિપાઇન્સનાં જહાજ નં. ૯૭૦૧, ચીનનાં જહાજ નં. ૫૨૦૫ સાથે અથડાયું હતું. આ સામે ફીલિપાઇન્સના કોસ્ટગાર્ડના પ્રવકતાએ કહ્યું હતું કે, 'અમારૂં જહાજ જઈ રહ્યું હતું ત્યારે ચીનનાં કોસ્ટગાર્ડનું જહાજ જાણી જોઈને ત્રણ વખત અમારા જહાજ સાથે અથડાયું હતું.'

ફીલિપાઇન્સે કહ્યું હતું કે ફીલિપાઇન્સની પશ્ચિમે આવેલી 'સાવીના શોલ' ઉપર અમારૂં જ સહજ રીતે સાર્વભૌમત્વ છે ત્યાં સુધી ઘૂસી જઈ ચીનનાં સશસ્ત્ર કોસ્ટગાર્ડે તેમના જહાજની જાણી જોઈને ત્રણ વાર અથડામણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ચીને સમગ્ર દક્ષિણ ચીન સમુદ્ર ઉપર પોતાનાં સાર્વભૌમત્વનો દાવો કર્યો છે જે સામે ફિલિપાઇન્સ, તાઇવાન, વિયેતનામ, બૂની, ઈન્ડોનેશિયા અને મલાએશિયા ધી હેગ સ્થિત ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ આર્બીટ્રેશનમાં ફરિયાદ કરતાં કોર્ટે ચીનના તે દાવાને ખારીજ કર્યો હતો, છતાં ચીન તેને સ્વીકાર્યા સિવાય જ તે વિસ્તારમાં દાદાગીરી કરે છે.

વિશ્લેષકો કહે છે, ચીનને જંપ નથી, બીજાને જંપવા દે તેમ પણ નથી. ફીલીપાઇન્સની ઓસ્ટ્રેલિયા, જાપાન, તૈવાન સાથેની મૈત્રી તેમજ તેને યુએસ દ્વારા અપાયેલું 'રક્ષા-કવચ' ચીનને ખૂંચે છે.

Tags :