ચીની યુવકોની લગ્ન માટે પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા એશિયાઇ દેશોની યુવતીઓ પર નજર
વન ચાઇલ્ડ પોલિસી ચીન માટે બુમરેંગ સાબીત થઇ રહી છે
યુવતીઓને એજન્ટો ચીનમાં લઇ જવા માટે વ્યવસ્થિત નેટવર્ક ગોઠવે છે
બેઇજિંગ,૨૭ મે,૨૦૨૫,મંગળવાર
ચીનમાં વર્ષો સુધી વન ચાઇલ્ડ પોલિસીના કારણે વસ્તી નિયંત્રણ રહયું હતું. આ વન ચાઇલ્ડ પોલિસી ચીન માટે બુમરેંગ સાબીત થઇ રહી છે. વૃધ્ધોની સંખ્યા વધવાથી યુવાપેઢી ઘટી રહી છે. ચીનના યુવાઓ લગ્ન કરવાથી દૂર ભાગી રહયા છે. ચીનમાં સેકસ રેશિયો પર ખૂબજ અસમાનતા વધી રહી છે આથી ચીની યુવાઓને છોકરી સરળતાથી મળતી નથી. એક માહિતી અનુસાર ૨૦૫૦ સુધીમાં ચીનમાં અંદાજે ૩ થી ૫ કરોડ પુરુષો કાયમી કુંવારા રહી જશે. ચીનના યુવાનો લગ્ન માટે બીજા દેશોમાં દુલ્હનની શોધ કરી રહયા છે.
પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિત ગરીબ દક્ષિણ એશિયાઇ દેશો ચીની યુવાઓ માટે ફેવરિટ છે. આ દેશોમાં ચીની યુવકોને દુલ્હન ઉપલબ્ધ કરાવવા માટે એક નેટવર્ક કામ કરે છે. એજન્ટ પૈસાની લાલચમાં ચીની નાગરિકો સાથે લગ્ન માટે યુવતીઓને તૈયાર કરે છે. યુવતીઓને એજન્ટો ચીનમાં લઇ જવા માટે વ્યવસ્થિત નેટવર્ક ગોઠવે છે તેના માટે પણ મોટા સોદા થાય છે. બહેતર જીવનની શોધની લાલચમાં ફસાઇને થતા વિવાહ યૌન શોષણમાં ફેરવાઇ જાય છે.
ચીન એજન્ટો યુવતીઓને ચીનમાં લાવ્યા પછી એજન્ટો તમામ કાગળો લઇ લે છે અને ગ્રામીણ વિસ્તારોમાં મોકલી આપે છે. યુવતીઓ જો ભાગવાની કોશિષ કરે તો તેને ગેરકાયદેસર પ્રવાસી ગણીને પોલીસ કાર્યવાહી કરે છે. ચીની દુતાવાસે ચીની નાગરિકોને કોઇ પણ વ્યવસાયિક અને ગેરકાયદેસર એજન્ટોથી બચવાની સલાહ આપી છે એટલું જ નહી ઓનલાઇન પ્રેમ જાળથી ફસાવવાથી પણ સર્તક રહેવા જણાવ્યું છે.