ચીની હેકર્સે વેટિકન સિટી પર સાઈબર હુમલો કર્યા
- રેડ ડેલ્ટા નામના મોનિટરિંગ ગ્રુપેનો દાવો
- ચીન-વેટિકન વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપવા મુદ્દે સંવાદ થવાનો છે તે પહેલાં હેકિંગના દાવાથી વિવાદ
વેટિકન સિટી, તા. 29 જુલાઈ 2020, બુધવાર
રેડ ડેલ્ટા નામના સાઈબર મોનિટરિંગ ગ્રુપે દાવો કર્યો હતો કે ચીની હેકર્સે વેટિકન સિટી પર સાઈબર હુમલો કર્યો છે. જોકે, ચીનના વિદેશ મંત્રાલયે દાવાનું ખંડન કર્યું હતું.
સાઈબર મોનિટરિંગ ગુ્રપ રેડ ડેલ્ટાને ટાંકીને ન્યૂયોર્ક ટાઈમ્સે અહેવાલ આપ્યો હતો કે ચીની હેકર્સે વેટિકન સિટીના ચર્ચ પર સાઈબર હુમલો કરીને ગુપ્ત દસ્તાવેજોને નિશાન બનાવ્યા છે. ૨૧મી જુલાઈ સુધી વેટિકનને નિશાન બનાવતા સાઈબર હુમલા થયા હતા એવો દાવો મોનિટરિંગ ગ્રુપે કર્યો હતો.
સાઈબર મોનિટરિંગ ગુ્રપના દાવા પ્રમાણે હોંગકોંગના વેટિકન સાથે સંલગ્ન ગ્રુપે પણ ચીની હેકર્સના નિશાના પર આવ્યા છે. એ દાવા પછી ચીનના વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે આ દાવાનું ખંડન કર્યું હતું.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે આ દાવા પાયાવિહોણા છે. ચીને વેટિકનને નિશાન બનાવ્યું નથી. બીજી તરફ વેટિકન સિટીએ કોઈ જ સત્તાવાર નિવેદન આપ્યું ન હતું.
ચીન-વેટિકન સિટી વચ્ચે રાજદ્વારી સંબંધો બાબતે સંવાદ થવાનો છે. ૨૦૨૦ના વર્ષમાં બંને વચ્ચે સંવાદ નિર્ધારિત થયો હતો. ૨૦૧૮માં થયેલી ઐતિહાસિક સંધિ પછી ૨૦૨૦માં એમાં નવીનીકરણ માટે સંવાદ થવાનો છે, તે પહેલાં જ વેટિકન સિટીના ગુપ્ત દસ્તાવેજો ચીની હેકર્સના હાથમાં જઈ ચડવાના દાવાથી વિવાદ સર્જાયો છે.