ચીનના વિદેશ મંત્રી વાંગ-ચીની પાકિસ્તાનનાં ભૂમિદળના વડા અસીમ મુનીર સાથે સઘન મંત્રણા

- ચીન જાણે છે : પાકમાં લશ્કર જ સર્વેસર્વા છે
- આ પૂર્વે કાબુલમાં બુધવારે યોજાયેલી અફઘાનિસ્તાન-પાકિસ્તાન અને ચીનના વિદેશ મંત્રીઓની બેઠકમાં તેમણે હાજરી આપી હતી
નવી દિલ્હી, ઈસ્લામાબાદ : ચીનના વિદેશ મંત્રી વાંગ-ચીએ શુક્રવારે પાકિસ્તાનનાં લશ્કરના વડા અસીમ મુનીર સાથે મંત્રણા કરી હતી. જેમાં તેમણે ત્રાસવાદ ડામવા, સલામતી, સંરક્ષણ તથા બંને દેશોના પારસ્પરિક હિતો વિષે ચર્ચા કરી હતી.
વાંગ-ચી વિદેશ મંત્રીઓ વચ્ચે વ્યુહાત્મક ચર્ચા યોજવા બુધવારે સાંજે ઈસ્લામાબાદ આવી પહોંચ્યા હતા, અને અત્યારે પાકિસ્તાનમાં સર્વેસર્વા બની રહેલા તેના લશ્કરી વડા અસીમ મુનીર સાથે મંત્રણા યોજી હતી, તે પૂર્વે તેઓએ વિદેશ મંત્રીઓની બેઠકમાં 'પ્રાદેશિક શાંતિ સ્થાપવા', 'સ્થિરતા લાવવા' અને 'વિકાસ સાધવા' વિષે પોતાની સાથેના પ્રતિનિધિ મંડળ સાથે પાકિસ્તાનના વિદેશ મંત્રી અને તેમના પ્રતિનિધિમંડળ સાથેની મંત્રણામાં ભાગ લીધો હતો. સાથે પાકિસ્તાનને દરેક રીતે સંપૂર્ણ સમર્થન આપવાનું વચન પણ આપ્યું હતું, અને 'ઓલ વેધર પાર્ટનરશિપ'ની ખાતરી આપી હતી.
વાંગ-ચી આ પછી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને પ્રમુખ આસીફ અલિ જરદારીને પણ મળ્યા હતા. તેઓએ તે બંને કરતાં અસીમ મુનીરને આપેલા મહત્વ પરથી સ્પષ્ટ થઈ જાય છે ચીન જાણે જ છે કે પાકિસ્તાનમાં લશ્કર જ ખરા અર્થમાં રાજ કરે છે અને સંપૂર્ણ કમાન્ડ અસીમ મુનીરના હાથમાં છે.
પાકિસ્તાન પહોંચતા પહેલાં વાંગ-ચી કાબુલ પહોંચ્યા હતા. જ્યાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ચીનના વિદેશ મંત્રીઓ (વાંગ-ચી)ની ત્રિપક્ષીય બેઠક યોજાઈ હતી.
વિશ્લેષકો બહુ સ્પષ્ટ રીતે માને છે કે પૂર્વ ગોળાર્ધના દક્ષિણ ભાગ ઉપર તો સર્વેસર્વા બની રહેવાની ચીનની મહત્વાકાંક્ષા છે, તેમાં ભારત આડખીલીરૂપ છે, તેથી ભારતના વિરોધીઓને ચીન સતત પુષ્ટિ આપતું રહે છે.








