અમેરિકાના અવકાશી પ્રભુત્વને પડકારવા ચીનનું અજોડ 'જિયુ ટિયાન ડ્રોન' સક્ષમ
- ડ્રેગનનું ડ્રોન મધરશિપ જૂનમાં પહેલું ઉડ્ડયન કરશે
- 15 હજાર ફૂટ સુધી ઊંચે ઉડી શકતું અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ મધરશિપ ડ્રોન નાના 100 ડ્રોન, 1000 મિસાઇલ વહન કરવા સક્ષમ
વોશિંગ્ટન : ચીનનું જિયુ ટિયાન એસએસ-યુએવી ડ્રોન આકાશમાં પણ અમેરિકાના પ્રભુત્વને પડકારવા તૈયાર થઈ ગયું છે. ડ્રોનની હાઇ-ટેક રેસમાં ચીનના નવા ડ્રોને અમેરિકાની આંખો પહોળી કરી દીધી છે. ૧૫માં ઝુહાઈ એરશોમાં આ ડ્રોનનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ડ્રોન પર અમેરિકનોની ચાંપતી નજર છે. તેને એવીઆઇસી સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવ્યું છે.
એવીઆઇસીએ આ ડ્રોનને શેન્ક્સી અનમેન્ડ ઇક્વિપમેન્ટ ટેકનોલોજી અને હૈગ કમ્યુનિકેશન્સના સહયોગમાં વિકસાવ્યું છે. જિઉટિયાને ડ્રોનમાં નવી જ કેટેગરી ઊભી કરી છે. આ કેટેગરી સુપર હાઇ ઓલ્ટિટયુડ મધરશિપની કેટેગરી છે. આ ડ્રોન મહત્તમ ૧૬ ટન વજન લઈ ઉડી શકે છે, તેની પાંખ ૨૫ મીટરની છે અને તે ૧૫ હજાર મીટર ઊંચે સુધી જઈ શકે છે. કોઈપણ પરંપરાગત એર ડિફેન્સ સિસ્ટમ તેના સુધી પહોંચી શકે તેમ નથી. તે પહેલી ટેસ્ટ ફ્લાઇટ જુન ૨૦૨૫માં લે તેવી સંભાવના છે.
ચીનના મીડિયાનો દાવો છે કે મધર ડ્રોન હાઈ થ્રસ્ટ ટર્બોફેન એન્જિનથી સજ્જ હશે. તેની રેન્જ ૭,૦૦૦ કિ.મી.ની રહેશે. જિઉટિયાન તેની પાંખમાંથી બીજા કેટલાય નાના ડ્રોન છોડી શકે તેવું સક્ષમ છે. આ ઉપરાંત તે અત્યાધુનિક ટેકનોલોજી જેમકે એન્ક્રીપ્ટેડ કમ્યુનિકેશન્સ, હાઇડ્રોજન પ્રોપલ્સન, એઆઈ સ્વાર્મ કંટ્રોલ અને સુપરમટીરિયલ સ્ટીલ્થ ડિઝાઇનથી સજ્જ છે.આ ડ્રોનની ખાસિયત એ છે કે તેને બનાવી દીધું એટલે પછી તેમા કોઈ ફેરફાર ન થાય તેવું નથી. આ ડ્રોનને મિશનની જરૂરિયાતો મુજબ પણ તૈયાર કરી શકાય છે. તેમા ઇલેક્ટ્રોનિક વોરફેરથી લઈને ટ્રાન્સપોર્ટ કાર્ગોનો સમાવેશ થાય છે. વિશ્લેષકોનું માનવું છે કે તાઇવાન સામદ્રધુની, સાઉથ ચાઇના સી અને ગુઆમ આ બધા સ્થળોએ ચીન તેની વધતી જતી ક્ષમતાનો ઉપયોગ લશ્કર દ્વારા દર્શાવવા માંગે છે.