- આ પૂર્વે પણ 2024માં અમેરિકાએ ઉત્તર ફિલીપાઈન્સમાં ટાઈફૂન-નામક મિસાઈલ્સ ગોઠવ્યાં હતાં, 2025 માં એન્ટીશિપ મિસાઈલ્સ લોન્ચરો ગોઠવ્યા હતા
વૉશિંગ્ટન : અમેરિકી અને ફીલીપીનો અધિકારીઓએ મનીલામાં સિક્યોરિટી, પોલિટીકલ અને ઇકોનોમિક સંબંધો ગાઢ બનાવવા તથા પ્રાદેશિક સલામતી સાથીઓ સાથે સહયોગ વધારવા ઉપર સઘન મંત્રણાઓ શરૂ કરી છે. સાઉથ ચાઈના સી માં હુમલા રોકવા માટે ફિલીપાઈન્સને સહાય કરવા અમેરિકા હાઈટેક મિસાઈલ્સ સીસ્ટમ તૈનાત કરવાનું છે. આથી બૈજિંગ ધૂંધવાયું છે.
આ પૂર્વે પણ ૨૦૨૪ માં અમેરિકાએ ઉત્તર ફિલીપાઈન્સમાં ટાઈફૂન નામક અમેરિકી મિડ-રેન્ડ મિસાઈલ્સ સીસ્ટમ ગોઠવી દીધી હતી. ૨૦૨૫ માં તેણે એન્ટીશિપ મિસાઈલ્સ લોન્ચરો ગોઠવી દીધા હતાં. અને આ અંગે વારંવાર ચિંતા દર્શાવી હતી. સાથે ધમકી પણ ઉચ્ચારી હતી. તેનું કહેવું છે કે અમેરિકી શસ્ત્રોનો હેતુ ચીનને આગળ વધતું રોકવાનો જ છે. સાથે ચેતવણી પણ આપી છે કે અમેરિકાનાં આ પગલાં આ વિસ્તારની સ્થિરતા સામે ખતરારૂપ છે. અમેરિકાનાં આ પગલાંથી બંને દેશો વચ્ચે તંગદિલી અને ટકરાવ પણ વધવાની શક્યતા છે.
ચીને ફિલીપાઈન્સને તે મિસાઈલ લોન્ચરો હટાવવા કહ્યું હતું. પરંતુ પ્રમુખ ફર્ડીનાઝ માર્કોસ જુનિયરનાં નેતૃત્વ નીચેની સરકારે ચીનની આ માગણી ફગાવી દીધી છે.
દરમિયાન અમેરિકા અને ફિલીપાઈન્સના અધિકારીઓએ સોમવારે મનીલામાં સિક્યોરિટી, પોલિટીકલ તેમજ ઇકોનોમિક સંબંધો ઘનિષ્ટ કરવા મંત્રણાઓ શરૂ કરી હતી. તે પછી મંગળળારે એક સંયુક્ત નિવેદનમાં આ વર્ષ માટે સવિશેષ સંરક્ષણ તથા સલામતીની રૂપરેખા પત્રકારોને સમજાવી હતી. તેમાં સંયુક્ત લશ્કરી કવાયત, ફિલીપાઈન્સની સેનાને આધુનિક બનાવવામાં અમેરિકાની પૂરેપૂરી સહાય અને અમેરિકાને અતિ આધુનિક મિસાઈલ્સ તથા અનમેન્ડ સીસ્ટમની તૈનાતી વધારવા મુદ્દાઓ આવરી લેવાયા છે.


