ચીનની કે- વિઝા દ્વારા વિદેશી ટેક્નોક્રેટ્સને આકર્ષવા લાલજાજમ
- ટ્રમ્પનાં એચ-1બી વિઝા સામે જિનપિંગની નવી ઓફર
- ચીનના કે-વિઝાનો પહેલી ઓક્ટોબરથી અમલ શરૂ થઈ જશે ગ્લોબલ ટેલેન્ટને વિઝા માટે સ્પોન્સરની પણ જરૂર નહીં
નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એચ-૧બી વિઝાની ફીમાં જંગી વધારો કરીને અમેરિકામાં વિદેશી પ્રતિભાઓને અટકાવવા પ્રયત્ન કર્યો છે ત્યારે ચીન અને બ્રિટને તેનાથી વિપરીત પગલું ભરતા વૈશ્વિક પ્રતિભાઓને આકર્ષવા માટે વિશેષ પગલાં લીધા છે. ચીને વિદેશી પ્રતિભાને આકર્ષવા કે-વિઝા રજૂ કર્યા છે, જેનો અમલ ઑક્ટોબર ૨૦૨૫થી શરૂ થવાનો છે. અત્યંત કટ્ટર મનાતા ચીને અત્યંત ઉદાર મનાતા અમેરિકાના કટ્ટર અભિગમથી વિપરીત વિદેશી પ્રતિભાઓને આકર્ષવા માટે ઉદાર અભિગમ અપનાવ્યો છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બધી રીતે અમેરિકા હાલત ખરાબ કરવાનું નક્કી કરી લીધું લાગે છે. તેનું છેલ્લું ઉદાહરણ હોય તો એચ-વનબી વિઝાની ફીમાં જંગી વધારો છે. ટ્રમ્પે એચ-૧બી વિઝા પર એક લાખ ડોલરની ફી નાંખી છે. આ પગલાંથી ટ્રમ્પે દર્શાવી દીધું છે કે અમેરિકાને વિદેશી પ્રતિભાની કોઈ જરૂર નથી. ટ્રમ્પની આ મુર્ખામીને તકમાં રૂપાંતરીત કરતાં ચીને વિદેશી પ્રતિભા માટે તેના દરવાજા મોકળા મને ખુલ્લા મૂકી દીધા છે.
એકબાજુએ એચ-વનબી વિઝા માટે જંગી ફી વસૂલવાની ટ્રમ્પે જાહેરાત કરી છે. બીજી બાજુએ ચીને તેના કે-વિઝા દ્વારા વિદેશી પ્રતિભાઓને મોટાપાયા પર આકર્ષવાનું શરૂ કર્યુ છે. ચીને પહેલી ઓક્ટોબરથી અમલમાં આવે તેવા કે-વિઝા શરૂ કર્યા છે. આ વિઝા એસટીઇએમ ટેલેન્ટને સીધી ચીનમાં એન્ટ્રી આપે છે. ચીને તો અમેરિકાના એચ-વનબી વિઝાથી વિપરીત કે-વિઝામાં એક ડગલું આગળ વધતા કોઈપણ પ્રકારની સ્પોન્સરશિપની જરૂરિયાત જ ન હોવાનું જણાવ્યું છે. બસ તમારામાં ટેકનોલોજિકલ પ્રતિભા છે તો ચીનમાં તમારું સ્વાગત છે.
ચીને તેનું આખું ટેકનોલોજીકલ સેટઅપ અમેરિકન ટેકનોલોજીની નકલ કરીને જ ઊભુ કર્યુ છે. આ માટે ચીનના વિદ્યાર્થીઓ લાખોની સંખ્યામાં અમેરિકન યુનિવર્સિટીઓમાં ભણ્યા છે, પરંતુ તેઓએ ચીન પરત આવીને રીતસર ચાઇનીઝ પ્રજાને જ્ઞાાન સમૃદ્ધ બનાવી છે. ચીને દાયકાઓથી આરંભેલા તેના પ્લાન ટીટીપીનો સફળતાપૂર્વક અમલ કર્યો છે અને આટલી જંગી વસ્તીને તેણે હ્યુમન કેપિટલમાં પરિવર્તીત કરવામાં સફળતા મેળવી છે.આ બધુ ચીને અમેરિકાની નાક નીચે કર્યુ છે.
આના પરિણામે સ્થિતિ એવી આવી છે કે ચીન સેમીકંડક્ટર્સ, એઆઈ, બાયોટેક અને અન્ય મહત્ત્વના ક્ષાત્રમાં આજે આગેવાન જોવા મળે છે. તેનાથી વિપરીત અમેરિકન પ્રમુખોનું આ મોરચે કોઈ વિઝન જ નથી. તેમની નીતિઓ રાજકારણથી આગળ વધી શકતી નથી. જ્યારે તેનાથી વિપરીત ચીને નકલખોરીથી શરૂઆત કરીને ટેકનોલોજીકલ કૌશલ્યમાં નિપુણતા મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. ચીન ટેકનોલોજીકલ સુપરપાવર બનવા માંગે છે.
ટ્રમ્પે એચ-1બી વિઝા ફીમાં જંગી વધારો કરતાં મસ્કની જૂની પોસ્ટ વાઇરલ થઈ
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં જ એચ-૧બી વિઝા ફીમાં કરેલા જંગી વધારાએ રીતસરની અંધાધૂંધીનું વાતાવરણ સર્જી દીધી છે. આશ્ચર્યની વાત એ છે કે આ વિઝા પ્રણાલિનો અત્યાર સુધી સૌથી વધુ ફાયદો મેળવનારાઓએ પણ ટ્રમ્પના આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો નથી. જો કે આ દરમિયાન ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્કની જૂની પોસ્ટ વાઇરલ થવા લાગી છે. આ પોસ્ટમાં મસ્કે એચ-૧બી વિઝા સિસ્ટમની તરફેણ કરી હતી. અગાઉ સોશિયલ મીડિયા પરના જબરજસ્ત સંવાદમાં મસ્કે જણાવ્યું હતું કે આજે અમેરિકાનું ટેકનોલોજીમાં પ્રભુત્વ એચ-૧બી વિઝાના લીધે છે. આજે હું અને મારા જેવા કેટલાય લોકો અમેરિકામાં છે તેનું કારણ એચ-૧બી વિઝા છે. આજે મારા જેવા ઘણા લોકો અમેરિકામાં આવીને ઉદ્યોગસાહસિક બન્યા છે. તેથી આ પ્રકારના કૌશલ્યસભર ઇમિગ્રટન્સ અમેરિકા માટે જરુરી છે, આ ઇમિગ્રન્ટ્સ આવશે તો જ અમેરિકા તેની સ્પર્ધાત્મક ધાર જાળવી રાખી શકશે. મસ્કની આ પોસ્ટ ત્રે આવી છે જ્યારે ટ્રમ્પે એચ-૧બી વિઝા ફીમાં જંગી વધારો કરીને વિદેશી કામદારોનું આગમન લગભગ અશક્ય બનાવી દીધું છે.
યુકે વિઝા ફી માફી દ્વારા વૈશ્વિક પ્રતિભાને આકર્ષશે
લંડન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પ વિદેશી કામદારો માટે દરવાજા બંધ કરી રહ્યા છે ત્યારે યુકે સરકાર વૈશ્વિક પ્રતિભાને આકર્ષવા સજ્જ બની છે. તેમાં વિશ્વના ટોચના સાયન્સ અને ટેક ટેલેન્ટ માટે વિઝા ફી માફીનો પણ સમાવેસ થાય છે. યુકે.માં આ વર્ષે લોન્ચ કરવામા આવેલા ૫.૪ કરોડ ગ્લોબલ ટેલેન્ટ ફંડનું કામ સંભાળતી ગ્લોબલ ટેલેન્ટ ટાસ્ક ફોર્સે આ ફંડને પુર્નજીવિત કર્યુ છે અને ભારતીયો સહિતના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોને આકર્ષવાનું શરૂ કર્યુ છે.
આ ટાસ્કફોર્સ વડાપ્રધાન કીર સ્ટારમેરને અને ચાન્સેલર રાશેલ રીવ્સને રિપોર્ટ કરે છે. તે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ હેઠળ કામ કરે છે. અખબારે સરકારી અધિકારીને ટાંકીને જણવાયું હતું કે અમે આ પ્રતિભાવંતો માટે વિઝા ખર્ચ શૂનય નજીક લઈ જવા માંગીએ છીએ. અમે વિશ્વની ટોચની પાંચ યુનિવર્સિટીમાં કામ કરનારા અથવા તો પ્રતિષ્ઠિત ઇનામ જીતનારાને આ પ્રકારનો વિઝા આપીશું. યુકેની ગ્લોબલ ટેલેન્ વિઝા સિસ્ટમ મોટાપાયા પર અમલદારશાહીનો ભોગ બનેલી છે. તેથી સ્ટારમેરે જુનમાં આ કામ ટાસ્ક ફોર્સને સોંપવુ પડયુ છે. યુકેના પીએમના બિઝનેસ એડવાઇઝર વરુણ ચંદ્ર અને પ્રધાન લોર્ડ પેટ્રિક વોલેન્સ તેના વડા છે.