Get The App

ચીને નવો 'બ્લેકઆઉટ બોમ્બ' તૈયાર કર્યો, આખા શહેરની વીજળી ઠપ કરી શકે તેવું ખતરનાક હથિયાર

Updated: Jul 1st, 2025

GS TEAM

Google News
Google News
ચીને નવો 'બ્લેકઆઉટ બોમ્બ' તૈયાર કર્યો, આખા શહેરની વીજળી ઠપ કરી શકે તેવું ખતરનાક હથિયાર 1 - image


China New blackout Bomb: ચીને હાલમાં જ એક નવા અને ખતરનાક હથિયારનો ખુલાસો કર્યો છે. 'બ્લેકઆઉટ બોમ્બ' તરીકે ઓળખાતું આ હથિયાર દુશ્મન દેશોનો વીજ પુરવઠો સંપૂર્ણપણે ઠપ કરવાની ક્ષમતા ધરાવે છે. આ બોમ્બને ચીનના સરકારી મીડિયા સીસીટીવીએ એક એનિમેટેડ વીડિયો મારફત વિશ્વ સમક્ષ રજૂ કર્યો છે. આવો જાણીએ આ રહસ્યમયી હથિયાર વિશે...

બ્લેકઆઉટ બોમ્બ શું છે?

ગ્રેફાઇટ બોમ્બ તરીકે ઓળખાતો બ્લેકઆઉટ બોમ્બ એવું ઘાતક હથિયાર છે જે કોઈપણ વિસ્ફોટ વિના દુશ્મન દેશની બત્તી ગુલ કરી શકે છે. આ બોમ્બ હાઇ વોલ્ટેજ વીજ લાઇન, ટ્રાન્સફોર્મર અને સબસ્ટેશનને ટાર્ગેટ બનાવે છે. જેમાં કાર્બન ફિલામેન્ટ્સનો ઉપયોગ થાય છે. જે વીજ સિસ્ટમમાં શોર્ટ સર્કિટ સર્જી આખા વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી શકે છે. 

10000 વર્ગમીટરમાં વીજ પુરવઠો ઠપ કરવાની ક્ષમતા

ચીનના મીડિયા અનુસાર, આ બોમ્બ 10000 વર્ગમીટર (2.5 એકર) ક્ષેત્રમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ઠપ કરવાની ક્ષમતા ધરાવે છે. જેને સોફ્ટ બોમ્બ તરીકે પણ ઓળખી શકાય. કારણકે, તે કોઈ ઇમારત કે લોકોને નુકસાન નથી પહોંચાડતું. તે માત્ર વીજ સિસ્ટમને ટાર્ગેટ બનાવે છે. જે જમીનથી લોન્ચ થતી મિસાઇલ રૂપે છોડવામાં આવે છે.

બ્લેકઆઉટ બોમ્બ આ રીતે થાય છે લોન્ચ

લોન્ચિંગઃ આ બોમ્બ કોઈપણ વાહનમાંથી લોન્ચ થઈ શકે છે. મિસાઇલ હવામાં ઉડીને પોતાના ટાર્ગેટ સુધી પહોંચે છે.

સબમ્યુનિશન રીલિઝઃ મિસાઇલ પોતાના લક્ષ્યથી ઉપર પહોંચવા માટે 90 નાના સિલિન્ડર જેવા સબમ્યુનિશન છોડે છે. 

કાર્બન ફિલામેન્ટ્સનો ફેલાવોઃ આ સિલિન્ડર જમીન પર પડતાં પહેલાં જ હવામાં ફૂટે છે. જેમાંથી હજારો કાર્બન ફિલામેન્ટ્સ મુક્ત થાય છે. આ ફિલામેન્ટ્સ રાસાયણિક પ્રક્રિયા સાથે તૈયાર થાય છે.

શોર્ટ-સર્કિટઃ આ કાર્બન ફિલામેન્ટ્સ વીજની હાઇ વોલ્ટેજ લાઇન અને ઉપકરણો પર પડે છે. જેનાથી શોર્ટ-સર્કિટ થાય છે. જેનાથી વીજ સિસ્ટમ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. 

આ બોમ્બની રેન્જ 290 કિમીની છે. તેના વૉરહેડનું વજન 490 કિગ્રા છે. સૈન્ય સબસ્ટેશન અને અન્ય મહત્ત્વપૂર્ણ વીજ ઢાંચાને ટાર્ગેટ બનાવે છે. 

હથિયારનું મહત્ત્વ

આ બ્લેકઆઉટ બોમ્બ આધુનિક યુદ્ધની રણનીતિને બદલી શકે છે. આજના યુદ્ધમાં વીજ અને સંચાર સિસ્ટમ અત્યંત  મહત્ત્વપૂર્ણ છે. જો કોઈ દેશનો વીજ પુરવઠો ઠપ થઈ જાય તો તેની તમામ સિસ્ટમ પ્રભાવિત થઈ શકે છે. આ બોમ્બનો ઉપયોગ જાનહાનિ વિના જ દુશ્મનને તોડી પાડવા માટે મહત્ત્વનો છે. ચીનનું આ હથિયાર તાઇવાન, અમેરિકા સહિત અન્ય પ્રતિસ્પર્ધી દેશો માટે મોટા જોખમ સમાન છે.  

Tags :