ચીનની મેગલેવ અજાયબી, 600 કિ.મી.ની ઝડપે રેલવે પ્રવાસ થશે
- ફ્લાઈટથી ફાસ્ટ, બેઈજિંગથી શાંઘાઈ 150 મિનિટમાં
- મેગલેવ ટેકનોલોજીમાં ટ્રેન ટ્રેકથી અધ્ધર ચાલતી હોવાથી ઘર્ષણ નથી થતું અને અવાજ રહિત પ્રવાસ મળે છે
- ચીનમાં મેગલેવ ટ્રેનની પ્રથમ ચકાસણી 2023માં થઈ હતી, 2025ના અંત સુધી પૂર્ણ ટ્રેક તૈયાર થવાની અપેક્ષા
બેઈજિંગ : ચીન પ્રતિ કલાક ૬૦૦ કિ.મી. સુધીની ગતિ માટે સક્ષમ નવીનતમ ચુંબકીય લેવિટેશન (મેગલેવ) ટેકનોલોજીથી રેલ્વે મુસાફરીમાં ક્રાંતિ લાવી રહ્યું છે. ૧૭માં મોડર્ન રેલવે પ્રદર્શન ખાતે ખુલ્લી મુકાયેલી આ સુપરફાસ્ટ ટ્રેન માત્ર સાત સેકન્ડમાં શૂન્યથી ૬૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી શકે છે, જેનાથી હાલ બેઈજિંગથી શાંઘાઈની સાડાપાંચ કલાકની મુસાફરી માત્ર અઢી કલાકમાં થઈ શકે. આ ઝડપ કોઈપણ કમર્શિયલ ફ્લાઈટ કરતા વધુ છે. ઉપરાંત આ ટ્રેન ડ્રાઈવર રહિત હશે.
મેગલેવ ટેકનોલોજીમાં ટ્રેનને ટ્રેકથી ઊંચે લાવવા વિરોધી ચૂંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરે છે જેના પરિણામે ટ્રેન અને ટ્રેક વચ્ચે કોઈ ઘર્ષણ નથી થતું. પરિણામે પરંપરાગત રેલવે પદ્ધતિની સરખામણીએ શાંત, સરળ અને ઝડપી ગતિ મળે છે. હુબેઈ પ્રાંતમાં ડોન્ઘુ લેબોરેટરી ખાતે જૂન મહિનામાં થયેલી ટ્રાયલમાં ૧.૧ ટન મેગલેવ પ્રોટોટાઈપે ૧,૯૬૮ ફીટના ટ્રેક પર સાત સેકન્ડથી ઓછા સમયમાં ૬૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી હતી. નોંધનીય છે કે અગાઉ ૨૦૨૩માં વેક્યુમ ટયુબમાં થયેલી ચકાસણી મેગલેવ ટ્રેને પેસેન્જર જેટ સમાન ૬૨૦ કિલોમીટરની ઝડપ હાંસલ કરી હતી .
આ પ્રગતિઓ ઉચ્ચ-તાપમાનના સુપરકન્ડક્ટિંગ લેવિટેશન દ્વારા શક્ય બનાવવામાં આવી છે, જે લગભગ ઘર્ષણ વિનાની અને અવાજરહિત મુસાફરી સંભવ બનાવે છે. ડોન્ઘુ લેબોરેટરીના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, ૨૦૨૫ ના અંત સુધીમાં સંપૂર્ણ હાઈ-સ્પીડ ટ્રેક પૂર્ણ થવાની અપેક્ષા હોવાથી આ ટેકનોલોજીની ક્ષમતા અપાર છે. શરૂઆતમાં આ ટ્રેનો માત્ર મોટા શહેરો વચ્ચે જ દોડાવવામાં આવશે.
ચાઈના રેલવે રોલિંગ સ્ટોક કોર્પોરેશન (સીઆરઆરસી) દ્વારા વિકસાવવામાં આવેલી મેગલેવ ટ્રેનનો હવા સાથે પ્રતિરોધ ઓછો કરવા તેની બોડીનો આગળનો હિસ્સો અણીદાર હોય છે. તેના આધુનિક આંતરિક ભાગમાં વિશાળ કેબિનો અને મોટા ડિજિટલ સ્ક્રીન, ૫ જી ઈન્ટરનેટ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે એવી જાણકારી કોર્પોરેશનના પ્રવક્તાએ આપી હતી.
ઉલ્લેખનીય છે કે ચીનમાં પ્રથમ મેગલેવ લાઈન ૨૦૦૩માં શરૂ થઈ હતી. આ લાઈન શાંઘાઈ પુડોંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને શહેર સાથે જોડતી હતી. એનું નિર્માણ જર્મનીએ કર્યું હતું. ચીને ૨૦૧૬માં ચાંગ્શામાં પોતાની પ્રથમ ઘરેલુ લાઈન શરૂ કરી. બેઈજિંગે ૨૦૧૭માં એક મેગલેવ લાઈન શરૂ કરી. જો એ આ બંને લાઈનો ઓછી સ્પીડની ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની છે.
ચીનનું હાઈ-સ્પીડ રેલ નેટવર્ક અત્યંત વિશાળ છે. ગયા વર્ષના અંત સુધીમાં તેનું હાઈ-સ્પીડ રેલ નેટવર્ક ૪૮ હજાર કિલોમીટર હતું જે આ વર્ષે પચાસ હજાર કિલોમીટર સુધી પહોંચવાની અપેક્ષા છે. આ વિશ્વનું સૌથી વિશાળ નેટવર્ક છે.