કીમ-જોંગ-ઉન પ્યોંગયાંગ પહોંચતા જ ચીનના વિદેશમંત્રી રશિયા પહોંચ્યા : પશ્ચિમની ઊંઘ ઉડી ગઈ છે
- યુક્રેન યુદ્ધની આડમાં કોઈ ગુપ્ત યોજના ચાલે છે ?
- 50 વર્ષ જૂની રશિયા, ઉ. કોરિયા અને ચીનની ત્રેખડ દુનિયાભર માટે ભયાવહ બની રહે તેમ છે
નવી દિલ્હી : ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ ઉન રશિયાથી પરત પ્યોંગ્યાંગ પહોંચતા જ બીજા દીવસે ચીનના વિદેશમંત્રી વોંગ-યી આજે (સોમવારે) રશિયાની ૪ દિવસની મુલાકાતે પહોંચી ગયા છે. તેઓ રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ સાથે યુક્રેન યુદ્ધ વિષે ચર્ચા કરશે. સાથે બંને દેશો વચ્ચેના સંબંધો ગાઢ બનાવવા ચર્ચા કરસે. તેઓ ૧૮થી ૨૧ સપ્ટેમ્બર સુધી રશિયાની મુલાકાતે હશે.
ગત સપ્તાહે રશિયાના વિદેશ મંત્રાલયે પ્રસિદ્ધ કરેલા એક નિવેદન પ્રમાણે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સહયોગના વ્યાપક મુદ્દાઓ ઉપર ચર્ચા થવા સંભવ છે. ચીનના વિદેશ મંત્રીની આ મુલાકાત પુતિનની સંભવિત બૈજિંગ મુલાકાત પૂર્વે યોજાઈ રહી છે. મહત્ત્વની વાત તો તે છે કે ચીનના વિદેશમંત્રી વાંગ યીની આ મુલાકાત ઉત્તર કોરિયાના સરમુખત્યાર સાથેની પુતિનની મંત્રણા પછીના તુર્તના જ દિવસે યોજાઈ છે તેથી પશ્ચિમની ઉંઘ ઉડી ગઈ છે. તેને ચિંતા છે કે યુક્રેન યુદ્ધની આડમાં કોઈ 'ગુપ્ત યોજના' પણ ચાલતી હશે ?
અમેરિકાએ તો પહેલેથી જ કહી દીધું હતું કે પુતિન અને કીમની મુલાકાત પછી પ્યોંગ્યાંગ મોસ્કોને શસ્ત્ર સરંજામની આપૂર્તિ કરી શકે છે. રશિયામાં કીમ- જોંગ ઉનનું 'રેડ કાર્પેટ'થી સ્વાગત કરાયું હતું. તેઓને ભવ્ય વિદાય પણ આપવામાં આવી હતી. વિદાય લેતા પહેલા કીમે રશિયાના કેટલાય લશ્કરી મથકોની મુલાકાત લીધી હતી. તેથી પશ્ચિમની ચિંતા વધી ગઈ છે હવે ચીનના વિદેશમંત્રી પણ રશિયાની મુલાકાતે છે તેથી પશ્ચિમના દેશોને ખાસ કરીને અમેરિકાને તે આશંકા જાય છે કે યુક્રેન યુદ્ધની આડમાં કોઈ ગુપ્ત ચાલ તો ચાલતી નહીં હોય ? જો આમ બને તો, ફરી એક વખત દુનિયાની મહાસત્તાઓ વચ્ચે તણાવ ઉભો થઈ શકે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછીના 'આયર્ન કર્ટન' જેવી પરિસ્થિતિ પણ ઉભી થઈ શકે.
જો કે, થોડા દિવસો પૂર્વે જ ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુવિયાન સાથે માલ્ટામાં બે દિવસ સુધી મંત્રણા કરી હતી અને વિશ્વની બે આર્થિક મહાસત્તાઓના પ્રમુખો જો બાયડન અને શી જીનપિંગ વચ્ચે નવેમ્બરમાં યોજાનારી બેઠક માટે રસ્તો સરળ કરવા પ્રયત્ન કર્યો હતો.
ગત માર્ચમાં મોસ્કોની મુલાકાતે ગયેલા શી જિનપિંગે પુતિનને ઓક્ટોબરમાં ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશ્યેટિવ ફોરમમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હોવાનું કહેવાય છે. આ પૂર્વે પણ પુતિન ૨૦૧૭ અને ૨૦૧૯માં તે ફોરમમાં ભાગ લેવા ગયા હતા.
યુક્રેનના હજ્જારો બાળકોને નિર્વાસિત કરવાના આરોપસર પુતિન ઉપર આંતરરાષ્ટ્રીય વૉરન્ટ છે પરંતુ તેની બૈજિંગમાં કોઈ અસર થવા સંભવ નથી.
૧૯૫૦થી ૧૯૫૩ સુધી ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે યુદ્ધ થયું હતું. તે કોરિયન યુદ્ધ તરીકે જાણીતું છે ચીને ઉ. કોરિયને ટેકો આપ્યો હતો. જ્યારે અમેરિકા સહિત પશ્ચિમના રાષ્ટ્રો દ. કોરિયાને ટેકો આપતા હતા. ૧૯૧૦થી ૧૯૪૫ સુધી જાપાનનો સમગ્ર કોરિયન પેનિસ્યુલા ઉપર કબજો હતો. ૧૯૪૫માં જાપાનના પરાજય પછી માલ્ટા સંમેલનમાં કોરિયા તથા ૪ દેશોએ પ્રભુત્વ રાખવું તેવા કરારો પણ થયા છતાં તે સમયના સોવિયેત સંઘે ઉ. કોરિયા ઉપર આક્રમણકારી ઉ. કોરિયા ઉપર કબજો જમાવ્યો છેવટે યુનોના નેતૃત્વ નીચે ભારતના જન. થિમૈય્યાના નેતૃત્વમાં શાંતિ સેના સ્થપાઈ ત્યારે પંડિત જવાહરલાલ નેહરૂએ ૩૮ પેરેલલ (૩૮ અક્ષાંશ) વિભાજન રેખા રાખવા કહ્યું ત્યારથી તે બંને વચ્ચેની સત્તાવાર સીમા બની રહી છે. ૧૯૫૩માં આખરે અમેરિકા કોરિયાઇ પીપલ્સ આર્મી અને ચીનનાં પીપલ્સ આર્મી વચ્ચે યુદ્ધ વિરામ સંધિ થઈ.