અમેરિકાને ચીનનો તમાચો કોઈની ધમકીથી ડરતું નથી, અટકાવવું અશક્ય : જિનપિંગ
- ચીને 80મી વિક્ટરી પરેડમાં શક્તિપ્રદર્શન કરીને વિશ્વને ચોંકાવ્યું
- પરેડ સમયે જિનપિંગની બાજુમાં પુતિન અને કિમ જોંગ ઉભા હતા : ચીનના પ્રમુખે હજારો સૈનિકો અને આધુનિક શસ્ત્રો સાથેની પરેડની સલામી લીધી
બૈજિંગ : અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ટેરિફ વડે આખા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ચીને તેના ટેરિફનો જવાબ પાવર પોલિટિક્સથી આપ્યો છે. ચીનની વિક્ટરી ડે પરેડમાં રશિયાના પ્રમુખ પુતિન સહિત કુલ ૨૬ દેશ હાજર રહ્યા હતા. આ બધા મુખ્યત્વે અમેરિકા વિરોધી દેશ હતા. ચીને વિક્ટરે ડે પરેડે અત્યાધુનિક શસ્ત્રો સાથે જબરદસ્ત તાકાતનું પ્રદર્શન કરીને રીતસરનો અમેરિકાને સંકેત આપ્યો કે ચીન કોઈની પણ ધમકીથી ડરતું નથી. તે કોઈના આગળ પણ ઝૂકશે નહીં અને સતત આગળ વધતુ રહેશે.
ચીને પશ્ચિમ અમેરિકા-યુરોપ સામે શાંઘાઈ કોઓપરેશનના નામે રીતસરની શાંઘાઈ ધરી જ રચી દીધી છે, જેને ગ્રેટ વોલ ઓફ ચાઇના કહી શકાય. આમ ચીને વિશ્વસ્તરે તે વધુ મોટી ભૂમિકા ભજવવા માટે સજ્જ છે તેવો સંકેત આપ્યો હતો. તેની સાથે વૈશ્વિક પ્રશ્નોમાં ચીનની અવગણના કરી નહીં શકાય તેવો સંદેશ પણ આપ્યો હતો.
અમેરિકા મહાસત્તા છે તો ચીન પણ અગાઉ ઇતિહાસમાં લગભગ દસ હજાર કિ.મી. લાંબી ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના આક્રમણખોરોથી બચવા રચી હતી. હવે તે જ પરિકલ્પનાના આધારે ચીને શાંઘાઈ કોઓપરેશન (એસસીઓ)ના નામે નવી અને અદ્રશ્ય ધ ગ્રેટ વોલ ઓફ ચાઇનાની રચના કરી છે.
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દરેક દેશોને ટેરિફને લઈને ધમકાવી રહ્યા છે તેની સામે જિનપિંગે જણાવ્યું હતંે કે ચીન ક્યારેય કોઈની ધમકીઓથી ડર્યું નથી અને હંમેશા આગળ વધતું રહ્યું છે. ચીન હંમેશા વૈશ્વિક શાંત, સુખ અને સમૃદ્ધિમાં તેનું મહત્ત્વનું પ્રદાન આપવાનું જારી રાખશે. જિનપિંગે જણાવ્યું હતું કે ચીનનો જાપાન સામેનો વિજય આધુનિક યુગનો અત્યંત મોટો વિજય છે. આખો દેશ શાસક કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાની આગેવાની હેઠળ એકત્રિત થયો અને વિદેશી આક્રમણખોરોને મારી ભગાવ્યા. ચીનના આ વિજયે એક મહાન સંસ્કૃતિને ટકાવી રાખવામાં અત્યંત મહત્ત્વની ભૂમિકા અદા કરી. તેના કારણે આજે વિશ્વમાં એક પ્રાચીન સાંસ્કૃતિક વિરાસત અસ્તિત્વ જાળવી શકી.
તેમણે જણાવ્યું હતું કે માનવી એક જ ગ્રહ પર રહે છે. તેથી આપણે મળીને કામ કરવું જોઈએ અને શાંતિથી રહેવું જોઈએ. આ વિશ્વ પાછુ જંગલ રાજમાં પરત ન જવું જોઈએ, જ્યાં નાના અને નબળા દેશોને મોટા દેશ ધમકાવતા રહે અને દાદાગીરી કરતાં રહે. આપણે શાંતિથી આગળ વધવાના રસ્તાનું પાલન કરવું જોઈએ અને વૈશ્વિક શાંતિ અને સૌહાર્દ સુનિશ્ચિત કરવો જોઈએ. તમણે જણાવ્યું હતું કે માનવતાએ શાંતિ કે યુદ્ધ, વાતચીત કે અથડામણ, બધા માટે ફાયદો કે નુકસાન વચ્ચેનો રસ્તો પસંદ કરવો પડશે.
જિનપિંગે પરેડ દરમિયાન નવી વૈશ્વિક વ્યવસ્થાની તરફેણ કરી હતી, જેના આગેવાન તરીકે પશ્ચિમ નહીં પૂર્વના દેશ હોય. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ચીન શાંતિપૂર્ણ વિકાસના રસ્તા પર કાયમ રહેશે. બધા દેશોએ એકબીજાનું ધ્યાન રાખવાની અને મદદ કરવાની જરૂર છે, જેથી યુદ્ધ જેવી બાબતોથી બચી શકાય.
આ પરેડના પ્રારંભ પૂર્વે શી જિનપિંગે ચીનનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ત્યારે તેને ૨૧ તોપની સલામી આપવામાં આવી હતી. પછી પરેડના પ્રારંભે પહેલા હજ્જારો સૈનિકોએ માર્ચ પાસ્ટ કરી હતી. તે પછી ચીનનાં આધુનિક શસ્ત્રો જેવા કે હાઇપર સોનિક મિસાઇલ્સ, આઇ.સી.બી.એ.સી. બી-૨ બોમ્બર જેવું સ્લીથ ડ્રોન આધુનિક આર્ટિયરી વગેરેનું પ્રદર્શન યોજાયું હતું.
પુતિન,જિનપિંગ, કિમ જોંગની વાતચીત વાયરલ
70 ભૂલી જાવ, 150 વર્ષ સુધી આરામથી જીવી શકીશું!
- ત્રણેય નેતાઓએ લાંબા આયુષ્ય પર કરેલી ચર્ચાની વાયરલ વાતને પુતિનનું સમર્થન
બૈજિંગ : ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ, રશિયાના પ્રમુખ પુતિન અને ઉત્તર કોરીયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનની હોટ માઇક વાતચીત સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે, તેમા ત્રણેય નેતાઓ ૧૫૦ વર્ષની ઉંમર સુધી જીવવાની વાત કરતાં સાંભળી શકાય છે. ચીનની લશ્કરી પરેડ દરમિયાન નેતા ટિયાનમેન ગેટ પર સમારંભ જોવા આગળ વધી રહ્યા હતા તે સમયે વાત કરી રહ્યા હતા. તેના પછી રશિયન પ્રમુખ પુતિને પણ આ પ્રકારની ચર્ચાને સમર્થન આપ્યું હતું. તેજા જિનપિંગ કહે છે કે પહેલાં લોકો ૭૦ વર્ષ માંડ જીવી શકતા હતા, હવેના સમયમાં ૭૦ની ઉંમર જાણે એક બાળપણ બની જશે.
તેના જવાબમાં પુતિને જણાવ્યું હતું કે બાયોટેકની સાથે વ્યક્તિના માનવ અંગોને ઘણી વખત બદલી શકાય છે. વ્યક્તિ અમર પણ થઈ શકે છે. જિનપિંગે આગળ જણાવ્યું હતું કે કેટલાક લોકોનું અનુમાન છે કે આ સદીમાં જ લોકો ૧૫૦ વર્ષનું આયુષ્ય ભોગવતા થઈ જશે. પુતિને પણ આ વાઇરલ થયેલીવ ાતચીતને સમર્થન આપ્યું છે અને જણાવ્યું હતું કે અમે ત્રણ નેતાઓએ આ વાત પર ચર્ચા કરી હતી.