- બલુચિસ્તાનના ટોચના નેતા મીર યારનો ભારતના વિદેશમંત્રીને પત્ર
- ભારત માટે જોખમી ચીન-પાકિસ્તાનનો બિઝનેસ કોરિડોર અંતિમ તબક્કામાં, ચીનનો પગપેસારો વધશે : મીર યાર
ઇસ્લામાબાદ : પાકિસ્તાનના કબજાવાળા બલુચિસ્તાનમાં ઉઠી રહેલો આઝાદીનો અવાજ દબાવવા માટે પાકિસ્તાન હવે ચીન સૈન્યની મદદ લેવા જઇ રહ્યું છે. એવા અહેવાલો છે કે પાકિસ્તાન ટૂંક સમયમાં બલુચિસ્તાનમાં ચીનના સૈનિકોને તૈનાત કરાવશે. પાકિસ્તાનનું આ પગલુ ભારત માટે પણ ખતરા સમાન માનવામાં આવે છે. આ ઉપરાંત પહેલાથી જ અત્યાચારોનો સામનો કરી રહેલા બલુચિસ્તાનના નાગરિકોની સ્થિતિ વધુ કફોડી બની શકે છે.
બલુચિસ્તાનના મોટા નેતા મીર યાર બલુચે ભારતના વિદેશમંત્રી એસ જયશંકરને પત્ર લખ્યો છે અને પાકિસ્તાનમાં ચીનના પગપેસારા અંગે ચેતવણી આપી હતી. આ પત્રમાં બલુચિસ્તાનના નેતાએ કહ્યું છે કે ચીન અને પાકિસ્તાન વચ્ચે વધી પહેલા સંબંધોને ભારતે ગંભીરતાથી લેવા જોઇએ. ચીન આગામી કેટલાક મહિનામાં જ બલુચિસ્તાનના વિસ્તારોમાં પોતાનું સૈન્ય તૈનાત કરવાની ફિરાકમાં છે તેનો ઉલ્લેખ પણ ભારતને લખેલા આ પત્રમાં બલુચિસ્તાનના નેતાએ કર્યો છે.
મીર યારે વિદેશમંત્રી એસ. જયશંકરને લખેલો આ પત્ર સોશિયલ મીડિયા પર પણ જાહેર કર્યો હતો. પત્રમાં તેમણે વધુમાં લખ્યું છે કે બલુચિસ્તાનના લોકો છેલ્લા ૭૯ વર્ષોથી પાકિસ્તાનના સરકારી કબજા, આતંકવાદ, માનવ અધિકારોનું ઘોર ઉલ્લંઘન સહિતના અનેક બોજ નીચે દબાયેલા છે. હવે સમય આવી ગયો છે કે વધી પહેલી આ બીમારીને મૂળમાંથી જ ખતમ કરી દેવામાં આવે. પત્રમાં મીર યાર બલૂચે વધુમાં કહ્યું હતું કે ચીન અને પાકિસ્તાન અને ચીન બહુ જ ઝડપથી પાકિસ્તાન ઇકોનોમિક કોરિડરના અંતિમ સ્ટેજ સુધી પહોંચવા આવ્યું છે. ટૂંક સમયમાં બલુચિસ્તાનના અનેક વિસ્તારોમાં ચીની સૈનિકોને તૈનાત કરવામાં આવી શકે છે.
પાકિસ્તાનને ઉખાડી ફેંકો, અમે તમારી સાથે છીએ : બલોચ નેતાની ભારતને અપીલ
ઇસ્લામાબાદ : બલુચિસ્તાનના નેતા મીર યારે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરને જે પત્ર લખ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે બલુચિસ્તાનના લોકો અનેક વર્ષોથી અત્યાચાર, આતંકવાદ વગેરે સહન કરી રહ્યા છે. હવે આ ગંભીર સમસ્યાઓને મૂળમાંથી જ ઉખાડી ફેંકવાનો સમય આવી ગયો છે કે જેથી બલુચિસ્તાનના લોકો માટે કાયમી શાંતિ સ્થાપિત થઇ શકે. તેમણે ભારતને અપીલ કરી હતી કે તે બલુચિસ્તાનને પાકિસ્તાનથી સ્વતંત્ર કરાવે અને પાકિસ્તાનના અત્યાચારોનો અંત લાવે. સાથે જ કહ્યું હતું કે આ લડાઇમાં બલુચિસ્તાન ભારતની સાથે છે.


