Oxford બાદ ચીનની વેક્સિન રહી સફળ, વધારે છે કોરોના સામે લડવાની શક્તિ
ચીનની વેક્સિનનું પહેલા તબક્કાની સરખામણીએ બીજા તબક્કામાં વધારે લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યું
બેઈજિંગ, તા. 21 જુલાઈ 2020, મંગળવાર
ચીનની કોરોના વાયરસ માટેની વેક્સિન પણ સફળતાના ઝંડા લહેરાવી રહી છે અને તે હ્યુમન ટ્રાયલના બીજા સ્ટેજમાં પણ સફળ રહી છે. વૈજ્ઞાનિકો અને ડોક્ટર્સે કરેલા દાવા પ્રમાણે આ વેક્સિન મનુષ્ય માટે સુરક્ષિત છે અને સાથે જ તે શરીરની ઈમ્યુન સિસ્ટમને વધુ મજબૂત બનાવે છે. વેક્સિન ટ્રાયલના બીજા ફેઝના પરિણામ ધ લૈંસેટ મેગેઝિનમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.
એક અહેવાલ પ્રમાણે ચીનની વેક્સિનનું પહેલા તબક્કાની સરખામણીએ બીજા તબક્કામાં વધારે લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યું હતું. ફેઝ-1માં આ વેક્સિનની 108 સ્વસ્થ લોકો પર ટ્રાયલ કરવામાં આવી હતી જ્યારે બીજા ફેઝમાં આ વેક્સિનની 508 લોકો પર ટ્રાયલ લેવામાં આવી છે. ચીનના જિયાંશુ પ્રોવિંશિયલ સેન્ટર ફોર ડીસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના પ્રોફેસર ફેંગકાઈ ઝૂના કહેવા પ્રમાણે આ 508 લોકોમાં તેમણે 18થી લઈને 55 વર્ષથી વધારે ઉંમર ધરાવતા લોકોને સામેલ કર્યા હતા. તે ફેઝ-1ની ટ્રાયલ કરતા પાંચ ગણો મોટો ફેઝ હતો.
ચીનની વેક્સિન Ad5ની ટ્રાયલ વુહાન શહેરમાં કરવામાં આવી હતી અને તમામ વયજૂથના લોકોના સમૂહ પર તેની અસર નોંધવામાં આવી હતી. તપાસ દરમિયાન તે વેક્સિન દરેક ઉંમરના કોરોના દર્દીઓ માટે લાભકારી હોવાનું જાણવા મળ્યું હતું.
બેઈજિંગ ઈન્સ્ટિટ્યુટ ઓફ બાયોટેક્નોલોજીના પ્રોફેસર વેઈ ચેનના કહેવા પ્રમાણે કોરોનાનું સૌથી વધારે જોખમ વૃદ્ધ લોકોને છે પરંતુ અમારી વેક્સિન બીજા ફેઝમાં ખૂબ સારા પરિણામ લાવી છે. તેના કારણે અનેક વૃદ્ધ સાજા થઈ ગયા હતા અને તમામ લોકોના શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થયો હતો.
ઉલ્લેખનીય છે કે હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વેક્સિન બનાવવા હોડ ચાલી રહી છે. આ વેક્સિનને લઈ સૌથી વધારે કામ અને ટ્રાયલ ચીનમાં ચાલી રહ્યા છે. આ બધા વચ્ચે બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સિન ChAdOx1 nCoV-19એ પોતાની સફળતાનો ઝંડો લહેરાવી દીધો છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ 1,000 સ્વસ્થ લોકો પર તેની ટ્રાયલ લીધી હતી જે સફળ રહી હતી. ChAdOx1 nCoV-19 વેક્સિનથી મનુષ્યના શરીરમાં રહેલા કોરોના વાયરસનો ખાત્મો બોલ્યો હતો અને સાથે જ તેના સામે લડવા માટે શરીરની અંદર પ્રતિકારક T Cellનું સર્જન પણ થયું હતું.
ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કરેલા દાવા પ્રમાણે જો 14 દિવસ સુધી ChAdOx1 nCoV-19નો ડોઝ આપવામાં આવે તો 28 દિવસની અંદર મનુષ્યના શરીરમાં કોરોના વાયરસને હરાવવા અને સંઘર્ષ કરવા એન્ટીબોડી બનવા લાગે છે.
જો કે આટલા દેશોના મજબૂત દાવાઓ બાદ પણ એ કહેવું ઉતાવળ જ ગણાશે કે કઈ વેક્સિન અસરકારક રહેશે કારણ કે હજુ પણ અનેક વેક્સિનને લઈ હ્યુમન ટ્રાયલ ચાલી રહી છે જેના પરિણામો આવવાના બાકી છે.