Get The App

ભારત-પાક. સંઘર્ષને ચીને પોતાના હથિયારોનું ટેસ્ટિંગ ગ્રાઉન્ડ બનાવ્યું હતું

Updated: Nov 23rd, 2025

GS TEAM

Google News
Google News
ભારત-પાક. સંઘર્ષને ચીને પોતાના હથિયારોનું ટેસ્ટિંગ ગ્રાઉન્ડ બનાવ્યું હતું 1 - image

- અમેરિકા-ચીન આર્થિક અને સુરક્ષા સમીક્ષા પંચના રિપોર્ટમાં ઘટસ્ફોટ

- ચીનના હથિયારો એચક્યુ-ડિફેન્સ સિસ્ટમ, જે-10 જેટ, પીએલ-15 મિસાઈલનો વાસ્તવિક યુદ્ધમાં પહેલી વખત ઉપયોગ કરાયો

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર દુનિયામાં સૌથી વધુ ૫૦ ટકા ટેરિફ નાંખતા ભારત અને અમેરિકાના સંબંધો કથળ્યા છે, જેના પગલે ભારત અને ચીન નજીક આવી રહ્યા છે. આ અહેવાલો વચ્ચે અમેરિકન આયોગના વાર્ષિક રિપોર્ટમાં દાવો કરાયો છે કે મે મહિનામાં ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષનો ચીને પોતાના હથિયારોના ટેસ્ટિંગ ગ્રાઉન્ડ તરીકે તકવાદી ઉપયોગ કર્યો હતો. આ સમયે ચીને પાકિસ્તાનને હથિયારો અને ગુપ્ત બાતમીઓ પૂરી પાડવા સાથે રાફેલને બદનામ કરવા અભિયાન પણ ચલાવ્યું હતું. ચીને આ સંઘર્ષનો ફાયદો પોતાના હથિયારોની તાકાત બતાવવા કર્યો હતો. અમેરિકાના આ રિપોર્ટથી હોબાળો મચી ગયો છે. 

અમેરિકન કોંગ્રેસની બે સભ્યોની સમિતિ અમેરિકા-ચીન આર્થિક અને સુરક્ષા સમીક્ષા પંચે તેનો વાર્ષિક અહેવાલ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે ચીને ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસના સંઘર્ષનો એક લાઈવ ટેસ્ટિંગ મેદાન તરીકે ઉપયોગ કર્યો હતો. આ સંઘર્ષમાંથી ચીનને તેના હથિયારો અંગે યુદ્ધના સમયની સ્થિતિનો વાસ્તવિક ડેટા મળ્યો હતો. એટલું જ નહીં તેણે આ ડેટા અને પાકિસ્તાને ભારત વિરુદ્ધ તેના હથિયારોના કરેલા ઉપયોગને આધાર બનાવીને પોતાના હથિયારો દુનિયામાં વેચવાનો પ્રચાર કર્યો.

અમેરિકન રિપોર્ટ મુજબ ચીને આ સંઘર્ષનો લાભ ઉઠાવ્યો, જેથી પોતાના હથિયારોની તાકાત અને વિશ્વસનીયતાનું પરિક્ષણ અને જાહેરાત કરી શકે. આ ડેટા ભારત સાથે ચીનના સરહદ વિવાદ અને તેની વધતી સંરક્ષણ ઉદ્યોગની મહત્વાકાંક્ષા માટે ઉપયોગી હતો. રિપોર્ટ મુજબ દુનિયામાં પહેલી વખત ચીનના અત્યાધુનિક હથિયારો એચક્યુ-૯ એર ડિફેન્સ સિસ્ટમ, પીએલ-૧૫ એર-ટુ-એર મિસાઈલ અને જે-૧૦ ફાઈટર જેટનો વાસ્તવિક યુદ્ધમાં ઉપયોગ કરાયો. તેનાથી ચીનને આ હથિયારોનું વાસ્તવિક પરીક્ષણ કરવાની તક મળી.

રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતના ઓપરેશન સિંદૂર પછી તુરત જ જૂન ૨૦૨૫માં ચીને પાકિસ્તાનને તેના પાંચમી પેઢીના જે-૩૫ ફાઈટર જેટ, કેજે-૫૦૦ વિમાન અને બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ વેચવાનો પ્રસ્તાવ કર્યો હતો. આ સંઘર્ષ પછી દુનિયાભરમાં ચીનના દુતાવાસોએ જાહેરરૂપે પોતાના હથિયારોની સફળતાનો પ્રચાર કર્યો. તેઓ કહેતા હતા કે ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં ચીનના હથિયારોએ સારો દેખાવ કર્યો હતો. તેનાથી ચીને પોતાના હથિયારોનું વેચાણ વધારવા પ્રયત્ન કર્યો હતો.

અમેરિકન રિપોર્ટમાં કહેવાયું છે કે ચીને ભારત-પાકિસ્તાન સંઘર્ષ પછી ફ્રાન્સના રાફેલ ફાઈટર જેટને બદનામ કરવા માટે અભિયાન પણ ચલાવાયું. ફ્રાન્સની ગુપ્તચર એજન્સીઓની માહિતી મુજબ ચીને તેના જે-૩૫ની તરફેણમાં ફ્રાન્સના રાફેલના વેચાણમાં અવરોધો ઊભા કરવા માટે દુષ્પ્રચાર કરવામાં આવ્યો હતો. ચીને નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો ઉપયોગ કરી એઆઈ અને વીડિયો ગેમની તસવીરો બનાવાઈ હતી અને તેને ચીનના હથિયારો દ્વારા નાશ કરાયેલા રાફેલના કાટમાળ તરીકે દર્શાવાયા હતા. ચીનના દૂતાવાસે ઈન્ડોનેશિયા અને ફ્રાન્સ વચ્ચે રાફેલ જેટની ખરીદીમાં અવરોધ ઊભા કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો.

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાની આતંકીઓએ હિન્દુઓના નામ પૂછીને તેમની હત્યા કરી હતી. આ આતંકી હુમલાનો બદલો લેવા ભારતે હાથ ધરેલા ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના આતંકી સ્થળોનો નાશ કર્યો હતો અને પાકિસ્તાનના ૧૧ એરબેઝને ભારે નુકસાન પહોંચાડયું હતું. આ ઘટનાને છ મહિના થવા છતાં ઓપરેશન સિંદૂરની હજુ પણ ચર્ચા થઈ રહી છે.