ભારત અંગે ચીનનું મોટું નિવેદન, કહ્યું- 'ડ્રેગન અને હાથીને એકબીજાનો સહયોગ કરવો એ બંને માટે યોગ્ય વિકલ્પ'
![]() |
India-China Relations: ભારત અને ચીન ગલવાન હિંસાના પાંચ વર્ષથી વધુ સમય બાદ લોકલ લેવલ પર બનેલી વસ્તુઓના સરહદ વ્યાપારને ફરીથી શરૂ કરવા પર ચર્ચા કરી રહ્યા છે. આ બંને દેશ એશિયાઈ પાડોશીઓ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવને ઓછો કરવાના પ્રયાસમાં પગલાં ભરી રહ્યા છે. ત્યારે હવે ભારત સાથે સહયોગ પર ગુરૂવારે ચીનના વિદેશ મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું કે, ચીન અને ભારત બંને મોટા વિકાસશીલ દેશ છે અને ગ્લોબલ સાઉથના મહત્ત્વના સભ્ય છે. ભાગીદારી બંને દેશો માટે સાચો રસ્તો છે.'
તેમણે કહ્યું કે, ડ્રેગન (ચીન) અને હાથી (ભારત)ના એકબીજાની સફળતામાં સહયોગી બનીને સહયોગ કરવો બંને પક્ષો માટે યોગ્ય વિકલ્પ છે. લિન જિયાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને અમેરિકાના સંબંધોમાં હાલમાં કેટલાક મતભેદો અને પડકારો જોવા મળ્યા છે.
લિન જિયાને કહ્યું કે, ચીન, બંને દેશોના નેતાઓ વચ્ચે મહત્ત્વની સહમતિઓને અમલમાં લાવવા માટે ભારતની સાથે મળીને કામ કરવા માટે તૈયાર છે. જે હેઠળ રાજનીતિક ભરોસો વધારવો, આપસી સંવાદ અને સહયોગને વિસ્તાર આપવો, મોટા હિતોને ધ્યાનમાં રાખતા મતભેદોને ઉકેલવા અને શંઘાઈ સહયોગ સંગઠન(SCO) જેવા બહુપક્ષીય મંચો પર સમન્વયને મજબૂત કરવો સામેલ છે. લિન જિયાનના અનુસાર, આ સહયોગથી ચીન-ભારત સંબંધોના સ્વસ્થ અને સ્થિર વિકાસને પ્રોત્સાહન મળશે.
ચીન જશે વડાપ્રધાન મોદી
જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદી 31 ઓગસ્ટના રોજ તિયાનજિનમાં થનારા શંઘાઈ સહયોગ સંગઠન(SCO) શિખર સંમેલનમાં ભાગ લેવા માટે 7 વર્ષ બાદ પહેલીવાર ચીન જશે. આ દરમિયાન ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાતની સંભાવના પણ વ્યક્ત કરાઈ રહી છે.
ચીને કર્યું વડાપ્રધાન મોદીનું વેલકમ
ત્યારે, ચીને ગત અઠવાડિયે વડાપ્રધાન મોદીના પ્રવાસનું સ્વાગત કર્યું હતું. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને કહ્યું હતું કે, અમને વિશ્વાસ છે કે તમામ પક્ષોના સામૂહિક પ્રયાસથી તિયાનજિન શિખર સંમેલન એકજુટતા, મિત્રતા અને સારા પરિણામોનું પ્રતિક બનશે અને SCO ઉચ્ચ ગુણવત્તાવાળા વિકાસ માટે નવા ચરણમાં પ્રવેશ કરશે.