રશિયા નિકળી જતા જી-8 બન્યું હતું જી-7, રશિયા સાથે ચીનને પણ ગ્રુપમાં જોડવું જોઇએ- ટ્રમ્પ

ન્યૂયોર્ક,૧૭ જૂન,૨૦૨૫,મંગળવાર
રશિયા અને અમેરિકા એક એવી બે મહાસત્તાઓ જે ભાગ્યે જ કોઇ વાત પર એકમત હોય છે. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જી-૭ દેશોની બેઠકમાં રશિયાને લઇને જે વાત કરી તેનાથી રશિયા સહમત થયું છે. ટ્રમ્પે કહયું હતું કે આ સમૂહમાંથી રશિયાને કાઢી મુકવું એક ભૂલ હતી. રશિયા સાથે હોતતો અત્યારે યુધ્ધ ચાલતું હોત નથી. જો ચાર વર્ષ પહેલા રાષ્ટ્રપતિ હોતતો યુધ્ધ થયું હોત નહી.
ટ્રમ્પની આ વાતને રશિયાએ સહમતિ આપતી પ્રતિક્રિયા વ્યકત કરી છે. રશિયાનું માનવું છે કે આ સમૂહ રશિયા માટે પોતાની વ્યહવારિક અહમિયત ખોઇ ચુક્યો છે. જી ૭ કોઇ જ કામનું રહયું નથી. અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૧૪માં દેશોના સમૂહે રશિયાને ગુ્રપમાંથી બહાર કાઢયું ત્યારે પણ રોષ પ્રગટ કર્યો હતો. રશિયા જોડાયેલું હતું ત્યારે આ સમૂહ જી -૮ ના નામથી ઓળખાતો હતો. એક નામ કમી થતા જી -૭ બન્યું છે. એ સમયે અમેરિકાના તત્કાલિન પ્રેસિડેન્ટ બરાક ઓબામા અને કેનેડાના પૂર્વ પ્રધાનમંત્રી જસ્ટ્રિન ટ્રુડો રશિયાને જી-૮ માં જોડાયેલું રાખવાનો વિરોધ કરતા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર રશિયાએ ક્રિમિયા પર આક્રમણ કરીને પચાવી પાડતા જી -૮ દેશોમાંથી તે પાણીચૂ આપવામાં આવ્યું હતું. ટ્રમ્પ માને છે કે ચીન પણ જો જી -૭ સમૂહનું ભાગીદાર બની જાયતો કોઇ જ વાંધો નથી. હાલમાં ઇરાન-ઇઝરાયલના યુધ્ધના માહોલ વચ્ચે જી -૭ની બેઠક કેનેડા ખાતે યોજાઇ રહી છે ત્યારે તેમાં થનારા નિવેદનોનું મહત્વ ખૂબ વધી જાય છે.









