ફિલિપાઇન્સ તરફ ચીને 14 યુદ્ધ જહાજો અને ઘાતક ડ્રોન મોકલ્યા : ફિલિપાઇન્સ હાઇ એલર્ટ પર

- અમેરિકાને જ ખુલ્લો પડકાર
- સેકન્ડ થોમસ શૉલદ ચીન સમુદ્રમાં આવેલુ છે તે ફિલિપાઇન્સના વિશેષ આર્થિક ક્ષેત્રમાં છે છતાં ચીન તેની ઉપર દાવો કરે છે
મનીલા : એવું લાગે છે કે, ભારતના લડાખ, દોમયાક કે અરૂણાચલ પ્રદેશમાં પોતે નહીં ફાવે તેમ લાગવાથી ચીને ભારત સાથે સમજૂતી કરવાની તૈયારી દર્શાવી છે. પરંતુ ડ્રેગન મુળભૂત રીતે વિસ્તારવાદી હોવાથી હવે ફિલિપાઇન્સ ઉપર નજર માંડી છે. ફિલિપાઇન્સના વિશેષ આર્થિક ક્ષેત્રના ૨૦૦ નોટિકલ માઇલની અંદર ૧૫૦ નોટિકલ માઇલ સુધીમાં આવેલી સેકન્ડ થોમસ શૉલ પર તેની નજર છે. ફિલિપાઇન્સને ડરાવવા તેણે બે ચાર નહીં ૧૪-૧૪ યુદ્ધ જહાજો અને અનેક ડ્રોન્સથી ફિલિપાઇન્સને ડરાવવાનું શરૂ કર્યું છે.
અત્યારે શૉલ (છીછરા જળ)માં ફિલિપાઇન્સનું યુદ્ધ જહાજ બીઆરપીસિએરા લાંગરીને રહેલું છે. તેને દૂર કરવા ડ્રેગને હુકમ કર્યો છે. પરંતુ ફિલિપાઇન્સ મચક આપતું નથી. આ સાથે ફિલિપાઇન્સે તેની સેના, નૌસેના અને વાયુસેનાને હાઈ એલર્ટ પર મુકી દીધા છે. બીજા બે યુદ્ધ જહાજો પણ મોકલ્યા છે.
આ સેકન્ડ થોમસ શોલ વાસ્તવમાં ફિલિપાઇન્સની જ પ્રભુસત્તામાં છે. ૧૯૯૯માં તેણે તેનાં યુદ્ધ જહાજ બી.આર.પી. સિએરા-માદ્રે તથા બીજા બે જહાજો કાર્યરત રાખ્યા છે. તેનાં નૌકાદળના પ્રવકતા, રીયર એડમિરલ રૉય ત્રિનિદાદે એસોસિએટેડ પ્રેસને ફોન પર જણાવ્યું કે : તેમની (ચીનની) કાર્યવાહી ચિંતાજનક છે. ચીને યુદ્ધ જહાજોની સંખ્યા વધારી છે. પરંતુ અમે અમારા સાર્વભૌમત્વનું રક્ષણ કરીશું જ.
બીજી તરફ ચીન બહુ મોટી યોજના ઘડી રહ્યું હોય તેમ લાગે છે. તેણે સમુદ્રમાં યુદ્ધભ્યાસ શરૂ કરી દીધો છે. સમુદ્રમાં પાણીના ધોધ છોડે છે. તેનાં તટરક્ષક દળના જહાજો પર હથિયારબંધ સૈનિકો દેખાય છે.
નિરીક્ષકો કહે છે કે, ચીને આ રીતે અમેરિકાને જ સીધો પડકાર આપ્યો છે. કારણ કે અમેરિકા અને ફિલિપાઇન્સ વચ્ચે સંરક્ષણ કરારો છે. જો ફિલિપાઇન્સ ઉપર હુમલો થાય તો અમેરિકાને તેની સહાયે દોડવું જ પડે. બીજી ચિંતા તે છે કે ચીન તે દ્વારા પૂર્વ પેસિફિકમાં પણ પોતાનું બળ પ્રદર્શન કરવા માગે છે. તેનાં યુદ્ધ જહાજો ઘણીવાર છેક આલાષ્કા સુધી પહોંચ્યા હતા. આલાસ્કા- યુએસના જળ વિસ્તારથી થોડે જ દૂર આંતરરાષ્ટ્રીય જળ વિસ્તારમાં રહ્યા હતાં. પરંતુ તે પાછળ હેતુ બહુ સ્પષ્ટ હતો કે, 'જુઓ અમે અમેરિકાથી પણ ડરતા નથી.' અમે ત્યાં સુધી પહોંચી શકીએ તેમ છીએ.'
ચીન આંતરરાષ્ટ્રીય અદાલતને પણ ગણતું નથી. તે સમગ્ર દક્ષિણ-ચીન સમુદ્રને પોતાનો જ કહે છે. જેની વિરૂધ્ધ આંતરરાષ્ટ્રીય અદાલતે ચુકાદો પણ આપ્યો છે. છતાં તેને આ ચીન ગણતું નથી.
ટુંકમાં ચીનની વધતી જતી કાર્યવાહી એક રીતે અમેરિકા સામેનો પડકાર છે. તો બીજી તરફ વિશ્વ શાંતિ સામે પણ પડકાર છે.








