ચીને પીઓકે-બલૂચિસ્તાનમાં પાક. માટે મિસાઈલ બંકરો બાંધકામ શરૂ કર્યું

પાડોશી દેશોમાં દબદબો વધારવા ચીનના ઉધામા

ચીની આર્મી પહાડોને કોતરીને મિસાઈલ બેઝ માટે ગુફા બનાવતી હોવાનો ગુપ્તચર અહેવાલોમાં દાવોઃ ભારતીય સૈન્ય એલર્ટ
ચીન પાડોશી દેશોમાં દબદબો વધારવા બેબાકળું થયું છે. તેના ભાગરૃપે ચીની આર્મીએ પાકિસ્તાનમાં મિસાઈલ બંકરો બાંધવાનું શરૃ કર્યું છે. ગુપ્તચર અહેવાલોમાં દાવો થયો હતો કે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના એ તરફના હિસ્સામાં અને બલૂચિસ્તાનમાં લશ્કરી બાંધકામ શરૃ થયું છે, ભારતીય સૈન્ય એલર્ટ થઈને આ ગતિવિધિ પર નજર રાખશે.
ચીનની મહાત્વાકાંક્ષી યોજના વન બેલ્ટ એન્ડ રોડ ઈનિશ્યેટિવ અંતર્ગત આવતો ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી) હવે બંધ થાય તેવી શક્યતા છે. સીપીઈસીનું કામ અટકી પડયું છે. ખાસ તો બલૂચિસ્તાનમાં ભારે વિરોધના પગલે કામ અટકાવી દેવાની ફરજ પડી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત માતબર ખર્ચ થયો હોવાથી હવે ચીને એના બદલે પાકિસ્તાન સૈન્ય માટે મિસાઈલ બંકરો બનાવવાનું શરૃ કર્યું છે. ગુપ્તચર અહેવાલ પ્રમાણે પાકિસ્તાનના સિંઘ પ્રાંત, બલૂચિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના કેટલાક હિસ્સામાં પહાડીઓ કોતરીને ચીન મિસાઈલો માટે બેઝ બનાવશે. ગુફામાં મિસાઈલો રાખવાથી પ્રાકૃતિક રીતે જ તેને રક્ષણ મળતું હોવાથી ચીને પાકિસ્તાની આર્મી માટે આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. એ રીતે ચીને પાકિસ્તાનમાં પ્રભાવ યથાવત રાખવાની મથામણ શરૃ કરી છે. મિસાઈલ બંકરો બાંધીને ચીન એ બહાને ભારતની સરહદે પહોંચ વધારવા માગે છે.
બંકરો અને લશ્કરી બાંધકામમાં ચીનની કંપનીઓ અને ચીની સૈન્ય કુશળ મનાય છે. ચીન પાકિસ્તાનમાં આવા બંકરો બનાવીને પાકિસ્તાની સૈન્યને ભારત સામે વધારે મજબૂત કરવાની મથામણમાં છે. બલૂચિસ્તાનના ખુજદરમાં પાકિસ્તાનની સૈન્યની એક મિસાઈલ રેજિમેન્ટ તૈનાત છે. એના માટે બંકરો બાંધવામાં આવી રહ્યા છે. અટકળો તો એવી પણ લગાવાઈ રહી છે કે ચીન તેના શસ્ત્રો માટે સલામત સ્થળો બનાવીને પાકિસ્તાની સૈન્ય સાથે સહકાર વધારવા માગે છે.

City News

Sports

RECENT NEWS