Get The App

નેપાળમાં ચીને ભર્યું વધુ એક પગલુ, વધશે ભારતનું ટેન્શન!

નેપાળ અને ભારત વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ચીન પોતાની પરિયોજનાઓ દ્વારા નેપાળમાં પોતાની પકડ મજબૂત કરવા પ્રયત્નશીલ

Updated: Jul 29th, 2020

GS TEAM

Google News
Google News
નેપાળમાં ચીને ભર્યું વધુ એક પગલુ, વધશે ભારતનું ટેન્શન! 1 - image


નવી દિલ્હી, તા. 29 જુલાઈ 2020, બુધવાર

ભારત સાથેના સરહદી વિવાદ વચ્ચે ચીને નેપાળમાં 30 કરોડ ડોલરની રેલ પરિયોજના પર કામ શરૂ કરી દીધું છે. વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વની ગણાતી આ રેલવે લાઈન લ્હાસાથી કાઠમંડુ સુધી જશે અને બાદમાં ભારત-નેપાળ સરહદ પાસે લુમ્બિની સાથે પણ તેને જોડવામાં આવશે. ચીનના મીડિયાએ રેલવે પ્રોજેક્ટના સર્વેની તસવીરો શેર કરી છે. તસવીરોમાં એક ટીમ કોરિડોર સાઈટનું નિરીક્ષણ કરતી જોવા મળી રહી છે. 

આ સંજોગોમાં જ્યારે નેપાળ અને ભારત વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે, ચીન પોતાની પરિયોજનાઓ દ્વારા નેપાળમાં પોતાની પકડ મજબૂત કરવા પ્રયત્ન કરી રહ્યું છે. સોમવારે ચીને પાકિસ્તાન, નેપાળ અને અફઘાનિસ્તાન સાથે વર્ચ્યુઅલ બેઠક યોજીને કોરોના મહામારી અને બેલ્ટ એન્ડ રોડ પરિયોજના માટે સહયોગ વધારવા ચર્ચા કરી હતી. 

ચીન-નેપાળ વચ્ચે 2008માં રેલવે લાઈનની યોજના બની હતી પરંતુ ત્યારથી તેમાં કોઈ મોટી પ્રગતિ નથી થઈ. જો કે નેપાળ-ભારતના વર્તમાન સરહદ વિવાદ વચ્ચે ચીને કોરિડોરનું કામ ઝડપી કરી દીધું છે. આ મહત્વાકાંક્ષી પરિયોજના માટે 2025ની ડેડલાઈન નક્કી કરવામાં આવી છે. વિવિધ ઘટનાક્રમ પર નજર નાખીએ તો ભારતીય સૂત્રોના કહેવા પ્રમાણે હજુ પરિયોજનાનું નિર્માણ કાર્ય શરૂ નથી થયું પરંતુ સર્વે શરૂ કરી દેવાયો છે. 

ચીને 2008માં આ પરિયોજનાનો પાયો નાખ્યો હતો તથા રેલવે કોરિડોર દ્વારા લ્હાસાથી શિગાસ્તેને જોડવામાં આવશે અને પછી તેનો વિસ્તાર નેપાળ સરહદ પાસે કેરૂંગ સુધી કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. અંતિમ તબક્કામાં આ રેલવે લાઈનને કાઠમંડુ અને બુદ્ધના જન્મસ્થળ લુમ્બિની સુધી લઈ જવામાં આવશે. 

જો કે આ મોટી પરિયોજનાના અંદાજિત ખર્ચને લઈ ચિંતાઓ વધી રહી છે કારણ કે અત્યારથી જ તેનો ખર્ચો 30 કરોડ ડોલરથી વધી ગયો છે. આ પરિયોજનામાં અનેક સુરંગ અને પુલ બનાવવાના હોવાથી તે ખૂબ જટિલ કામ છે.

સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે ચીન ઈચ્છતું હતું કે નેપાળ આ પરિયોજનાના અડધા ખર્ચનું વહન કરે પરંતુ તેનાથી પ્રોજેક્ટમાં મોડું થતું ગયું. અનેક લોકોના મતે રેલવે લાઈન પહેલા ચીન નેપાળમાં બીજી સડક પરિયોજનાઓ પૂર્ણ કરશે કારણ કે તે તેના માટે વધુ સરળ અને સસ્તું રહેશે. 

નેપાળમાં ભારતની રેલવે યોજના

નેપાળમાં ચીનનો પ્રભાવ રોકવા માટે ભારતે પણ એક રેલ કોરિડોરનો પ્રસ્તાવ મુક્યો છે. ભારત અને નેપાળ વચ્ચે 6 રેલવે લાઈન બનાવવાની યોજના છે. આ પરિયોજનાઓની સ્થિતિ અંગે વાત કરતી વખતે રેલવે બોર્ડના ચેરમેન વી.કે. યાદવે જણાવ્યું કે, અમે અમારા તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને સૌથી ઉપર રાખ્યા છે. જો કે વર્તમાન પ્રોજેક્ટની ટાઈમલાઈન અને ડિટેઈલ્સ પછીથી આપવામાં આવશે. 

નેપાળ-ચીન રેલવે લાઈનના રસ્તામાં ઘણી મુશ્કેલીઓ છે કારણ કે તે પહાડી રસ્તાઓમાંથી પસાર થશે. જ્યારે ભારત અને નેપાળ વચ્ચે બનનારી રેલવે લાઈનને પ્રમાણમાં ઓછી મુશ્કેલીઓ નડશે. જાણવા મળ્યા મુજબ છ પૈકીના બે પ્રોજેક્ટમાં કેટલીક પ્રગતિ થઈ છે.

જયનગર-જનકપુર-બાર્દીબાસ રેલવે લાઈનનો ખર્ચો 5.5 અબજ રૂપિયા છે. 69 કિમીના આ પ્રોજેક્ટને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવ્યો છે. પહેલા તબક્કામાં જયનગરથી કુર્થા વચ્ચે 34 કિમીની રેલવે લાઈન પૂરી કરવાની છે. બીજા તબક્કામાં કુર્થાથી ભાનગાહ વચ્ચે 18 કિમી અને ત્રીજા તબક્કામાં ભાનગાહથી બાર્દીબાસ વચ્ચે 17 કિમીની રેલવે લાઈન બનાવવામાં આવશે. 

નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ જુલાઈ 2018માં ભારતની મુલાકાત લીધી હતી. તે સમયે બંને પક્ષ વચ્ચે ઓક્ટોબર 2018 સુધીમાં આ પરિયોજનાનું કામ પૂરૂ કરવા સહમતિ સધાઈ હતી. જો કે ત્યારથી અત્યાર સુધીમાં અનેક ડેડલાઈન વીતી ગઈ છે. સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે ટ્રેન ચલાવવા, કેટરિંગ અને રોલિંગ સ્ટોક સહિત અનેક ઓપરેશનલ મુદ્દા છે જેથી કામ અટકેલું છે. 

કાઠમંડુ-રક્સૌલ રેલવે લાઈન

આ પ્રોજેક્ટમાં 136 કિમીની રેલવે લાઈન બનાવવાની છે. તે અંતર્ગત બિહારના રક્સૌલથી નેપાળની રાજધાની કાઠમંડુ સુધી ઈલેક્ટ્રિફાઈડ રેલ લાઈન બનાવવાનો પ્રસ્તાવ છે. આ પરિયોજનાની વ્યાવહારિકતાને લઈ ભારતીય ટીમે પહેલેથી અભ્યાસ કરી લીધો છે. 

Tags :