ચીને યુએનને ટક્કર આપવા તૈયાર કર્યુ નવું સંગઠન, પાકિસ્તાન સહિતના ૩૦ દેશો જોડાયા
ડ્રેગનની ઇમેજ ધરાવતા ચીને યુએનનો વિકલ્પ તલાસવા માંડયો છે
હોંગકોંગ ખાતે ૩૦ જેટલા દેશોના પ્રતિનિધિઓ મંચની સ્થાપના માટે મળ્યા
બેઇજિંગ,૩૦ મે,૨૦૨૫,શુક્રવાર
વિશ્વશાંતિ અને આંતરરાષ્ટ્રીય વિવાદોના ઉકેલ માટે કામ કરતું યુનાઇટેડ નેશન ઘણા અંશે નિષ્ફળ રહયું છે. ખાસ કરીને દુનિયાના વિવિધ ભાગોમાં ચાલતા ટંટા અને લડાઇઓમાં સમાધાનની ફોર્મ્યુલા આપી શકયું નથી. કેટલાક દેશોનો વધારે પ્રભાવ જોવા મળતો હોવાનો કચવાટ પણ જોવા મળે છે. આવા સંજોગોમાં એશિયામાં ડ્રેગનની ઇમેજ ધરાવતા ચીને યુએનનો વિકલ્પ તલાસવા માંડયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચીને યુએનને સીધી ટક્કર આપી શકે તેવા એક નવો મંચ તૈયાર કર્યો છે જેમાં પાકિસ્તાન અને બેલારુસ જેવા દેશોનો સમાવેશ થાય છે.
ચીન મોટા દેશોને મળીને એક નવા વૈશ્વિક મધ્યસ્થતા સમૂહ તૈયાર કરવાની તૈયારીઓ શરુ કરી છે. ચીનની આ કવાયતમાં ૩૦ થી વધુ દેશો જોડાયા છે. પાકિસ્તાન ઉપરાંત ઇન્ડોનેશિયા અને કયૂબા જેવા દેશો પણ છે. તાજેતરમાં હોંગકોંગ ખાતે ૩૦ જેટલા દેશોના પ્રતિનિધિઓએ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા સંગઠનની સ્થાપના કરવાની સંધી પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે જ દેશો વૈશ્વિક સંગઠનના સંસ્થાપક બની ગયા છે. આ નવા સંગઠનનું મુખ્યાલય હોગકૉગમાં રહેશે. મુખ્યાલયની સ્થાપનાના સમારોહમાં સંયુકત રાષ્ટ્ર સહિત ૫૦ અન્ય દેશો અને અન્ય ૨૦ આંતરરાષ્ટ્રીય સંગઠનના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
વર્ષના અંત સુધીમાં શરુ કરશે કામગીરી
આ સંગઠનને મધ્યસ્થતાના માધ્યમથી વિવાદોનો ઉકેલ લાવનારુ પ્રથમ આંતરરાષ્ટ્રીય સરકારી કાનુની સંગઠન ગણાવ્યું હતું. આ સંગઠન સંયુકત રાષ્ટ્રસંઘના ચાર્ટરના સિધ્ધાંતોની સુરક્ષા માટે એક મહત્વનું તંત્ર હશે. હોગકોંગના નેતાના જણાવ્યા અનુસાર નવું રચાયેલું ૩૦ દેશોનું સંગઠન વર્તમાન વર્ષના અંત સુધીમાં કાર્યરત થઇ જશે. ચીનના વિદેશમંત્રી વાંગ યી એ કહયું હતું કે ચીન લાંબા સમયથી પરસ્પરની સમજણથી મતભેદોના ઉકલ માટે વાતચિત અને મધ્યસ્થતા માટે આમ સહમતી તૈયાર કરવાની વકાલત કરતું રહયું છે.