Get The App

દુર્લભ ખનીજોની નિકાસ મામલે ચીનનો મોટો નિર્ણય, ભારતીય કંપનીઓને આપ્યું લાયસન્સ

Updated: Oct 31st, 2025

GS TEAM

Google News
Google News
દુર્લભ ખનીજોની નિકાસ મામલે ચીનનો મોટો નિર્ણય, ભારતીય કંપનીઓને આપ્યું લાયસન્સ 1 - image

China Rare Earth magnets License: ચીને ભારતની અમુક કંપનીઓને દુર્લભ ખનીજ મેગ્નેટની આયાત મામલે લાયસન્સ જાહેર કર્યા છે. જેનાથી બંને દેશો વચ્ચે વેપાર સંબંધો ગાઢ બનશે. દુર્લભ ખનીજ ઈલેક્ટ્રિક વાહનો અને બેટરી સ્ટોરેજ જેવા ક્ષેત્રો માટે મહત્ત્વપૂર્ણ છે. વૈશ્વિક સ્તરે દુલર્ભ ખનીજોમાં ચીનનો દબદબો રહ્યો છે અને વૈશ્વિક ઉત્પાદનમાં તેનું યોગદાન આશરે 70 ટકા છે. 

આ લાયન્સ એવા સમયે ઈશ્યૂ કરવામાં આવ્યું છે, જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી જિનપિંગની મુલાકાત થઈ. આ મુલાકાત બાદ અમેરિકા-ચીન વચ્ચે વેપાર સંબંધો સુધર્યા હોવાના સમાચાર મળ્યા હતા. અમેરિકાએ ચીન પર ટેરિફ 10 ટકા ઘટાડ્યો છે, જ્યારે ચીને દુર્લભ ખનીજોના સપ્લાય અને સોયાબિન ખરીદવાનું વચન આપ્યું છે.

લાયસન્સથી ભારતને નોંધપાત્ર ફાયદો

ચીન દ્વારા લાયસન્સ મળતાં ભારતને આ સંસાધનોની વધુ વિશ્વસનીય પુરવઠો પ્રાપ્ત થશે. જેનો ઇન્ડસ્ટ્રીને નોંધપાત્ર ફાયદો થશે. વિદેશ મંત્રાલયે ગઈકાલે 30 ઑક્ટોબરે, ગુરુવારે નવી દિલ્હીમાં આ અંગે માહિતી આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, અમુક ભારતીય કંપનીઓએ ચીનમાંથી દુર્લભ સોઇલ મેગ્નેટ જેવા ખનીજોની આયાત માટે લાયસન્સ મળ્યું છે. આ પગલું ભારત-ચીન વચ્ચે સંબંધોને વધુ શ્રેષ્ઠ બનાવવાની વ્યાપક પહેલોના સંદર્ભમાં લેવામાં આવ્યું છે.

ચીને ખાતર અને દુર્લભ ખનીજો પર પ્રતિબંધો લાદ્યા

ગયા વર્ષે ચીને ભારત સહિત અનેક દેશોમાં ખાતર અને ખનીજ નિકાસ પર પ્રતિબંધો લાદ્યા હતા, જેના કારણે નવી દિલ્હી દ્વારા દુર્લભ ખનીજોના પુરવઠા માટે પડકારો ઊભા થયા હતા. જોકે બેઇજિંગે જૂનમાં અન્ય દેશો માટે પ્રતિબંધો હળવા કર્યા હતા, પરંતુ ભારત માટે હજુ સુધી તેમ કર્યું નથી. વધુમાં, ચીને તાજેતરમાં દુર્લભ ખનીજ પ્રક્રિયા અને બેટરી ઉત્પાદન સંબંધિત ટૅક્નોલૉજી અને સાધનોની નિકાસ પર નવી મર્યાદાઓ લાદી છે, જેનાથી મહત્ત્વપૂર્ણ ખનીજ સપ્લાય ચેઇન પર તેનું કડક નિયંત્રણ વધુ મજબૂત બન્યું છે.

ભારત-ચીન સંબંધોમાં સુધારો

ભારતીય કંપનીઓને લાઇસન્સ આપવાના ચીનના નિર્ણયને ભારત અને ચીન વચ્ચેના વેપાર સંબંધોમાં સુધારો થવાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે. આ વિકાસ બંને સરકારો દ્વારા કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરુ કરવા અને ચીનના નાગરિકોને પ્રવાસી વિઝા આપવા સહિત રાજદ્વારી સંબંધો પુનઃસ્થાપિત કરવા માટે લેવામાં આવેલા અનેક પગલાં વચ્ચે થયો છે.

ભારત માટે દુર્લભ ખનીજો મહત્ત્વનું

ભારત માટે તેના ઔદ્યોગિક અને તકનીકી વિકાસને ટકાવી રાખવા માટે દુર્લભ ખનીજોનો સતત પુરવઠો મહત્ત્વપૂર્ણ છે. ઈલેક્ટ્રિક વાહનો અને ડ્રોનથી લઈને અદ્યતન બેટરી સિસ્ટમ્સ સુધીના હાઇ-ટેક ઉત્પાદનોના ઉત્પાદનમાં દુર્લભ ખનીજોની જરૂર છે. વર્તમાન લાઇસન્સિંગ પહેલ આ મહત્ત્વપૂર્ણ ઇનપુટ્સ સુધી ભારતની પહોંચને વૈવિધ્યીકરણ અને સ્થિર કરવામાં મદદ કરી શકે છે.

દુર્લભ ખનીજોની નિકાસ મામલે ચીનનો મોટો નિર્ણય, ભારતીય કંપનીઓને આપ્યું લાયસન્સ 2 - image