તાઈવાન અંગે ચીન શાંત નથી બેઠું તેની આસપાસ ચીનનાં યુદ્ધ વિમાનો, જહાજો ઘૂમી રહ્યાં છે

Updated: Jan 25th, 2023


ચીનની હાલની ગતિવિધિ અને સંકેત આપે છે કે ચીન કોઈ મોટા એક્શનની તૈયારીઓ કરે છે

તાઈ-પે: તાઈવાન અગે ચીન હજી શાંત બેઠું નથી તેની હાલની ગતિવિધિઓ એવા સંકેતો આપે છે કે, ચીન કોઈ મોટા એકશન પ્લાનની તૈયારીઓ કરી રહ્યું છે. તાઈવાનનાં રાષ્ટ્રીય રક્ષા મંત્રાલય (મીનિસ્ટ્રી ઓફ નેશનલ ડીફેન્સ)ના જણાવ્યા પ્રમાણે સોમવારે તાઈવાનના વિસ્તારમાં ઓછામાં ઓછા નવ ચીની લશ્કરી વિમાનો અને નૌકાદળના પાંચ જહાજો ઘૂમી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

તાઈવાનનાં સંરક્ષણ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)નાં ૯ યુદ્ધ વિમાન અને તેનાં નેવીના પાંચ યુદ્ધ જહાજો આજે સવારે ૬ વાગે તાઈવાન આસપાસ જોવા મળ્યાં હતાં.

ચીનની આ ગતિવિધિનો જવાબ આપવા માટે CAP વિમાન, નૌકાદળનાં જહાજો અને ભૂમિ આધારિત મિસાઇલ સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે.

આ પૂર્વે તાઈવાને રવિવારે સવારે કહ્યું હતું કે કુલ ૧૦ ચીની સૈન્ય વિમાન અને ચાર નૌકાદળ જહાજો તેનાં ક્ષેત્રમાં ઘૂસી આવ્યાં હતાં. આ સાથે તાઈવાનના જ વિસ્તારમાં ચીની યુદ્ધ જહાજોની સંખ્યા ૧૯ સુધી પહોંચી છે. આ ઉપરાંત બીજા આઠ નૌકાદળ-જહાજો પણ તાઈવાનનાં જળ વિસ્તારમાં ઘૂમી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ ૨૦૨૨ થી ચીને પોતાની સૈન્ય કારવાઈ તેજ કરી દીધી છે. તેનું કારણ તે પણ હોઈ શકે કે અમેરિકાનાં હાઉસ ઓફ રેપ્રેઝેન્ટેટીવ્ઝના અધ્યક્ષા નેન્સી પેલોસ્કીએ ૨જી અને ૩જી ઓગસ્ટે, (૨૦૨૨ની) તાઈવાનની મુલાકાત લીધી હતી. તે પછી ચીને તાઈવાન પાસેનાં આશરે છ સ્થાનો ઉપર લાઇવ ફાયર અભ્યાસ કર્યો હતો. આ પૂર્વે ૨૦મી જાન્યુઆરીએ ૩૧ ચાઈનીઝ યુદ્ધ વિમાનો અને ચાર યુદ્ધ જહાજો તાઈવાનના જળ વિસ્તારમાં અને તેની ઉપર જોવા મળ્યા હતાં.

દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કને તે ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ટાળવા ચીનને ફરી એકવાર અનુરોધ કર્યો હતો પરંતુ તે સાથે તાઈવાનની યથાસ્થિતિ બદલવા સામે પણ ચીનને ચેતવ્યું હતું.

નિરીક્ષકોને આશંકા છે કે પશ્ચિમ યુક્રેનમાં વ્યસ્ત છે ત્યારે ચીન કદાચ તાઈવાન પર હુમલો કરી ન બેસે.

    Sports

    RECENT NEWS